28 December, 2025 03:52 PM IST | Mumbai | Laxmi Vanita
પેટ્રા શહેર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડનની મુલાકાતે લોકોમાં પેટ્રા શહેરને જાણવાની ઉત્સુકતા જગાડી. એમાંય જ્યારે એને ઇલોરા સાથે સાંકળવામાં આવી ત્યારે નવાઈ લાગે કે ભારતને જૉર્ડન સાથે એવો કયો જૂનો સંબંધ છે. નવી સાત અજાયબીઓમાં તાજમહલ સાથે સ્થાન પામેલું જૉર્ડનનું પ્રાચીન શહેર પેટ્રા કેમ યુનિક છે એ જાણો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જૉર્ડન પ્રવાસ ૧૫–૧૬ ડિસેમ્બર દરમિયાન થયો હતો. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને જૉર્ડન વચ્ચેના ૭૫ વર્ષના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો હતો. પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ જૉર્ડનના રાજા અબદુલ્લા દ્વિતીય સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી જેમાં વેપાર, રોકાણ, પાણી-વ્યવસ્થાપન, ડિજિટલ ટેક્નૉલૉજી, ખેતી, શિક્ષણ અને પર્યટન જેવાં ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મુકાયો હતો. આ મુલાકાત દરમિયાન અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને સાંસ્કૃતિક સહકારના ભાગરૂપે પેટ્રા (જૉર્ડન) અને ઇલોરા ગુફાઓ (ભારત) વચ્ચે ટ્વિનિંગ ઍગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું. ત્યારે જાણીએ કે આ ટ્વિનિંગ કરાર શું છે? પેટ્રા અને ઇલોરા વચ્ચે જ કેમ આ કરાર થયો છે? શા માટે પેટ્રા જૉર્ડનનું એક અચૂક જોવાલાયક સ્થાન છે? આ બધા સવાલોના જવાબ જાણીએ.
ટ્વિનિંગ કરાર એટલે શું?
પેટ્રા (જૉર્ડન) અને ઇલોરા ગુફાઓ (ભારત) વચ્ચે થયેલું ટ્વિનિંગ ઍગ્રીમેન્ટ એટલે બે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો વચ્ચે થયેલો એક ઔપચારિક સહકાર કરાર. આ કરારનો અર્થ એ નથી કે એક દેશ બીજાના સ્થળનો માલિક બની જાય. આ કરારનો મતલબ એ છે કે બન્ને દેશો પોતાના વારસાસ્થળોના સંરક્ષણ, સંશોધન અને પ્રચાર માટે સાથે મળીને કામ કરશે. પેટ્રા અને ઇલોરા બન્ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે અને પ્રાચીન પથ્થર-કોતરણીની અદ્ભુત કળાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી એમને જોડવામાં આવી છે. આ કરાર હેઠળ પર્યટનવિકાસ, વારસાસંરક્ષણની ટેક્નિક્સ, પુરાતત્ત્વવિદો અને નિષ્ણાતો વચ્ચે જ્ઞાનવિનિમય તથા વૈશ્વિક સ્તરે બન્ને સ્થળોની ઓળખ વધારવાનો પ્રયાસ થશે. વડા પ્રધાનના વિદેશપ્રવાસ દરમિયાન આવા કરારો જાહેર કરવામાં આવે છે જેથી સાંસ્કૃતિક સંબંધો મજબૂત બને અને ભારત–જૉર્ડન વચ્ચે મિત્રતા અને સહકારનો સંદેશ જાય. તો આ બે જગ્યાઓ વચ્ચે એવું તો શું ક્નેકશન છે એ જાણીએ.
વિશેષ અનુભવમાં પેટ્રા બાય નાઇટ ખૂબ જ લોકપ્રિય છે જેમાં અલગ-અલગ જગ્યાએ હજારો મીણબત્તીઓથી પ્રકાશિત થાય છે. પર્યટકોને એવી સલાહ આપવામાં આવે છે કે આ જગ્યા એટલી વિશાળ છે કે એને જોવા માટે બે દિવસ લાગી જાય છે.
શું જોડાણ છે?
જૉર્ડન અને ભારતમાં રૉક-કટ વન્ડર્સ કે ચમત્કારો વચ્ચેનો મુખ્ય સંબંધ પ્રાચીન ખોદકામકળા અને આર્કિટેક્ચરલ ટેક્નિક છે. પેટ્રા અને ભારતનાં ખોદેલાં કે બનાવેલાં મંદિરો જેવાં કે ખજુરાહો, ઇલોરા વગેરેમાં સમાન રીતે પથ્થરને ખોદીને ભવ્ય મકાન, મંદિર અને સમાધિઓ બનાવવામાં આવ્યાં છે. બન્ને જગ્યાઓમાં ખડકપર્વતોનો ઉપયોગ કરીને વિશાળ અને સુંદર રચનાઓ તૈયાર કરાઈ છે જે ધાર્મિક અથવા શાહી ઉદ્દેશ માટે ખોદાઈ હતી. પેટ્રામાં રાજા અને ધર્મ માટે સમાધિઓ બનાવવામાં આવી હતી, જ્યારે ભારતમાં મંદિરો અને ગુફામંદિર પૂજા માટે પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. બન્ને જગ્યાઓમાં સૂક્ષ્મ કારીગરી, ભવ્ય ફસાડ્સ એટલે કે મકાનનો દેખીતો અગ્ર ભાગ, સ્તંભો અને નકશો જોવા મળે છે જે પ્રાચીન કળા અને ઇજનેરીની શ્રેષ્ઠતા દર્શાવે છે. ઉપરાંત પેટ્રા અને કેટલીક ભારતીય ગુફાઓમાં જટિલ પાણીપુરવઠાની વ્યવસ્થા પણ જોવા મળે છે જે ત્યાંના જીવન અને શહેરનું ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. આ રીતે જૉર્ડન અને ભારત બન્ને પ્રાચીન ખોદકામકળામાં નિપુણ સંસ્કૃતિઓ ધરાવતા દેશો છે જે આજના સમયના પ્રવાસીઓ માટે વિશ્વભરના આર્કિટેક્ચરલ ચમત્કારો તરીકે
કીમતી છે.
પ્રાચીન શહેર પેટ્રાનો ઇતિહાસ
પેટ્રા શબ્દનો અર્થ ગ્રીક ભાષામાં પથ્થર થાય છે. એ જૉર્ડનનું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે જેની સ્થાપના અંદાજે ઈસવી સન પૂર્વે ચોથી સદીમાં નબાતિયન સંસ્કૃતિ દ્વારા કરવામાં આવી હતી. આ શહેર લાલ રંગના પથ્થરો (સૅન્ડસ્ટોન)ને કોતરીને બનાવવામાં આવ્યું હોવાથી એને ‘રોઝ સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેટ્રાને વિશ્વનાં આશ્ચર્યજનક ઐતિહાસિક અને આર્કિયોલૉજિકલ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. છે. પેટ્રા એક વ્યાપક વાણિજ્યિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું; અહીંથી મસાલા, ધૂપ અને રેશમ જેવા કીમતી માલસામાનનો વેપાર થતો હતો. શહેરને ઋતુના તાપમાનના ફેરફારને સહન કરવા માટે ખડક ખોદીને બનાવવામાં આવ્યું હતું. નબાતિયન લોકોએ પાણીસંગ્રહ અને વહેંચણી માટે અદ્યતન વ્યવસ્થાઓ વિકસાવી હતી જે રણવિસ્તારમાં પણ શહેરને ફૂલતું રાખતી હતી. પછીના સમયમાં રોમન સામ્રાજ્યના શાસન હેઠળ પેટ્રાનું મહત્ત્વ ધીમે-ધીમે ઘટતું ગયું અને ભૂકંપોના કારણે શહેરનો મોટો ભાગ નષ્ટ થયો. લાંબા સમય સુધી ભુલાઈ ગયેલું આ શહેર ૧૯મી સદીમાં ૧૮૧૨માં યુરોપિયન પ્રવાસીઓ દ્વારા ફરી શોધાયું. જૉર્ડનમાં પેટ્રા ટૂરિઝમ ક્ષેત્રે સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષતું સ્થળ છે. વર્ષમાં અંદાજે ૧૦ લાખ જેટલા લોકો આ સ્થળની મુલાકાત લે છે અને મલ્ટિબિલ્યન ડૉલરની રેવન્યુ જનરેટ કરે છે. ત્યારે અહીં જોવા જેવું શું છે એ જાણીએ.
ન્યુ સેવન વન્ડર્સમાં પેટ્રા
વિશ્વની નવી સાત અજાયબીઓની યાદી ૨૦૦૭ની ૪ જુલાઈએ જાહેર કરવામાં આવી હતી. આ યાદી સ્વિટ્ઝરલૅન્ડસ્થિત ન્યુ સેવન વન્ડર્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વભરના લોકોના મતદાનના આધારે પસંદ કરવામાં આવી હતી. નવી સાત અજાયબીઓમાં ચીનની ગ્રેટ વૉલ, જૉર્ડનનું પ્રાચીન શહેર પેટ્રા, બ્રાઝિલની ક્રાઇસ્ટ ધ રિડીમર પ્રતિમા, પેરુનું પ્રાચીન શહેર માચુ પિચુ, મેક્સિકોની ચિચેન ઇત્ઝા, ઇટલીનું કોલોસિયમ અને ભારતનો તાજમહલ સામેલ છે. પ્રાચીન અથવા જૂના વિશ્વની સાત અજાયબીઓમાં ઇજિપ્તના ગીઝાનો મહાપિરામિડ, મેસોપોટેમિયામાં આવેલા બેબિલોનના લટકતા બગીચા, ગ્રીસના ઑલિમ્પિયામાં સ્થિત ઝિયૂસ દેવની વિશાળ પ્રતિમા, એશિયા માઇનરના ઇફેસસ શહેરમાં આવેલું આર્ટેમિસ દેવીનું મંદિર, હાલિકાર્નાસસમાં આવેલો મૌસોલસનો સમાધિસ્તંભ, ગ્રીસના રોડ્સ દ્વીપ પર ઊભેલી કોલોસસની પ્રતિમા અને ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયા શહેરમાં આવેલા ઍલેક્ઝાન્ડ્રિયાના લાઇટહાઉસનો સમાવેશ થાય છે. આ બધી જ અજાયબીઓ માનવસંસ્કૃતિની અદ્ભુત કળા, ઇજનેરી અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
૧૯૮૯માં સ્ટીવન સ્પીલબર્ગની ‘ઇન્ડિયાના જોન્સઃ ધ લાસ્ટ ક્રુસેડ’ ફિલ્મની રિલીઝ પછી જૉર્ડનના પેટ્રા શહેરની મુલાકાત લેનારા લોકોમાં અધધધ વધારો થયો હતો. આ ફિલ્મે પેટ્રાને ગ્લોબલ આકર્ષણ બનાવ્યું. ત્યાં સુધી કે ૨૦૦૭માં તો આ જગ્યા નવાં સેવન વન્ડર્સમાં આવી ગઈ. આજ સુધી અહીં આવનારા પર્યટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે.
આ પ્રાચીન શહેરનાં મુખ્ય આકર્ષણો
પેટ્રાનું સૌથી પ્રસિદ્ધ અને પ્રતીકાત્મક મકાન છે ‘અલ-ખઝને’ (The Treasury). એ ખડક ખોદીને બનાવવામાં આવ્યું હતું અને એની ભવ્યતા જોઈને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થાય છે. આ મકાન લગભગ ૪૦ મીટર ઊંચું છે અને એમાં સુંદર સ્તંભો અને પથ્થર પર વિવિધ કળાકૃતિઓ જોઈ શકાય છે. આને રાજા એરેટસ ચોથા માટે એક શાહી સમાધિ કે મકબરા તરીકે બનાવવામાં આવ્યું હતું. નામ ‘ખઝને’ એટલે ‘ખજાનો’, કારણ કે લોકો માનતા હતા કે અંદર રત્નો અને કીમતી વસ્તુઓ છુપાઈ છે. વાસ્તવમાં એવું નહોતું. આ મકાનનું મુખ્ય પ્રવેશદ્વાર જટિલ ડિઝાઇન અને સુંદર કારીગરી માટે જાણીતું છે જે એના ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ મહત્ત્વને દર્શાવે છે. ઉપરાંત મૉનેસ્ટરી (Ad Deir) પણ એક વિશાળ સમારક અને મહાન આર્કિટેક્ચરલ ચમત્કાર છે. અરેબિક શબ્દ Ad Deirનો અર્થ મૉનેસ્ટરી એવો થાય છે. અહીં પહોંચવા માટે ૮૦૦ દાદર ચડવા પડે છે. પેટ્રામાં કાળજીથી બનાવેલાં રોડ, બારણાં, ઘરો, ચોક્કસ નાળીઓ અને પાણીના પુરવઠાની જટિલ સિસ્ટમો પણ જોવા મળે છે. એ સિવાય રૉયલ ટૂમ્બ્સ ખડકની ઊંચાઈ પર ખોદેલી શાહી સમાધિઓ છે જેમ કે યૂર્ન ટૂમ્બ, સિલ્ક ટૂમ્બ અને કોરિન્થિયન ટૂમ્બ જે જટિલ અને સુંદર ડિઝાઇન દર્શાવે છે. હાઈ પ્લેસ ઑફ સૅક્રિફાઇસ એક હાઇકિંગ સ્થળ છે જ્યાં પ્રાચીન બલિદાનાલય અને શહેરનો વ્યુ દેખાય છે. કોલોનાડેડ સ્ટ્રીટ અને રોમન થિયેટર શહેરના મુખ્ય માર્ગમાં લાંબા રસ્તા પર આવેલાં છે. સ્ટ્રીટ ઑફ ફેસાડ્સ તરીકે ઓળખાતા વિસ્તારમાં ખડકમાં ખોદેલાં અનેક સમાધિઓ અને રહેણાક છે. વિશેષ અનુભવમાં પેટ્રા બાય નાઇટ ખૂબ જ લોકપ્રિય છે જેમાં સિક એટલે કે શહેરમાં પ્રવેશવાનાં દ્વાર અને અલ-ખઝને જેવાં સ્થાનો હજારો મીણબત્તીઓથી પ્રકાશિત થાય છે. પર્યટકોને એવી સલાહ આપવામાં આવે છે કે આ જગ્યા એટલી વિશાળ છે કે એને જોવા માટે બે દિવસ લાગી જાય છે. એ સિવાય શૂઝ પહેરવાનો આગ્રહ કરવામાં આવે છે, કારણ કે બહુ જ ચાલવું પડે છે.