સાહસ તો ખેડવું જ જોઈએ આવું આ બહેનને તેમનાં સાસુએ શીખવ્યું

11 August, 2022 03:48 PM IST  |  Mumbai | Varsha Chitaliya

અને એ પ્રોત્સાહનને કારણે ઘાટકોપરનાં પૂનમ પારેખની જીવનને જુદી રીતે માણવાની જાણે પાંખો ફૂટી. હવે તો પર્વતારોહણ, સ્કૂબા ડાઇવિંગ, સ્કીઇંગની બાકાયદા તાલીમ લઈને તેમણે જુદાં-જુદાં સ્થળો એક્સપ્લોર કરવાનું શરૂ કરી દીધું છે

પૂનમ પારેખ

હિમાચલ પ્રદેશના લાહુલ જિલ્લામાં આવેલી સ્પીતિ વૅલીનો સુંદર નઝારો માણ્યો હોય એને દુનિયાનું દરેક સ્થળ ફીકું લાગે એવી અદ્ભુત જગ્યા છે. ભારતના ઠંડા રણ તરીકે ઓળખાતી સ્પીતિ વૅલી ઍડ્વેન્ચરસ ટ્રેકિંગ માટે પૉપ્યુલર છે. ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ઘણા ટ્રેકિંગ ટ્રેલ્સ હોવાથી ટ્રેકરો વારંવાર જવાનું પસંદ કરે છે. ઘાટકોપરનાં ટ્રેકર પૂનમ પારેખ હજી ચાર દિવસ અગાઉ પરાંગ લા ટ્રેક કરીને આવ્યાં છે. આ પહેલાં પણ તેમણે સ્પીતિ વૅલીમાં આવેલા ટ્રેક કર્યા છે. ટ્રાવેલિંગનો શોખ ક્યાંથી જાગ્યો અને કઈ જગ્યાઓ ‌એક્સપ્લોર કરી છે એ વિશે તેઓ આજે દિલ ખોલીને વાત કરે છે.

સમિટ સર કર્યાં
હિમાલય ધરતીનું સ્વર્ગ છે. આવું સૌંદર્ય વિશ્વના કોઈ પર્વતો પર જોવા નહીં મળે. ક્યારેક ‌હિમવર્ષાના સાંનિધ્યમાં રહેવાનો આનંદ માણવા જેવો હોય છે એવું ઉત્સાહ સાથે જણાવતાં પૂનમ પારેખ કહે છે, ‘હિમાલયની ગોદમાં દિવસોના દિવસો રહો તોય ઓછા પડે એવી બ્યુટિફુલ જગ્યા છે. હાલમાં જ હું પરાંગ લા પાસ ટ્રેક કરીને પાછી ફરી છું. લાહુલથી ૨૮ જૂને ૬ જણના ગ્રુપ સાથે સ્ટાર્ટ કરીને લેહ તરફ નીકળી ગયાં. આ ટ્રેક કરતાં બાર દિવસ લાગે છે, પરંતુ અમારું ૬ ઑગસ્ટના કમ્પ્લીટ થઈ ગયું. સામાન્ય રીતે અમે લોકો મુંબઈથી ગ્રુપ બનાવીને જઈએ અને ત્યાં લોકલ ટ્રેકિંગ ઑપરેટર સાથે ટાઇઅપ કરી આગળ વધીએ. સ્પીતિ વૅલીની આ મારી બીજી મુલાકાત હતી. લૉન્ગ રૂટ ટ્રેકિંગની શરૂઆત ચાર વર્ષ પહેલાં કરી હતી. હસબન્ડ રસેશ સાથે સહ્યાદ્રિ રેન્જમાં વન ડે ટ્રેકિંગ ખૂબ કર્યું છે, પરંતુ મહારાષ્ટ્રની બહાર લાંબા અંતરના ટ્રેક પર જવાનો વિચાર ક્યારેય નહોતો આવ્યો. નસીબજોગે અમારા બિલ્ડિંગમાં જ કેટલાક ટ્રેકરો રહે છે. ૨૦૧૮માં એ લોકોનું ગ્રુપ સ્ટોક કાંગરી અને મેનટોક કાંગરી જવાનું હતું. પંદર દિવસનો પ્રવાસ હોવાથી મેં માંડી વાળ્યું. જોકે મારો ઇન્ટરેસ્ટ જોઈને હસબન્ડ અને સાસુએ આ ટ્રેક કરવા પ્રોત્સાહિત કરી. બાળકોની ચિંતા મૂકી દે, અમે સાચવી લઈશું એવું જણાવતાં હું નિશ્ચિંત થઈ ગઈ. ફર્સ્ટ ટ્રેકનો એક્સ્પીરિયન્સ સુપર્બ રહ્યો. ત્યાર બાદ માથો કાંગરી, ચાકુલા સફળતાપૂવર્ક થઈ ગયા. કોવિડ બ્રેક બાદ ગયા વર્ષે લદાખમાં ૬૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલો કંગ યાસ્ટે સમિટ સર કર્યો. ફર્સ્ટ અને સેકન્ડ ટાઇમમાં બે-બે શિખર અને થર્ડ ટાઇમમાં એક શિખર એમ લેહ-લદાખમાં ટોટલ પાંચ સમિટ સર કર્યાં છે. સ્પીતિ અને લેહ તદ્દન જુદાં છે. સ્પીતિમાં ધીમે-ધીમે આગળ વધો છો અને લેહમાં સીધા સાડાચાર હજાર મીટરની ઊંચાઈએ પહોંચી જાઓ છો. સ્પીતિમાં હરિયાળી છે, જ્યારે લેહ ડ્રાય અને હાર્ડ છે. એમ સમજો કે સ્પીતિ માતાનો ખોળો છે અને લેહ પિતા જેવો સખત છે. પર્વતારોહણ ઉપરાંત ભૂતકાળમાં ફૅમિલી સાથે આસામ, લદાખ, ઍન્ટાર્કટિકા, ફિલિપીન્સ વગેરે સ્થળો એક્સપ્લોર કર્યાં છે.’

રોલ મૉડલ
અમારા ઘરમાં બધાં હરવાફરવાનાં જબરાં શોખીન છે એવું જણાવતાં તેઓ કહે છે, ‘પરણીને આવી ત્યારથી પ્રવાસ અને ફિટનેસ જીવનનાં અવિભાજ્ય અંગ બની ગયાં. હસબન્ડને પહેલેથી ટ્રેકિંગમાં રસ હતો. તેમની સાથે વન ડે ટ્રેકિંગ કરતાં-કરતાં સાહસિક પ્રવાસનાં બીજ રોપાયાં. સાસુ વર્ષા પારેખને પણ પ્રવાસનો ખૂબ શોખ હોવાથી તેઓ મારાં પ્રેરણાસ્રોત બન્યાં. ઍન્ટાર્કટિકાનો પ્રવાસ તેમણે જ પ્લાન કર્યો હતો. એક નાની શિપમાં અમે ફર્યાં હતાં. ફિલિપીન્સ ફરવાની ખૂબ મજા આવી હતી. અમારું ફોકસ કલ્ચરલ અને પીપલ સેન્ટ્રિક હોય છે. ડોમેસ્ટિક પ્રવાસનો ફન્ડા છે, એક બૅગમાં સમાઈ જાય એટલા સામાન સાથે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું. પાંચ દિવસ માટે જાઓ કે વીસ દિવસ ફરવાનું હોય, શૉલ્ડર પર કૅરી કરી શકો એટલો જ સામાન લેવાનો. લક્ઝરી ટ્રાવેલ અમારા લિસ્ટમાં નથી. ટ્રાવેલિંગની બીજી ​ખાસિયત એ છે કે તમે બીજા રાજ્યના કૉમનમૅન સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકો છો. રિયલ ઇન્ડિયા જોવા નૉર્થમાં રખડપટ્ટી કરવા જેવી છે. ભારતનાં નાનાં રાજ્યોના લોકો બહુ મિલનસાર હોય છે. હા, ફૂડમાં થોડું કૉમ્પ્રોમાઇઝ કરવું પડે. આસામના જંગલમાં તમને થેપલાં નથી મળવાનાં. સ્થાનિક રહેવાસીઓ દાલ-ચાવલ જમતાં હોય એ જ ખાવાની તૈયારી રાખવી પડે. આ રીતે ફરી શકાય એવું લગ્ન પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. પહાડોના ઍટ્રૅક્શન અને પરિવારના સપોર્ટથી હું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકી. મૅરથૉન દોડવાની પ્રેરણા પણ તેમણે જ આપી. હું પ્રવાસમાં હોઉં ત્યારે બાળકોનાં ટિફિન ભરવાથી લઈ તમામ કામ સંભાળી લેતાં સાસુ અને હસબન્ડ મારા રોલ મૉડલ છે.’ 

તાલીમ લીધી
અત્યાર સુધીમાં હિમાલય, લેહ-લદાખ તેમ જ મહારાષ્ટ્રમાં સહ્યાદ્ર‌િ રેન્જ પર ટ્રેક્સ કરી ચૂકેલાં પૂનમને સ્પોર્ટ્સ ઍક્ટિવિટીનો પણ એટલો જ શોખ છે. ટ્રેકિંગના ટેક્નિકલ પાસાને સમજવા તેમણે પર્વતારોહણની તાલીમ લીધી છે. સંતાનોને આકાશને ચૂમતા પર્વતોની ટોચ પર ટહેલવા અને દરિયામાં મરજીવાની જેમ ડૂબકી મારવા જેવાં પરાક્રમો કરવામાં ગમ્મત પડે છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘પ્રવાસમાં સ્પોર્ટ્સ ઍક્ટિવિટી ઍડઑન થાય તો જ એની મજા છે. અમારું માનવું છે કે સાહસિક પ્રવૃત્તિ પ્રવાસને યાદગાર બનાવે છે. કિડ્સના લીધે જુદા-જુદા કોર્સ કરવાની તક મળતી રહે છે. હજી ત્રણ મહિના પહેલાં પૉન્ડિચેરીમાં જઈને અમે ચારેય જણે સ્કૂબા ડાઇવિંગનો ઍડ્વાન્સ કોર્સ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં ગુલમર્ગમાં સ્કીઇંગની તાલીમ લીધી. કોર્સ કરી લેવાથી કૉન્ફિડન્સ આવે છે અને ઍડ્વેન્ચર ઍક્ટિવિટી સારી રીતે કરી શકો છો. બીજો ફાયદો એ છે કે કદાચિત ટેક્નિકલ સમસ્યા ઊભી થઈ તો તમે ભયભીત નથી થતા. સ્કિલ હોય તો ટ્રેનરની જરૂર ન પડે અને રિયલ એન્જૉયમેન્ટનો અનુભવ કરી શકો. હવે રાફ્ટિંગ શીખવા જવાનાં છીએ.’

ફ્યુચર પ્રવાસનો પ્લાન શું છે? આ સવાલનો જવાબ તેમની પાસે હોતો નથી. તેમનું માનવું છે કે પ્રી-પ્લાન્ડ કે ડ્રીમ ફુલફિલ કરવાં છે જેવી કોઈ વાત હોતી નથી. ક્યારેય ન ધારેલા આવા સરસ મજાના પ્રવાસો કરવા મળ્યા એને જ સાચા અર્થમાં સપનાં સાકાર થયાં કહેવાય. 

સેફ્ટી જરૂરી
ટ્રાવેલિંગ ઘણી રીતે થાય. મન થાય એટલે બૅકપૅક લઈને રખડવા નીકળી પડો એમાં મજા આવે પણ કેટલાંક સાહસો માટે અગાઉથી પ્લાનિંગ કરવું પડે. પ્રવાસમાં સલામતીને સર્વાધિક પ્રાધાન્ય આપવું જોઈએ એવી ભલામણ કરતાં પૂનમ કહે છે, ‘દરેક જગ્યાએ બરફના થરની જાડાઈ અને લંબાઈ એકસરખી ન હોય. હિમાલયન ટ્રેકિંગમાં જીવનું જોખમ રહે છે તેથી ટ્રેર્ક્સ ગ્રુપ સાથે જોડાવું પડે. પ‍ર્વતારોહણ માટે ટેક્નિકલ પ્રૅક્ટિસ અનિવાર્ય છે. ટ્રેકિંગની જેમ સ્કૂબા ડાઇવિંગમાં પણ પ્રી-પ્લાનિંગ કરવું પડે. એનાં ડ્રેસ અને ઇક્વિપમેન્ટ્સ જુદાં હોય છે. તમે કોની સાથે જાઓ છો એ પણ જોવું જોઈએ. ઘણી વાર અજાણ્યા ગ્રુપમાં જોડાવાથી તમે પ્રૉબ્લેમમાં મુકાઈ જાઓ છો, કારણકે કોઈ પણ ભોગે પ્રવાસ પૂરો કરવાનો તેમનો ટાર્ગેટ હોય છે. અમે લોકો ધીરે-ધીરે એકબીજાને સંભાળીને આગળ વધીએ છીએ. ઍડ્વેન્ચરસ ટ્રાવેલિંગમાં ફિટનેસ અને સેફ્ટીને નજરઅંદાજ ન કરવાની સલાહ છે.’

ડર લાગે? 
પ્રથમ મુલાકાતમાં રસેશે પોતાની ભાવિ પત્ની પૂનમને પૂછ્યું હતું કે તને કોઈનો ભય લાગે? એ વખતે પૂનમને થયું કે તેઓ વ્યક્તિની વાત કરતા હશે. લગ્ન બાદ ખ્યાલ આવ્યો કે તેઓ ઊંચા પર્વતો, ઍનિમલ અને દરિયાની ઊંડાઈની વાત કરતા હતા. આજે આ વાત યાદ કરીને તેઓ ખૂબ હસે છે.

columnists life and style travel news Varsha Chitaliya