એક રોડ-ટ્રિપે પ્રવાસની સંપૂર્ણ ડેફિનિશન બદલી નાખી આ કપલ માટે

15 September, 2022 11:32 AM IST  |  Mumbai | Ruchita Shah

ટ્રિપ પર જાઓ ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ જ વાપરવાનું, હોમ સ્ટેમાં જ રહેવાનું અને જ્યાં કોઈ ન જતું હોય એવી જ જગ્યાઓએ જવાનું જેવા નિયમોને કારણે દાદરમાં રહેતાં માર્ગી અને આનંદ ખંડોરનો પ્રવાસ દર વખતે એક જુદો જ અનુભવ બની જાય છે

માર્ગી અને આનંદ ખંડોર

રુચિતા શાહ
ruchita@mid-day.com

‘બાળક નાનું હતું અને વર્ષોથી લદાખ બાય રોડ બુલેટ પર જવાની બહુ જ ઇચ્છા હતી. હવે ત્યાંના એક્સ્ટ્રીમ વેધર વચ્ચે બુલેટ પર દીકરાને ક્યાં સાથે ફેરવીએ એટલે દીકરાને મારી મમ્મી પાસે એટલે કે તેની નાની પાસે મૂક્યો અને અમે ઊપડી ગયાં બાર દિવસની લદાખ ટ્રિપ પર. બસ, એ દિવસ અને આજનો દિવસ. એમ કહી શકો તમે કે લદાખની એ ટ્રિપ પછી અમારી રગ-રગમાં ટ્રાવેલ જ વહે છે. તક મળી નથી અને અમે ઊપડ્યાં નથી. એક ટ્રિપ પૂરી થાય એ પહેલાં બીજી નેક્સ્ટ ટ્રિપનું પ્લાનિંગ થઈ જાય.’

દાદરમાં રહેતી અને ટીચર તરીકે ઍક્ટિવ માર્ગી ખંડોરના આ શબ્દો છે. ટ્રાવેલની વાત આવે ત્યારે તે એવરગ્રીન સ્ટુડન્ટ છે અને લકીલી તેના હસબન્ડ આનંદને પણ અતિશય પ્રિય છે હરવું-ફરવું. મોટા ભાગે પારિવારિક ટ્રિપ કરતાં અને સામાન્ય ગુજરાતી પરિવારોમાં હોય એમ વર્ષમાં એકાદ ટ્રિપ કરવાનો આ કપલનો પણ શિરસ્તો હતો, પરંતુ તેમની લાઇફ ચેન્જ થઈ ગઈ જ્યારે તેમણે લદાખની પહેલવહેલી કપલ ટ્રિપ કરી એ પણ બુલેટ પર. કોઈ ગ્રુપ નહીં, કોઈ બાઇકિંગ, હાઇકિંગ લોકોનો સથવારો નહીં. મિયાં-બીબીએ એકબીજા સાથે ડિફિકલ્ટ કહી શકાય એવો ટ્રેક કર્યો અને તેમને જે જલસો પડ્યો કે જીવનની આખી દિશા જ બદલાઈ ગઈ. અલગારી રીતે પોતાની રીતે તમામ પ્લાનિંગ કરીને જુદી જ રીતે રખડવા માટે નીકળી પડવાનો જે સિલસિલો શરૂ થયો છે ૨૦૧૬માં એ લૉકડાઉનને બાદ કરતાં બેરોકટોક આજ સુધી ચાલી રહ્યો છે. લૉકડાઉનમાં પણ ઇઝરાયલ જવાનો પ્લાન તેમનો હતો જ પણ આ અનાયાસ આવેલા કોરોનાએ આખા પ્લાનિંગ પર પાણી ફેરવી નાખ્યું. અત્યાર સુધીમાં જમ્મુ-કાશમીર, ભુજ, આગરા, ગોવા, માથેરાન, મહાબળેશ્વર, વૃન્દાવન, મથુરા, કુર્ગ, ઊટી, મૈસૂર, કુટ્ટા, હૈદરાબાદ, દાર્જીલિંગ, ગૅન્ગટૉક, લાચુંગ, પેલિંગ, લદાખ, શિલૉન્ગ, ગુવાહાટી, હિમાચલ પ્રદેશ, કલકત્તા, ચેન્નઈ, કેરળ, રાજસ્થાન જેવાં ઘણાં સ્થળોએ અનએક્સપ્લોર્ડ જગ્યાઓ તેમણે એક્સપ્લોર કરી છે અને વિદેશમાં પણ સ્વિટ્ઝરલૅન્ડ, પૅરિસ, મોનૅકો, આઇસલૅન્ડ, જપાન, થાઇલૅન્ડ ફરી આવ્યાં છે. કળસુબાઈ, અશેરીગઢ, નાનેઘાટ, અંધારબન, ભંડારધારા, તિકોના, રાજમાચી, પ્રબલગઢ, ગાર્બેટ પ્લૅટો, ભીમાશંકર જેવા ઘણાબધા મહારાષ્ટ્રમાં ટ્રેક પણ કર્યા છે. ડિસેમ્બરમાં આ કપલે સાઉથમાં ત્રિવેન્દ્રમ, કન્યાકુમારી, રામેશ્વરમ, મદુરાઈ, કોઇમ્બતુર જવાનું પ્લાનિંગ કરી લીધું છે. 

જુદો જ રોમાંચ

પોતાની રીતે પ્લાનિંગ કરીને ફરવા નીકળો એનો જુદો જ રોમાંચ હોય છે એ લદાખ પછી સમજાયું એમ જણાવીને માર્ગી કહે છે, ‘મોટા ભાગે ફૅમિલી સાથે લીઝર ટ્રિપનો જ અનુભવ હતો પણ સાવ અજાણી જગ્યાએ તમારા પાર્ટનર સાથે તમે અજાણ્યા લોકોની વચ્ચે હો. તેમના કલ્ચરને જાણો, તેમની સાથે વાતો કરો ત્યારે જુદા જ અનુભવોનું ભાથું તમે બાંધતા હો છો. અફકોર્સ, જગ્યાની સુંદરતાનું તો શું વર્ણન જ કરવું! ભારતમાં શું નથી એ પ્રશ્ન થાય. કેટલી બધી સુંદરતા પ્રકૃતિએ અહીં વેરી છે. નેચર સાથે એક વાર કનેક્ટ થઈ જાઓ પછી એક એવો નશો ચડતો હોય છે જેની સામે દુનિયાના તમામ નશા ફીકા છે. પ્રકૃતિને મળીએ ત્યારે આપણે આપણી જાતને મળતા હોઈએ છીએ. અમે જ્યારે પણ ટ્રાવેલ બનાવીએ ત્યારે અમારી આઇટિનરરી છ મહિના પહેલાંથી બનવાની શરૂ થઈ જાય અને રેગ્યુલર ટ્રાવેલ એજન્સીઓ દ્વારા અપાતી આઇટિનરરી કરતાં એ સાવ જુદી જ હોય. ફેમસ પ્લેસિસની અનફેમસ જગ્યાઓએ જવા માટે અમે ફેમસ છીએ. એવી જગ્યાઓ જ્યાં સૌંદર્ય તો ખૂબ હોય પણ થપ્પો આપવા આવતા (આ જોયું, પેલું બાકીના ટિકમાર્ક સાથે ફરતા) ટ્રાવેલરોનું પ્રમાણ ઓછું હોય. ૨૦૧૬માં અમે લદાખ ગયાં ત્યારે છ વર્ષના દીકરાને સાથે નહોતા લઈ ગયાં એ પછી જ્યારે આઇસલૅન્ડ ગયાં ત્યારે પણ તેની ઉંમરને કારણે તેને સાથે ન લઈ ગયાં, જેનો અફસોસ છે અમને જરાક; કારણ કે ત્યાંનું ડિઝનીલૅન્ડ અને ત્યાં તેને મજા પડી જાય એવું ઘણું હતું. જોકે જપાનમાં અને એ પછીની લગભગ મોટા ભાગની ટ્રિપમાં સાથે હતો.’

અનબિલીવેબલ અનુભવો

તમારા પ્રવાસના અનુભવો તમારા ઘડતરમાં બહુ મોટી ભૂમિકા અદા કરે છે. માર્ગી કહે છે, ‘જુદા કલ્ચર સાથે ત્યારે જ કનેક્ટ થઈ શકો જ્યારે તેમને ત્યાં તેમની જેમ રહો. આ જ કારણ છે કે જ્યાં જઈએ ત્યાં મોટા ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હોમ સ્ટેમાં રહેવાનું પસંદ કરીએ. અફકોર્સ, એને કારણે અમારું બજેટ પણ મેઇન્ટેન રહે પણ એથીયે વધુ બહુ જ બધા નવા લોકો, નવી વ્યવસ્થા અને નવી રીતભાતો સાથે પણ પરિચિત બનીએ. આપણા ઇવલ્યુશનમાં એનો ખૂબ મોટો રોલ છે. ખાવાનું પણ સારા પ્રમાણમાં સાથે લઈ જઈએ અને એ પછી જ્યાં-જ્યાં જે-જે વેજિટેરિયન ઑપ્શન લોકલી ઉપ્લબ્ધ હોય એને પણ ટ્રાય કરીએ. સ્વિટ્ઝરલૅન્ડમાં અમે એક આન્ટીના ઘરે ઊતરેલાં. ૭૫ વર્ષની ઉંમરનાં આન્ટીને બે દીકરી, બે દીકરાનો પરિવાર પણ તેઓ એકલાં રહેતાં. અમે કારણ પૂછ્યું તો કહે કે શું કામ હું ગ્રૅની બનીને રહું, મારી પાસે કેટલાં કામ છે. મારે પેઇન્ટિંગ કરવું છે, ગૉલ્ફ રમવું છે, ટીવી જોવું છે અને એવું તો કેટલું બધું છે. વીક-એન્ડમાં એક દિવસ અમે ફૅમિલી સાથે મળીએ જ્યારે મારા દીકરા અને જમાઈઓ રસોઈ બનાવે અને આખો દિવસ એન્જૉય કરીએ. એ પછી એ લોકો પોતાની લાઇફ જીવે અને અમે અમારી. એવી જ રીતે કર્ણાટકમાં કુટ્ટા નામની એક જગ્યા છે જ્યાં અમે ગયાં હતાં. એ સમયે એક રિક્ષાવાળાએ અમને આજુબાજુની જગ્યાઓ દેખાડવાનું ડિસાઇડ કરેલું. એવામાં એક જગ્યાએ પહોંચ્યા તો બહુ જ મોટા જંગલ જેવા એરિયામાં માત્ર એક બંગલો જેવું કંઈક હતું. નજીક ગયા તો જોયું કે કૉફીનું બહુ મોટું ખેતર હતું. કૉફી સૂકવવામાં આવી હતી. અમે અંદર ગયાં તો માત્ર એક અંકલ-આન્ટી ત્યાં રહેતાં. એ દિવસે અનપ્લાન્ડ રીતે અમે ત્યાં તેમને ત્યાં જ નાઇટ સ્ટે કર્યો. લકીલી તેઓ પણ ટૂરિસ્ટને હોમસ્ટે આપતાં હતાં. તેમનો બંગલો સહેજ હાઇટ પર અને અમારું ગેસ્ટહાઉસ થોડુંક નીચેના ભાગમાં ભર જંગલ વચ્ચે. એ જે અનુભવ હતો, તેમની સાથે ઇન્ટરૅક્ટ કરવાનો જે સમય હતો એનું તો શું શબ્દોમાં વર્ણન થઈ શકે? આઇસલૅન્ડમાં પણ આમ જ ફર્યાં છીએ. અમારી ફરવાની સ્ટાઇલ જોઈને અમને ઉતારો આપનારા હોસ્ટ પણ ઘણી વાર તાજ્જુબમાં મુકાઈ જતા હોય છે. પૅરિસમાં એક જગ્યાએ પહોંચતાં-પહોંચતાં રાતે સાડાઅગિયાર વાગી ગયા અને હવે ખાવાનું ક્યાંય નહીં મળે તો અમે બહાર બેસીને જ થેપલા ને દહીં ખાઈ લીધાં.’

પંદર દિવસની જપાનની ટ્રિપ દરમ્યાનના અનુભવો શૅર કરતાં માર્ગી કહે છે, ‘લોકો કેટલા હેલ્પફુલ છે દુનિયાના એનો અનુભવ અમને જપાનમાં થયો. એકાદ બે વાર એવું બન્યું કે અમારે જે જગ્યાએ જવું હતું એ સ્થાન મળતું નહોતું તો તેઓ અમને રીતસર પોતાનું કામ પડતું મૂકીને જગ્યા દેખાડવા છેક સુધી આવતા. યંગસ્ટર્સથી લઈને સિનિયર સિટિઝનોમાં પણ આ સેમ અપ્રોચ અમે જોયો છે. હું તો દરેકને કહીશ કે જેટલું ફરશો એટલા જ તમે વધુ ખીલશો અને જીવનને વધુ નજીકથી સમજી શકશો.’

અજાણી જગ્યાએ, અજાણ્યા લોકોની વચ્ચે હો, તેમના કલ્ચરને જાણો, તેમની સાથે વાતો કરો ત્યારે જુદા જ અનુભવોનું ભાથું તમે બાંધતા હો છો.

columnists ruchita shah travelogue travel news life and style