04 August, 2024 02:10 PM IST | Mumbai | Aashutosh Desai
રાજેશ રવાણી
સપનાં જોતી આંખોને રાતની જરૂર નથી હોતી, શીખવા માગતી વ્યક્તિને સંજોગોની પરવા નથી હોતી અને નવા વિચારોને કોઈ સીમા નથી નડતી! આ દરેક વિધાનને એના સાચા અર્થમાં તાદૃશ કરી દેખાડનાર કોઈ ભણેશરી, નોકરિયાત, હોમ મૅનેજર કે ધંધાદારી વ્યક્તિ નથી; બલકે એક ટ્રક-ડ્રાઇવર છે! ૨૫-૨૫ વર્ષ સુધી ટ્રક ચલાવ્યા બાદ ખાવાનું બનાવવાનો શોખ તેને એક સફળ વ્લૉગર અથવા ફેમસ યુટ્યુબર બનાવવા સુધીની સફરે લઈ ગયો. જી હા, આપણે વાત એક એવી વ્યક્તિની કરી રહ્યા છીએ જેના વ્લૉગના ૧૫ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.
મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર જેવી દેશની મોખરાની ઑટોમેકર કંપનીના આનંદ મહિન્દ્રએ પણ પોતાની મન્ડે મોટિવેશન પોસ્ટમાં સ્થાન આપતતાં આ ટ્રક-ડ્રાઇવર, વ્લૉગર વિશે સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું. કંપનીના ચૅરમૅન આનંદ મહિન્દ્ર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ખૂબ ઍક્ટિવ છે. તેઓ અવારનવાર કોઈ નવા વિષય પર કંઈક નવું પોસ્ટ કરતા રહે છે. આનંદ મહિન્દ્રએ આ ટ્રક-ડ્રાઇવર અને વ્લૉગરનો એક વિડિયો પોતાની વૉલ પર શૅર કર્યો હતો, જેમાં આ ટ્રક-ડ્રાઇવર દેશી ચિકન બનાવી રહ્યો હોય એવું જણાતું હતું. આનંદ મહિન્દ્ર લખે છે, ‘રાજેશ રવાણી છેલ્લાં ૨૫ વર્ષથી ટ્રક-ડ્રાઇવર છે. તેણે પોતાના પ્રોફેશનમાં ફૂડ અને ટ્રાવેલ-વ્લૉગિંગ પણ સામેલ કર્યું અને આજે હવે તે ૧૫ લાખ મિલ્યન સબસ્ક્રાઇબર્સ સાથે એક સેલિબ્રિટી વ્લૉગર છે.’
રાજેશ રવાણી વિશે લખતાં આનંદ મહિન્દ્ર આટલેથી અટકી નથી જતા. તેઓ આગળ બે મહત્ત્વની વાતો લખે છે. તેમણે લખ્યું હતું કે ‘રાજેશે તેની વ્લૉગિંગની કમાણીમાંથી નવું ઘર ખરીદ્યું છે. રાજેશે એ સાબિત કરી દેખાડ્યું છે કે તમારી ઉંમર કેટલી છે કે તમે કયા પ્રોફેશનમાં છો એ કશું જ મહત્ત્વનું નથી. પોતાની જાતને શોધવા કે નવી ટેક્નૉલૉજી અપનાવવાની બાબતમાં આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે હવે આ ઉંમરે શું નવું શીખી શકાશે? ક્યારેય મોડું થતું જ નથી. રાજેશ રવાણી પાસે આ વાત શીખવા જેવી છે.’
આનંદ મહિન્દ્ર જે વ્યક્તિને પોતાના મન્ડે મોટિવેશનમાં સ્થાન આપતા હોય, જે વ્લૉગરના ૧૫ લાખ સબસ્ક્રાઇબર્સ હોય અને ટ્રક ચલાવવાની સાથે જે માણસ ટેસ્ટફુલ ખાવાનું પણ બનાવી જાણતો હોય તેની કહાણી બેશક રસપ્રદ જ હોવાની. શું લાગે છે? આપણી ધારણા સાચી હશે કે નહીં? અરે પણ એ તો તેની કહાણી જાણીશું ત્યારે ખબર પડશેને... ખરું કે નહીં? તો ચાલો આજે મળીએ ટ્રક-ડ્રાઇવર-કમ-વ્લૉગર રાજેશ રવાણીને.
રાજા છું ફૉલોઅર્સનો
પશ્ચિમ બંગાળ અને ઝારખંડ રાજ્યની સીમાઓ જ્યાં મળે છે ત્યાં એક નાનકડું ગામ છે અને એનું નામ છે જમતારા. આમ તો આ ગામ હવે આપણા કોઈથી અજાણ્યું રહ્યું નથી. OTT પર આવેલી સ્કૅમર્સની સિરીઝ જમતારાને કારણે હવે આ ગામ આખા ભારતમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે, પરંતુ આ ગામ હવે એટલા માટે પણ પ્રખ્યાત છે કે ત્યાં રહેતો એક સાવ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાવ સામાન્ય ઘરમાં જન્મેલો એક છોકરો જે મોટો થઈને બન્યો તો ટ્રક-ડ્રાઇવર, પણ જીભના ચટાકાએ તેને લજ્જતદાર ખાવાનું બનાવતો કર્યો અને એ લજ્જતદાર ખાવાના શોખે તેને ૧૫ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ આપ્યા.
તો કહાની કંઈક એવી છે કે રાજેશભાઈના પરિવારની આર્થિક પરિસ્થતિ કંઈક ખાસ નહોતી અને જમતારામાં રહી તેમના પિતાને કોઈ ખાસ કામ મળે એમ પણ નહોતું એથી પરિવાર કામ મેળવવાની આશાએ જમતારા છોડીને રામપુરમાં સ્થાયી થઈ ગયો. પિતાએ ભાડાનું ઘર લીધું અને રોજંદારીનું જે કામ મળે એ મજૂરી કરવા માંડ્યા. દીકરો રાજેશ ધીરે-ધીરે મોટો થવા માંડ્યો. આર્થિક પરિસ્થિતિ અને સંજોગોને કારણે દીકરો ખાસ ભણી તો ન શક્યો, પરંતુ ટ્રક ચલાવતાં ખૂબ ઝડપથી શીખી ગયો. ઉંમર થતાં રાજેશે ટ્રક ચલાવવાને જ પોતાના રોજગાર તરીકે સ્વીકારી લીધો. હવે સ્વાભાવિક છે ટ્રક-ડ્રાઇવરનું કામ દિવસોના દિવસો ઘરથી દૂર રહીને માલનું વહન કરાવવાનું છે. એકલો માણસ જ્યારે થાકે, કંટાળે ત્યારે કરે પણ શું? બીજું કંઈ નહીં તો મોબાઇલ હાથમાં ઉપાડો અને યુટ્યુબ શરૂ કરો એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય એવા થોડાઘણા વિડિયો તો જોવા મળે જ મળે. હવે રાજેશભાઈ રહ્યા પહેલેથી ખાવાના શોખીન. વળી દિવસો અને મહિનાઓ સુધી ઘરથી દૂર રહી ટ્રક ચલાવતા રહેવાનું હોય તેમને રોજ-રોજ સવાર-સાંજ હોટેલ કે ઢાબા પર ખાવું પણ ગમે નહીં.
ખાવાનો શોખ, વળી ખાવાનું પણ ટેસ્ટી જ જોઈએ. હોટેલ્સ કે ઢાબા પર રોજ ખાવું નથી અને યુટ્યુબના વિડિયો જોવા છે. આ બધાનું પરિણામ કંઈક જબરદસ્ત આવ્યું. થયું એવું કે ટેસ્ટી ખાવાના શોખને કારણે રાજેશભાઈ પોતાનું ખાવાનું જાતે જ બનાવતા થયા. જમવાનું બનાવવાનો સામાન, ચૂલો, મરી-મસાલા એ બધું રાજેશભાઈ તેમની ટ્રકમાં સાથે જ લઈને સફર કરતા. રોડની એક તરફ ટ્રક ઊભી રાખી દે, ખાવાનું બનાવે, મોજથી જમે અને સફર આગળ વધારે. આટલી સરળ જિંદગીની સફરમાં રાજેશભાઈએ યુટ્યુબ જોવાનું શરૂ કર્યું અને એક દિવસ તેમને એક વિચાર ઝબક્યો. માત્ર ગમ્મત ખાતર તેમણે પોતાના ખાવાનું બનાવતા કેટલાક વિડિયો શૂટ કર્યા. એવામાં બન્યું એવું કે એકાદ મહિનો ટ્રક ચલાવીને થાક્યાપાક્યા ઘરે આવેલા રાજેશભાઈના ફોનમાં સચવાયેલા વિડિયો તેમના દીકરાએ જોયા અને તેણે પપ્પાના બે-ચાર વિડિયો યુટ્યુબ પર અપલોડ કરી દીધા. રાજેશભાઈને દીકરાએ એ કહ્યું ત્યારે તો તેમને હજી એ પણ ખબર નહોતી કે વિડિયો યુટ્યુબ પર અપલોડ કઈ રીતે થાય, કોઈ તેમના એ વિડિયો જુએ છે કે નહીં, કોઈ કમેન્ટ કે લાઇક કરી રહ્યું છે કે નહીં એ ચેક કઈ રીતે કરી શકાય. જોકે રાજેશભાઈને એ સમયે આ બધાથી ખાસ કોઈ ફરક નહોતો પડતો. બસ તેમને મન તો આ બધું ટ્રક સાથેની થકવી નાખતી રોજિંદી જિંદગીમાં થોડોક ચેન્જ અને ખૂબ આનંદ આપતું એક બહાનું હતું.
તેમને તો આ વિડિયોગ્રાફી કરવાની અને એ યુટ્યુબ પર અપલોડ કરવાની મજા આવવા માંડી એટલું જ. સવાર-સાંજની રોજિંદી ટ્રક-ડ્રાઇવરીમાં સાચું પૂછો તો તેમને માટે એક ફન હતું. ધીરે-ધીરે કેટલાક લોકો તેમના વિડિયો રેગ્યુલર જોવા માંડ્યા. તેમણે રાજેશભાઈના વિડિયો પર કમેન્ટ કરી. સ્વાભાવિક છે કે કમેન્ટ અને લાઇક્સનાં નૉટિફિકેશન્સ આવે એટલે જાણવા મળે કે કેટલાક લોકોને તેમના વિડિયો ગમી રહ્યા છે. રાજેશભાઈએ ત્યાર બાદ પોતાની એક યુટ્યુબ ચૅનલ બનાવી અને રાજેશભાઈનું ટ્રક કિચન વાઇરલ થઈ ગયું.
જી હા, આજે રાજેશભાઈ ૨૫ વર્ષથી ટ્રક ચલાવતા એક એવા ટ્રક-ડ્રાઇવર છે જેમની યુટ્યુબ ચૅનલ છે. ચૅનલનું નામ છે R Rajesh Vlogs અને આ ચૅનલના અધધધ ૧૫ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે! પોતાના ટ્રક-ડ્રાઇવરીના વ્યવસાયને કારણે નેપાલ, ભુતાન જેવા દેશોમાં પણ આવતા-જતા રહેતા રાજેશભાઈ હવે ટ્રકની સફર દરમ્યાન તેમના ફૉલોઅર્સને પોતાના વિડિયો દ્વારા દેશના
અલગ-અલગ ખૂણે ફેરવે છે અને સાથે જ તેમની ટ્રકમાં ખાવાનું રાંધે પણ છે તથા તેમની રેસિપી વ્યુઅર્સને કહેતા પણ જાય છે. તેમના ફૂડની જેમ તેમના વિડિયો પણ એટલા લિજ્જતદાર હોય છે કે એક વાર એ જોનાર રાજેશભાઈનો ફૅન બની જાય છે.
આજે રાજેશભાઈ એક સેલિબ્રિટી યુટ્યુબર બની ચૂક્યા છે. તેમના વિડિયો તેમને એટલું બધું કમાવી આપી શકે છે કે રામપુરમાં ભાડાના ઘરમાં રહેતા પરિવાર માટે તેમણે હમણાં થોડા સમય પહેલાં નવું ઘર ખરીદ્યું. એક મંજિલા એ સુંદર નવું ઘર લેવા જેટલી પરિસ્થિતિ અને નાણાં તેમની ટ્રક-ડ્રાઇવરીએ નહીં, પણ એ ડ્રાઇવરી દરમ્યાન તેમણે શૂટ અને અપલોડ કરેલા વિડિયોએ કમાવી આપ્યા છે. આજે હવે રાજેશભાઈ એ વિશે વાત કરતાં આનંદથી કહે છે, ‘હું ટ્રક અને યુટ્યુબ ચૅનલ બન્ને એકસાથે ચલાવું છું.