17 May, 2026 12:14 PM IST | Mumbai | Alpa Nirmal
રીયુનિયન આયલૅન્ડ
ફ્રાન્સના આ ક્ષેત્રમાં ભારતીયો વગર વીઝાએ હરી શકે છે, ફરી શકે છે અને પખવાડિયું રહી પણ શકે છે. હિન્દ મહાસાગરના આફ્રિકન રીજનમાં આવેલો રીયુનિયન આઇલૅન્ડ ફ્રાન્સના પાટનગર પૅરિસથી ઑલમોસ્ટ ૯૫૦૦ કિલોમીટરના અંતરે છે પણ ઑફિશ્યલી ફ્રેન્ચ રિપબ્લિકનો પાર્ટ છે અને ફ્રેન્ચ કૉલોની હોવા છતાં અહીંની ૩૩ ટકા વસ્તી ભારતીય મૂળની છે
ઉનાળુ રજાઓ શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે ઇન્ટરનૅશનલ હૉલિડે કરવાના ઘણા લોકોના મનસૂબા પર અમેરિકા-ઈરાનના યુદ્ધે પાણી કે મિસાઇલ નાખી દીધાં છે. તો અપસેટ ન થાઓ. લાઇવ વૉલ્કેનો, વાઇટ સૅન્ડી બીચ, ખુશનુમા વાતાવરણ, હરિયાળા ડુંગરો અને કૉલોનિયલ કલ્ચર ધરાવતો એક ટાપુ સંપૂર્ણપણે સેફ છે, મહેમાનગતિમાં અવ્વલ છે અને આપણા માટે વીઝા-ફ્રી છે. વળી ભારતના ચેન્નઈથી અહીંની ડાયરેક્ટ ફ્લાઇટ-સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે. યસ, વી આર, રાધર એવરી ઇન્ડિયન ટૂરિસ્ટ આર ટૉકિંગ અબાઉટ રીયુનિયન આઇલૅન્ડ. મૉરિશ્યસથી ફક્ત ૯૪ નૉટિકલ માઇલ દૂર આવેલો રીયુનિયન આઇલૅન્ડ મોજ કરાવી દેતું હૉલિડે ડેસ્ટિનેશન છે.
ફ્રાન્સ દુનિયાભરના ટૂરિસ્ટોનું ડ્રીમ ડેસ્ટિનેશન છે. સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ભૌગોલિક વિવિધતા, ફૅન્સી ડેસ્ટિનેશન્સ, મદમસ્ત ક્લાઇમેટ, ફ્રેન્ચ પીપલનો મૉડર્ન અને બેફિકરો ઍટિટ્યુડ અને ફ્રેન્ચ ફૅશન તેમ જ ખાણું એટલું બધું પ્રસિદ્ધ છે કે સહેલાણીઓ ફક્ત પૅરિસ જવા મળેને તોય વૈકુંઠ મેળવ્યાની ખુશી અનુભવે છે. જોકે ભારતીયો માટે શેન્ગેન વીઝા (યુરોપીય દેશોમાં પ્રવેશ કરવાનો પરવાનો) મેળવવા એવરેસ્ટ બેઝ કૅમ્પ ચડવા જેવું મુશ્કેલ કામ છે ત્યારે વીઝાની પળોજળ કરવી છોડો અને ફ્રેન્ચ ફીલ લેવા ઊડો રીયુનિયન આઇલૅન્ડ. અફકોર્સ, અહીં ઓરિજિનલ ફ્રાન્સ જેવી ભવ્યતા નથી, પણ ટચૂકડા ટાપુ પર એટલી વિવિધતા છે કે તમારું હૈયું હર્યુંભર્યું થઈ ઊઠશે.
રીયુનિયનની પ્રાકૃતિક બ્યુટી અને રોમાંચક ઍક્ટિવિટીની વાત કરતાં પહેલાં આ ટાપુનાં થોડાં ઇતિહાસ તથા ભૂગોળ જાણીએ.
પિટોન ડી લા ફુનેજ વૉલ્કેનો.
૩ મિલ્યન વર્ષ પહેલાં સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી નિર્માણ પામેલા આ દ્વીપનું ક્ષેત્રફળ ૨૧૧૨ સ્ક્વેર કિલોમીટર છે. ટાપુ હોવાથી એની ચારેકોર સમુદ્ર તો છે જ. એની સાથે પર્વતમાળા, ખીણપ્રદેશ, નદીઓ અને લાવા ઓકતા જ્વાળામુખીઓ પણ છે. ઉષ્ણકટિબંધીય આબોહવા અને લાવામાંથી ઉત્પન્ન થયેલી ફળદ્રુપ જમીને અહીં વૃક્ષો અને વનરાઈની તો જાજમ જ પાથરી દીધી છે અને વનરાજી ફુલબહારમાં હોય એટલે પશુ-પંખીઓ અને કીટકોની ભરમાર રહેવાની જ. વળી કુદરતે એને અદ્વિતીય દરિયાકાંઠો પણ બક્ષ્યો છે. ટાપુનો આખો પશ્ચિમી તટ મિલ્યન્સ કોરલ રીફ્સથી સજેલો છે.
હવે વાત કરીએ એના ઇતિહાસની તો સોળમી સદી સુધી આ ટાપુ નિર્જન હતો. વહાણવટાનો વ્યાપ વધ્યો એ પછી નજીકના આફ્રિકી દેશ મડાગાસ્કરના અને ફ્રેન્ચ સાહસિકો અહીં આવ્યા અને ફ્રેન્ચોએ અહીં ધામા નાખીને ટાપુને કબજે કરી લીધો. જોકે આ ટાપુની શોધ પોર્ટુગલ નાવિકોએ કરી હતી, પરંતુ તેમણે આ ભૂમિને ફક્ત નામ આપીને છોડી દીધી. દુનિયાના વિવિધ દેશો-પ્રદેશોની ધરતી પર સત્તા જમાવવાના એ દોરમાં યુરોપિયન દેશોના શાસકો પોતાના સાહસિક નાવિકોને દૂર-દૂર સુધી દરિયો ખેડવા મોકલતા અને હકૂમતનો વિસ્તાર કરતા. એ પરંપરાએ ૧૬૪૯ની સાલમાં ફ્રેન્ચ અધિકારીએ આ ટાપુ પર દાવો કર્યો અને ફ્રાન્સના બળવાખોરોને અહીં સ્થાપિત કરી દીધા. એ પછી બૉર્બન રાજવંશના નામ પર ફરી આ ટાપુનું નામ એલ બૉર્બન રખાયું. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ટાપુ વિકસાવવાનું કામકાજ સંભાળ્યું ને અહીં શરૂ થઈ કૉફી અને શેરડીની ખેતી. હવે ફ્રાન્સ પાસે વર્કફોર્સ તો હતો નહીં અને એ સમયે ગુલામપ્રથાનો પાશવી કાળ હતો એટલે આફ્રિકા, ચીન અને ભારતથી સ્ટીમરો ભરી-ભરીને વેઠિયા મજૂરોને લવાયા. ફ્રેન્ચ રેવૉલ્યુશન, નેપોલિયન સાથેના યુદ્ધ પછી ટાપુનું નામ રીયુનિયન થયું, પણ દાસપ્રથા ચાલુ રહી જે વીસમી સદીના મધ્ય સુધી વધતેઓછે અંશે ચાલુ રહી. રીયુનિયન આઇલૅન્ડનો ઇતિહાસ લોહિયાળ નથી પરંતુ શોષણયુક્ત અને અમાનવીય તો ખરો જ.
ફાઇનલી ૧૯૯૦થી આ ટાપુની પરિસ્થિતિ બહેતર થઈ છે. આધુનિક ખેતી, પર્યટનનો વિકાસ તેમ જ ગુલામ તરીકે લવાયેલી વ્યક્તિઓની નવી પેઢીની લાઇફ બેટર બનતાં ટાપુના લોકો હૅપી અને સંતોષી જીવન જીવે છે. જોકે ૨૦૦૫-’૦૬ના ગાળામાં મહામારીએ તેમ જ ગયા વર્ષે થયેલા ભીષણ ગૈરાંસ ચક્રવાતથી રીયુનિયનમાં કહેર મચી ગયો હતો. જોકે ઓવરઑલ અહીંનું ટૂરિઝમ ક્ષેત્ર ટકાટક છે.
રીયુનિયન આઇલૅન્ડમાં કરન્સી તરીકે યુરો ચાલે છે.
સર્ક લૉન્ગ ડ્રાઇવ
યુઝફુલ ઇન્ફર્મેશન
અહીંના લોકો ક્રિયોલ તથા ફ્રેન્ચ ભાષા બોલે છે. ક્રિયોલમાં અનેક તામિલ અને સંસ્કૃત શબ્દો છે. જોકે લોકો અંગ્રેજી પણ બોલે અને સમજે છે.
ભિન્ન-ભિન્ન દેશના નાગરિકો અહીં ગુલામરૂપે આવ્યા અને અહીં જ વસી ગયા. આથી આ ટાપુની સંસ્કૃતિ ભાતીગળ છે. અહીં દિવાળી પણ મનાવાય છે તો ચાઇનીઝ ન્યુ યરની પણ ઉજવણી થાય છે.
આમ તો ઉષ્ણકટિબંધમાં હોવાથી બારે મહિના સિમિલર ઋતુ હોય છે, પરંતુ અહીં આપણાથી ઊલટી સીઝન હોય છે. ત્યાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ઉનાળો હોય છે અને અત્યારે શિયાળાની શરૂઆત છે એટલે હમણાંનું તાપમાન પંદરથી પચીસ ડિગ્રી વચ્ચે રહે છે. હા, પહાડો પર થોડી વધુ ઠંડી રહે છે.
ટાપુની ઉચ્ચતમ ચોટી પિટોન ડેસ નેઇજેસ છે. ૩૦૭૦ મીટર ઊંચી આ પહાડી પર ૬૦૦૦ વર્ષ પહેલાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. જોકે પિટોન ડે લા ફોરનેઇસ ૨૬૩૨ મીટર ઊંચો છે અને દુનિયાના સક્રિય જ્વાળામુખીમાંનો એક છે. વર્ષમાં બે વખત આ વૉલ્કેનોમાં વિસ્ફોટ થાય છે. લાવાના ફુવારા અને નદીની જેમ વહેતા અગ્નિયુક્ત લાવાનાં મનોરમ દૃશ્યો સ્થાનિકો તથા ટૂરિસ્ટો બહુ નજીકથી જુએ છે. સુરક્ષાના નિયમોનું પાલન કરીને આવો નજારો જોવો જરાય ડેન્જર નથી.
મસ્કેરેન દ્વીપસમૂહમાં આવેલા રીયુનિયન આઇલૅન્ડની એક બાજુની તટરેખા ચટ્ટાનો અને પથરીલા સમુદ્રતટોની છે તો ટાપુના પશ્ચિમથી દક્ષિણના ૩૫ કિલોમીટર લાંબા પટ્ટા પર વાઇટ સૅન્ડ, બ્લૅક સૅન્ડ બીચ સહિત કોરલ રીફ્સ લગૂન પણ છે.
સેન્ટ ગિલ્સ લે બેન્સ બીચ.
ઍરપોર્ટ, હોટેલ તેમ જ દરેક વિસ્તારની મુખ્ય બજારોમાં અનેક ટ્રાવેલ કંપનીઓ છે જે એક દિવસથી ત્રણ-ચાર દિવસની ટૂરનાં પૅકેજો તથા વિવિધ પ્રવૃત્તિઓનું બુકિંગ કરાવી આપે છે.
ઉપજાઉ ભૂમિ થતાં સૂક્ષ્મ જલવાયુને કારણે અહીં કેરી, કેળાં, લીચી, પપૈયાં, જામફળ, આમલી, અવાકાડો, ફણસ, ટમાટર, નારિયેળ, કારેલાં અને રિંગણ પણ પાકે છે. અનેક કૅફેમાં ચીઝ-આલૂ સમોસા પણ મળી જાય છે.
આપણે ત્યાં અડદની દાળનાં મેદુવડાં બને છે એમ ત્યાં વાલનાં વડાં બને છે. સેમ રીત અને દેખાવ ધરાવતાં આ વડાંને બોન-બોન પિમેન્ટ કહે છે.
નાઓ કટ ટુ પર્યટન.
યુનેસ્કો હેરિટેજમાં સ્થાન ધરાવતી સર્ક ડી મફાતેની સાંકડી કેડીઓ.
સેન્ટ ડેનિસ એ ટાપુનું સિટી સેન્ટર છે.
આ ટાપુ પર એક પૅરિસ સ્ટ્રીટ છે. અદ્યતન ફૅશન બુટિક, ફૅન્સી ફૂડ-જૉઇન્ટ્સ, લાઇવ ડાન્સ ઍન્ડ મ્યુઝિક ધરાવતાં પબ્સ તેમ જ વિશાળ પ્રૉમનેડ અને એના કાંઠે લાંગરેલી લક્ઝરી યૉટ્સ ઓરિજિનલ પૅરિસનાં વાઇબ્સ આપે છે.
જીવંત જ્વાળામુખી સાથે એન્કાઉન્ટર: રીયુનિયન આઇલૅન્ડના ટૂરિઝમનું ટ્રમ્પ કાર્ડ છે લાઇવ વૉલ્કેનો પિટોના ડી લા ફુર્નેજ. કેસરિયો લાવા ઓકતા આ જ્વાળામુખીના મોટા પહોળા મુખની ઘણી નજીક સુધી પૈદલ જઈ શકાય છે. ટ્રેકર્સ તો અચૂક આ લાભ લે છે અને લક્ઝરી ટૂરિઝમના આગ્રહીઓ અહીં હેલિકૉપ્ટર રાઇડ લઈને લાવાનું વિહંગ દર્શન કરે છે. બીજા વૉલ્કેનો પ્લેન ડેસ સૈબલ્સ સુધી ઘોડેસવારી દ્વારા પણ પહોંચાય છે અને જીપની સવારી પણ થાય છે. ચન્દ્ર જેવી સપાટી ધરાવતા આ જ્વાળામુખીની રાઇડ બહુ રોમાંચક બની રહે છે. પ્લેન ડેસ કૈપ્રેસમાં આવેલો વૉલ્કેનો મ્યુઝિયમ જિજ્ઞાસુઓને અને બાળકોને એ વિશેની ઘણી માહિતી પ્રદાન કરે છે તો ટેક્નિક અને AIનો ઉપયોગ કરી બનાવાયેલું ઇન્ટરઍક્ટિવ એક્ઝિબિશન નવું જ્ઞાન પીરસે છે. રીયુનિયન આઇલૅન્ડનું હવામાન ટ્રિકી છે. અહીં અચાનક વરસાદ પડી જાય છે અને જો એની માત્રા વધુ હોય તો ટ્રેકિંગ ચૉપર-હૉર્સરાઇડ કૅન્સલ થઈ જાય છે. જોકે વાતાવરણ પૂર્વવત્ થતાં ફરી એ સેવાઓ કાર્યરત થઈ જાય છે.
સર્કમાં લૉન્ગ ડ્રાઇવ : જ્વાળામુખીથી પડેલા ખાડાને અહીં સર્ક કહે છે. લાખો વર્ષો પહેલાં બનેલા ૩ વિશાળ સર્ક રીયુનિયનનાં ફેફસાં છે. આ ખાડાઓમાં આભને ચૂમતાં વૃક્ષોથી લઈને એટલી વિધવિધ વનસ્પતિ છે કે માનવામાં જ ન આવે કે આ ધરતી જ્વાળામુખી કારણે પડેલા ખાડા છે. ૨૦૦ પર્સન્ટેજ ઑક્સિજન ધરાવતા આ વિસ્તારોમાં સલાજી અને સિલાઓસ નામનાં સ્થળો સુધી ડ્રાઇવિંગ થઈ શકે છે. એમાંય સિલાઓસ તો ૪૦૦ ટર્નવાળી ઘુમાવદાર સડક માટે વિશ્વભરના ડ્રાઇવિંગ-ક્રેઝીઓમાં પ્રસિદ્ધ છે. એ જ રીતે માફેટ નામનો વિસ્તાર ટ્રેકર્સ માટે જન્નત છે. પક્ષીઓનો ચહેકાટ, કીટકોનું સ્પંદન, આંખોને ઠંડક આપતી વનરાઈ, તરુવરોમાંથી ચળાઈને આવતો સુંગધી વાયરો, ડુંગરોની ઉપરથી આડેધડ ભૂસકાં મારતાં અનેક ઝરણાં, કપડાં રંગવાની ગળીનાય રંગને કૉમ્પ્લેક્સ અપાવી દે એવું ભૂરું આકાશ અને એમાં તોફાની બાળકોની જેમ દોડાદોડ કરી મૂકતાં સફેદ વાદળાંની સાથે પર્વતોની તળેટીમાં ગુફાની બખોલમાં રહેતી નાનકડી માનવબસ્તી પ્રકૃતિપ્રેમીઓને લાઇફટાઇમ મેમરી અર્પે છે, રિયલી. આ આખો કૉમ્બો એવો ચુંબકીય છે કે એક વખત અહીં આવેલા સહેલાણીઓ ફરી-ફરી આવવાના કૉલ દઈને જાય છે.
પશ્ચિમી દરિયાકાંઠો અને બેનમૂન કોરલ રીફ્સ : આપણા ગોવા કરતાંય ૧૨૦૦ ચોરસ કિલોમીટર ઓછું ક્ષેત્રફળ ધરાવતા આ દ્વીપમાં પર્વતમાળા છે, જંગલો છે, ખેતરો છે, ઝરણાં-નદીઓ, જીવંત જ્વાળામુખીઓ સાથે અદ્ભુત દરિયાઈ સૃષ્ટિ પણ છે. ‘છોટા પૅકેટ, બડા ધમાકા’ જેવા આ ટાપુની કોરલ રીફ્સ તો અત્યંત સમૃદ્ધ જૈવવિવિધતા ધરાવે છે. સેન્ટ લ્યુથી સેન્ટ ગિલ્સની વચ્ચેની ૯ કિલોમીટર લાંબી સામુદ્રિક પટ્ટી પર પચાસ મીટરથી લઈ ૬૦૦ મીટર પહોળાઈ ધરાવતા દરિયાઈ પેટાળમાં કોમળ અને કઠોર એમ બે પ્રકારના કોરલ્સ વસે છે. રંગબેરંગી નાની-મોટી માછલીઓ તેમ જ ૩૦થી વધુ ટાઇપના પ્રવાલનાં નિવાસસ્થાનોની મુલાકાત સ્કૂબા ડાઇવિંગ કે સ્નૉર્કલિંગ કરીને લઈ શકાય. એટલા સાહસિક ન બનવું હોય તો પૅરાગ્લાઇડિંગ અને બોટિંગ પણ થઈ શકે છે. ઍક્ચ્યુઅલી, રીયુનિયનનું આ યુનિક સ્પૉટ દેશના પર્યટનક્ષેત્રને બહુ મોટી આવક કરાવી આપે છે અને કમાવાની લાલચે કોરલના વિકાસને બાધિત કર્યો છે. પ્રદૂષણમાં વૃદ્ધિ, જળના તાપમાનમાં વૃદ્ધિ, જલક્રીડાઓમાં વૃદ્ધિ જેવાં ફૅક્ટર્સે કોરલ રીફ્સની વૃદ્ધિ અને સંરક્ષણ પર ગંભીર અસર કરી છે. સરકાર, પર્યાવરણવિદો, સમુદ્રની પ્રકૃતિની રક્ષા કરતી સંસ્થાઓએ માનદંડો બનાવ્યા છે; પરંતુ લાલચ બુરી બલા છે. યુરોની સામે પ્રવાલની કિંમત ઓછી છે એટલે નિયમો તૂટે છે, તોડાય છે. છતાં વાદળાંની રૂપેરી કોર એ છે કે ૨૦૦૭ પછી શરૂ થયેલી કોરલ રીફ્સ બૅકથ્રૂ મૂવમેન્ટથી કોરલની ક્વૉન્ટિટીમાં મોટો વિકાસ જોવા મળ્યો છે અને સરકાર અને સંસ્થાઓની ગણતરી છે કે ૨૦૩૦ સુધીમાં ઉષ્ણકટિબંધના સવા લાખ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારની કોરલ રીફ્સ સુરક્ષિત થઈ જશે.
ઇન્ડિગો ઍરલાઇન્સે શરૂ કરી ડાયરેક્ટ રીયુનિયન થાઇલૅન્ડ-ચેન્નઈ હવાઈ સેવા
ગયા મહિનાની ૨૯ તારીખે જ ભારતની બજેડેટ ઍરલાઇન્સ ઇન્ડિગોએ સપ્તાહના બુધ, શુક્ર અને રવિવારના દિવસે ચેન્નઈથી રીયુનિયન આઇલૅન્ડની નૉન-સ્ટૉપ ફ્લાઇટ સ્ટાર્ટ કરી છે. એક ગણતરી પ્રમાણે રીયુનિયન આઇલૅન્ડમાં ૩ લાખથી વધુ તામિલ મૂળના લોકો રહે છે. આ લોકો બિઝનેસ, કૌટુંબિક, મેડિકલ, દેવદર્શન જેવાં અનેક કારણોસર ભારત આવતા-જતા રહે છે. આ રૂટની સ્ટ્રૉન્ગ ડિમાન્ડ હોવાથી ઇન્ડિગોએ આ હવાઈસેવાના મંગલાચરણ કર્યા છે. આ રૂટ ૬ કલાક ૨૦ મિનિટનો છે અને સીઝન પ્રમાણે અત્યારે એક રિટર્ન ટિકિટનો દર અપ્રોક્સિમેટ ૫૧,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયા વચ્ચે છે.
રહેવાની અને જમવાની સુવિધા : સેન્ટ ડેનિસ આ ટાપુનું સિટી સેન્ટર છે. અહીં અનેક મ્યુનિસિપલ બિલ્ડિંગો, રાજકીય આવાસો, બૅન્ક, કલ્ચરલ સેન્ટર આવેલાં છે. ન્યુ યૉર્કની જેમ અહીં પણ શહેરના મધ્યમાં જાર્ડિન ડી એલ અટૈટ નામનું સુંદર ગાર્ડન છે અને એમાં નેચર મ્યુઝિયમ છે. આ ઉદ્યાન સિનિક પ્લેસ પણ છે તથા ટૂરિસ્ટોને રહેવા માટે પણ સગવડયુક્ત વિસ્તાર છે. નૉર્થ કોસ્ટ પર આવેલા આ શહેરમાં જ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ છે, જ્યારે બીચપ્રેમીઓ માટે રીયુનિયન આઇલૅન્ડનો પશ્ચિમી છેડો મક્કા છે. સેન્ટ ગિલ્સ લે બેન્સ, અલ એરમિટેજ, લા સેલિનલે બેન્સ જેવા વિસ્તારો પર બીચ રિસૉર્ટ્સથી લઈને હટ સુધીના વિવિધ સ્ટે ઑપ્શન છે. ટાપુનો દક્ષિણી તટ વૉલ્કેનોપ્રેમીઓ માટે બેસ્ટ ચૉઇસ છે. સેન્ટ પીઅર, ‘પિટોન ડે લા ફોરનેઇસ’ જ્વાળામુખીની સાવ પાસે આવેલું વાઇબ્રન્ટ ટાઉન છે. નેચર-લવર્સ અને હાઇકર્સ ટાપુના મધ્યમાં આવેલા ડ્રામેટિક માઉન્ટનની વચાળે વસેલા કેરોલ વિલેજિસ પર કળશ ઢોળે છે.
ફર્સ્ટ ટાઇમર્સ બે દિવસ નૉર્થ કોસ્ટ અને બે-ત્રણ દિવસ સાઉથ કોસ્ટ પર રહીને આઇલૅન્ડના અલગ-અલગ વિસ્તારોમાં ફરે છે. આમેય આ ટાપુ મુઠ્ઠીમાં સમાઈ જાય એટલો ટચૂકડો તો છે. વળી દ્વીપ પર સરકારી બસ-સર્વિસની સુવિધા બહુ સરસ છે. જોકે અહીં કાર કે બાઇક ભાડે લઈને સેલ્ફ-ડ્રાઇવિંગ કરનારા ટૂરિસ્ટોની સંખ્યા વધુ છે. ખાવા-પીવામાં ફ્રેન્ચ, ઇટાલિયન, કૉન્ટિનેન્ટલ ડિશોની ભરપૂર વરાઇટીઓ મળે છે. જોકે વેજિટેરિયનો પાસે જૂજ ઑપ્શન છે. હા, ટાપુ પર બે વીગન રેસ્ટોરાં છે. અહીંનું કુલ પૉપ્યુલેશન ૧૦ લાખ જેટલું છે, જેમાં ભારતીયોની વસ્તી ૩૦ ટકા છે. એમાંય સાઉથ ઇન્ડિયનોનું પ્રમાણ વધુ છે પણ ક્યાંય ઇડલી-ઢોસા મળતા નથી. સર્વિસ સેક્ટરમાં તમને હિન્દી, તામિલ, ઉર્દૂ અને ભાંગી-તૂટી ગુજરાતી બોલતા લોકો મળી જાય છે ખરા. જોકે અહીં વસેલા ગુજરાતીઓ આફ્રિકાથી અહીં શિફ્ટ થયેલા કે લવાયેલા છે.
ઠેર ઠેર જોવા મળતા વૉટરફૉલ્સ.
સેન્ટ ડેનિસમાં શ્રી મહાકાલી કમ્બલ મંદિર છે. દક્ષિણ ભારતીય શૈલીથી બનેલા આ મંદિરમાં કાલીમાતાનું શાંત સ્વરૂપ તથા કામદેશ્વરરૂપે શિવજી પણ છે. ૧૯૮૦માં નિર્મિત આ શિવાલયમાં તામિલ સંસ્કૃતિને અનુરૂપ ધાર્મિક વિધિઓ થાય છે.
ટાપુના દરેક વિસ્તારમાં ઍરBNBના માધ્યમથી ભાડેથી અપાર્ટમેન્ટ મળી જાય છે. એમાં કિચનની સગવડ સહિતના ફ્લૅટમાં શાકાહારીઓ પોતાની ચૉઇસનું ભોજન પકાવી શકે છે. ટાપુ પર અનેક પ્રકારનાં ફળો અને શાકભાજી ઊગે છે અને એ દરેક જગ્યાએ મળે છે.