સેશેલ્સઃ નીલા દરિયાની છોળો વચ્ચેની જિંદગી, જ્યાં સમય પણ પોરો ખાય છે

02 July, 2026 03:28 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

આફ્રિકામાં આવેલ સેશેલ્સ પહોંચવા માટે મુંબઈથી માહે ઈન્ટરનેશનલ ઍરપોર્ટ જવાનું હોય છે, અહીં જવા માટે ઇન્ડિગોએ માર્ચ 2025માં નોનસ્ટોપ (ડાયરેક્ટ) ફ્લાઈટ સર્વિસ શરૂ કરી.

સેશેલ્સમાં વિતાવેલી ખાસ ક્ષણો જેના વગર અધૂરી છે તેવી તસવીરોનો કૉલાજ

નવોનક્કોર પાસપોર્ટ, ક્યાંયથી વળેલો નહીં, વપરાયેલો નહીં, એકદમ તાજો. બીજાઓના પ્રવાસ-વર્ણનો વાંચ્યા છે, ક્યારેક લખ્યા પણ છે. પણ આ વખતે ઇન્ટરનેશનલ એરપોર્ટની લૉબીમાં ઊભી હતી ત્યારે સમજાયું, આ ઉત્સાહ મારો છે, આ નર્વસનેસ મારી છે. જે દુનિયા અત્યાર સુધી બીજાઓના શબ્દોમાં, સ્ક્રીન પર અને સોશિયલ મીડિયાના સ્ક્રૉલિંગમાં જ જોઈ હતી , તે હવે મારી આંખો સામે ખૂલવાની હતી.

ચેક-ઇન, સિક્યોરિટી, ઇમિગ્રેશન બધું યંત્રવત ચાલતું હતું, મારા મગજમાં જાત-ભાતના વિચારો પણ ચાલતા હતા. હું આ માહોલમાં ગોઠવાઇ રહી હતી, ક્યાંક એવો ડર પણ હતો કે આ બધું હેમખેમ પાર પડશે કે નહીં? ખરું કહું તો મારી ટિકીટ્સ આવી ત્યાં સુધી મને આ આખી વાત સપનાં જેવી જ લાગતી હતી. પ્રોસેસિઝ થતી ગઈ, ફૂડ કોર્ટ, ફોરેક્સ, નવા લોકો, નવો અનુભવ એવા બધાં વિચારો મનમાં કોઈ ફજેત ફાળકાની જેમ ચાલતા હતા. સેશેલ્સ જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટ બોર્ડ કરવાની હતી. ત્યાં જતી બહુ ઓછી સર્વિસીઝમાંની એક ઇન્ડિગો એરલાઇન છે. એકાંતરે દિવસે મુંબઈથી સેશલ્સ જતી ઈન્ડિગોની સર્વિસિઝ લોકોમાં ખાસ્સી પ્રચલિત છે.

પહેલા વિદેશ પ્રવાસની ઉત્સુકતા

હું ફ્લાઈટમાં બોર્ડ થવા માટેના ગેટ ખૂલે તેની રાહમાં હતી, શરીર મુંબઈ એરપોર્ટ પર હતું અને મને સેશેલ્સનો દરિયો કેવો હશે તેનું ચિત્ર બનાવવામાં ઝબકોળાઈ રહ્યું હતું. ચારેક કલાકની ફ્લાઈટ, ઇન્ડિગોની સ્મૂધ સર્વિસને કારણે મજાની રહી. હા વાતાવરણને કારણે જરા સરખો ટર્બ્યુલન્સ અનુભવ્યો અને મેં સીટના હાથા જોરથી પકડી લીધાં. વાદળ નીચે, આકાશ ઉપર - એ ક્ષણમાં અજીબ શાંતિ હતી. લેન્ડ કરતી વખતે બારીમાંથી જોયું તો ચારેતરફ પાણી, વચ્ચે રન-વે. ઘેરા લીલા ટાપુઓ, નીલમ જેવો દરિયો અને વિમાનને ઉતરવા માટેનો રનવે - નકશામાં જોયેલું વાસ્તવિક્તામાં હોય છે તે આ ઘડીએ ગળે ઉતર્યું.

સિલિ હવા છુ ગઇ

લેન્ડ થઇને માહે ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર પગ મૂક્યો અને લાગ્યું કે મુંબઈની દોડતી જિંદગીમાંથી અચાનક ગતિએ ગિયર બદલીને સમય ધીમો કરી દીધો. દરિયાકાંઠાની હવાનું નમક, એ ખારાશ વિંટળાઇ ગઈ. કશાની ઉતાવળ નહોતી, કોઈ હોર્ન કે ટ્રાફિકના અવાજો નહોતા. પહેલો પડાવ હતો મૅરી એન્ટોઇનેટમાં લંચ. સ્ટેફની લેબ્લાચેએ સેશેલ્સનો પ્રાથમિક પરિચય આપ્યો. સેમ્યુઅલ અને અબ્રાહમ સાથે ઓળખાણ થઈ, આ બંને 2001ની એક કારમી દુર્ઘટનામાંથી બચેલા કાચબા છે, વિશાળ કદનાં. પહેલીવાર આવા મોટા કાચબા નજીકથી જોયાં, તેમની શરીરની સંરચના, તેમના મિજાજ વગેરે વિશે સાંભળ્યું, ફોટોગ્રાફ્સ લીધા અને પછી ત્યાંથી આગળ વધ્યા.

સવોય હોટેલનો ક્લાસી અનુભવ

સવોય સેશેલ્સ રિસોર્ટ એન્ટ સ્પા હોટેલના (Savoy Seychelles Resort & Spa) પોર્ચમાં કાર પહોંચી. નજર પડતાં જ સમજાયું કે આ જગ્યા અલગ છે. સવોયના પોર્ચ પર ઊભા રહ્યા ત્યારે જ સમજાઈ ગયું, આ માત્ર હોટેલ નથી. આવો ઠસ્સો, આવો રુઆબ, ભભકા વગરનો. જે હોટેલ તમને પહેલી જ નજરે કહી દે કે તમારા આવવાની અહીં રાહ જોવાતી હતી. સવોય સેશેલ્સ રિસોર્ટ એન્ટ સ્પા નામ સાંભળો એટલે ઇતિહાસ સાથે સીધો સંવાદ થાય. લંડનની મૂળ સવોય હોટેલ, જ્યાં ઓસ્કાર વાઇલ્ડ રોકાયા, ચર્ચિલે યુદ્ધ વચ્ચે બેઠકો કરી, મોનેએ ખિડકીમાંથી થેમ્સ જોઈને ચિત્રો દોર્યાં. અને ઇયાન ફ્લેમિંગ એટલે જેમ્સ બૉન્ડના સર્જક, સવોય ગ્રિલમાં બેસીને બૉન્ડની દુનિયા રચતા. બૉન્ડની એ વિખ્યાત માર્ટિની, શેકન, નૉટ સ્ટર્ડૉ, એ સ્વભાવ અહીંના અમેરિકન બારની દેન છે. બૉન્ડ જ્યાં પણ જાય, હોટેલ તેની પસંદ પહેલેથી જાણે. ઑર્ડર આપ્યા પહેલાં. એ જ સવોયની ઓળખ છે. સેશેલ્સના દરિયાકાંઠે આ વારસો ઊભો છે, અને એ વારસો સૌથી પહેલાં દેખાયો એ ભીના લેમનગ્રાસ નેપકિનમાં. ઓર્ડર કર્યા વગર મળેલી એ ઠંડક. બૉન્ડ પણ આનાથી વધુ શું માંગત?

સવોય હોટલ એ `ક્લાસી` વારસો સેશેલ્સના દરિયા કાંઠે લઇ આવી છે. હોટેલ જોઇને લાગે કે કોઈ હાઇ ક્લાસ હોલીવૂડ ફિલ્મના સેટ પર આવી પહોંચ્યા છે. રૂમમાં સામાન પહોંચી ગયો હતો. જો કે હું પહોંચી ત્યારે એક કસ્ટમાઇઝ્ડ સરપ્રાઇઝ ત્યાં મારે માટે હતી. ટેબલ પર વાઈટ ચૉકલેટથી મારું નામ લખેલું હતું, મારો એક ફોટોગ્રાફ હતો અને સરસ મજાનો વેકલકમ મેસેજ. એક તો પહેલો વિદેશ પ્રવાસ હોવાથી ઉત્સાહ તો હતો જ પણ આ એક એવો અનુભવ હતો કે મને કોઇ બાળક જેવો રોમાંચ થયો. અહીં તાપમાન 28-30 સેલ્સિયસ હતું પણ ખુશનુમા, રાહત આપે એવું. બપોર પડે તડકો લાગે પણ અમુક બીચ પર ક્યાંક ક્યાંક શેડ્ઝ હોય એટલે તમને એ તડકો થકવે નહીં.

રમણીયતાના નવા આયામો

રૂમનું કમફર્ટ તો એવું કે એમ થાય કે બસ પડ્યા રહીએ અને બાલ્કનીની બહાર જોતાં રહીએ. આવા વ્યુ વાળો રૂમ હોય તો બહાર જવાનું મન ન થાય એ ચોક્કસ. સાંજ પડી અને બ્લુ વેલોન બીચ પર જવાનો વખત થયો. મુંબઈનો દરિયો જોયો છે, સૌરાષ્ટ્રનો પણ જોયો છે પણ આ તો કોઈ પેઇન્ટિંગ જેવું દ્રશ્ય હતું. બ્યુ વેલોન બીચ પર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને આકાશ અને દરિયાનું પાણી એક એવી કલર પેલેટમાં ગોઠવાયાં હતાં કે હું બસ જોતી જ રહી ગઈ. દરિયાના પાણીમાં છબછબિયાં કરતાં, આસાપાસ પોતાના પરિવાર સાથે સાંજ માણતા લોકો દેખાયાં. સુખની વ્યાખ્યા મેં આકાર લેતી જોઇ એમ કહું તો કોઈ અતિશયોક્તિ નથી. ત્યાંથી ગેકો બાર જઇ ત્યાં મેનેજર સાથે ડિનર કરીને રૂમમાં પાછા ફર્યા.

બંધ આંખે પણ મને એ દરિયો દેખાતો હતો, એ બીચના અવાજો કાનમાં ગુંજતા હતા. એ દ્રશ્ય નજરમાં ભરી સવોયના એ રૂમમાં સરસ થાક ઉતાર્યો.

બ્રેકફાસ્ટ ઓન ધી બીચ

સવારે બ્રેકફાસ્ટ બીચ પર કરવાનો હતો. સવોયના કોમ્યુનિકેશન મેનેજર ડાયના અહીં અમારી સાથે જોડાયાં. તેમની વાચતીત, બોલવાની શૈલી, મળતાવડાપણું આત્મીય લાગ્યાં. બ્યુ વેલો બીચની સવાર મોજીલી હતી, દરિયાના મોજાંના અવાજ સાથે નાસ્તો માણવો એટલે કુદરતની સ્ક્રીન પર નજર રાખીને પેટ પૂજા કરવી. હજી કુદરતની કમાલ જોવાની બાકી હતી, આ તો શરૂઆત હતી.

એન્સે મેજર ટ્રેઇલ પર હાઇકિંગ માટે ગયા. એક તરફ પહાડો અને એક તરફ દરિયો, પંખીઓ અને પવનનો અવાજ - આ જ વર્તાતું હતું, આ જ શ્વાસમાં ભરીને આગળ વધી રહ્યાં હતાં. આવી શાંતિનો અનુભવ છેલ્લે ક્યારે થયો હતો એ યાદ નહોતું આવતું. હાઇકીંગ અઘરું લાગી શકે પણ ટોચે પહોંચ્યા પછી જે દ્રશ્ય જોયું એ પછી થયું કે આ બધી મહેનત લેખે લાગી. આ પછીનું ડેસ્ટિનેશન હતું, વિક્ટોરિયા માર્કેટ. અહીં ફરતી વખતે એક સ્ત્રીએ હસતાં પૂછ્યું, "First time in Seychelles?" મારા "Yes" કહેતાં જ તેણે પ્રેમથી કહ્યું, "Then take back memories, not just photographs." તેની આ વાત આજે પણ મારા મનમાં ગુંજે છે. ખરેખર, સેશેલ્સમાંથી હું માત્ર ફોટોગ્રાફ્સ નહીં, પણ અનેક યાદો લઈને પાછી ફરી છું.

તાકામાકા રમનો વારસો

પછી મુકામ હતો માયસન મેરિંગો. અહીં કુકિંગ ક્લાસમાં જોડાયા અને ત્યાર બાદ જમીને અમે પહોંચ્યાં લા પ્લેઈન સેઇન્ટ એન્ડ્રે, તાકામાકા રમ ડિસ્ટિલરી ટૂર કરવા.

Takamaka Rum Distilleryનો નશો અલગ જ છે. એ નશાની વાત હજી નથી કરી રહી, ત્યાંનું દ્રશ્ય જ તમને સ્થિતપ્રજ્ઞ કરી શકે એવું હતું. ખરેખર કુદરતની કમાલ શું હોઈ શકે એ આવા પ્રવાસો જ તમને સમજાવી શકે છે. અહીં રમ બનાવવાની આખી પ્રોસેસ અને તેની પરંપરા, મહેનત અને વારસા વિશે જાણ્યું. સાથે જ તેમને આવતા પડકારો વિશે પણ માહિતી મેળવી. અહીંથી અમે પાછા હોટેલ પહોંચ્યાં અને ત્યાર બાદ કોરલ સ્ટેન્ડ પર આવેલ મહેક રેસ્ટૉરન્ટમાં ડિનર કરી ફરી રુમમાં આરામ કરવા પહોંચ્યા.

મળો સેશલ્સના ખરા માલિકોને

સેશેલ્સમાં ત્રીજો દિવસ વહેલી સવારે શરૂ થવાનો હતો કારણકે સવારે 5.30 વાગે તો ડોમેસ્ટિક ઍરપોર્ટ પહોંચી જવાનું હતું. 7 વાગ્યાની પ્રાલિનની ફ્લાઈટે વીસ મિનીટમાં ડેસ્ટિનેશ પર પહોંચાડ્યા. રમકડા જેવાં લાગતાં નાનકડાં વિમાનની મુસાફરી યાદગાર રહી. હોટેલ ચેક ઇન પછી અમે એક્સકર્ઝન માટે ક્યુરિયસ આઇલેન્ડ પર ગયા. ક્યુરિયસ આઇલેન્ડ તેના નામ પ્રમાણે તમને ક્યુરિયસ રાખે એમ કહું તો ચાલે. અહીં પહોંચો એટલે સૌથી પહેલાં સમજાય કે આ ટાપુ પર માણસો મહેમાન છે, અસલ રહેવાસીઓ તો બીજા છે.

વિશાળ આલ્ડાબ્રા કાચબા! દુનિયામાં માત્ર બે જ જગ્યાએ આ કાચબા મુક્તપણે કુદરતી વાતાવરણમાં વિચરે છે, તેમાંથી એક ક્યુરિયસ આઇલૅન્ડ. કોઈ પાંજરું નહીં, કોઈ સેન્ક્ચ્યુઅરી નહીં, બસ બીચ પર નિરાંતે જમાવટ કરીને બેઠેલા કાચબા, જાણે દરિયો તેમનો ડ્રોઇંગ રૂમ હોય. એક કાચબો ધીમે ધીમે રેતીમાંથી પસાર થઈ રહ્યો હતો, કોઈ ઉતાવળ નહીં, કોઈ દિશા નહીં, બસ અસ્તિત્વ. ત્યારે થયું કે આ ટાપુ ક્યુરિયસ નથી, આ ટાપુ જ્ઞાની છે. વાતાવરણ માણતા કાચબાઓ અને દરિયાનું નિર્મળ પાણી ક્યારેય ન ભૂલાય એવાં હતાં. વિલા ડે મેર હોટલમાં જમ્યા અને દિવસનો અંત આવ્યો.

જ્યાં સમય થંભ્યો

ચોથા દિવસે, હોટેલમાં બ્રેકફાસ્ટ પછી જેટ્ટીમાં લા ડિગે આઇલેન્ડ પહોંચ્યા. મુંબઈમાં તો માળું સવારે ઑફિસ જઇને સાંજે ઘરે પાછા પહોંચીએ એમાં હજારો લોકો દેખાઈ જાય પણ આ આઇ લેન્ડની વસ્તી માત્ર 3 હજાર છે. મોટાભાગના લોકો, નાનાં-મોટાં સ્ત્રી કે પુરુષો, બધાં જ સાયકલ પર જ કોમ્યુટ કરે. આ ટાપુએ સભાનપણે આ જીવનશૈલી પસંદ કરી છે. રસ્તા પર ઊભી રહીને જોતી હતી કે કોઈ એન્જિનનો અવાજ નહીં, કોઈ એક્ઝૉસ્ટની વાસ નહીં. એક છોકરી સાઇકલ પર પસાર થઈ, હસીને જોયું અને આગળ નીકળી ગઈ. એ એક દ્રશ્યમાં આખી લા ડિગેની મુલાકાત સમાઈ ગઈ અને સમજાઈ પણ ગઈ ઓછામાં વધુ જીવવાની કળા.

ઐતિહાસિક માહોલ અને કાયાકિંગનો અનુભવ

આન્સ સોર્સ ડી આર્જન્ટ બીચ, નામ જ જાણે દરિયાની કવિતાનું સરનામું છે. અહીં બીચ પર પગ મૂક્યો અને સમજાયું કે સફેદ રેતી અને પાદર્શક પાણી તો કદાચ ઘણે જોવા મળે પણ 650 મિલિયન વર્ષ જૂના, હિમાલય કરતાં ય પ્રાચીન એવા ગ્રેનાઇટના પથ્થરો દરિયાના મોજાં સાથે સદીઓથી અહીંના અનેક સૂર્યોદય સૂર્યાસ્તના સાક્ષી રહ્યા છે. આ એવો બીચ છે જે દુનિયાના સૌથી વધુ ફોટોગ્રાફ્ડ બીચમાંનો એક છે. એ ક્ષણે ફોન બૅગમાં રહ્યો અને આંખો જ કૅમેરા બની. ક્રિસ્ટલ કાયકમાં બેઠી ત્યારે નીચે સ્વચ્છ પાણીમાં રંગબેરંગી માછલીઓ દેખાતી હતી, જાણે કાચની નીચે કોઈ બીજી દુનિયા ચાલી રહી હોય, આપણાથી બેખબર. ગાઇડ એક પછી એક પથ્થર બતાવતો જતો હતો, ટૉર્ટૉઇઝ સ્ટોન, કિસિંગ સ્ટોન. દરેક પથ્થરને નામ, દરેક નામ પાછળ એક વાર્તા. આ ટાપુ પર પથ્થરોની પણ ઓળખ છે, આપણે તો મહેમાન છીએ. પાછા ફરતી વખતે માછલીઓ સાથે સાથે આવતી હતી, જાણે રોકાઈ જવાનું આમંત્રણ આપતી હોય. મેં ના પાડી, પણ મન ત્યાં જ રહ્યું. કાયાકિંગ બાદ વેનિલા પ્લાન્ટેશન, કાચબાઓ સાથે રમત રમીને થોડુંક શોપિંગ કરીને અમે ફેરીમાં પાછા પ્રાલિન આઇલૅન્ડ માટે નીકળી ગયા.

જ્યારે આફ્રિકાના બીચ પર ઢોસા ખાધા

ગુજરાતી થઈને ખાણી-પીણીની વાત ન કરીએ તો ચાલે નહીં. મેરિ એન્ટોઇનેટમાં ખાણી-પીણીમાં અમે એગપ્લાન્ટ ફ્રિટર્સ, સી-ફૂડ વિકલ્પો, વેજિટેબલ કરી જે આમ તો સાંભારની દૂરની માસી લાગે પણ એની કન્સિટન્સી થોડી જાડી હોય અને સાથે રાઇસ અને લેન્ટિલ સૂપ માણ્યો. અહીં અમે ત્યાંની સ્ટાઇલના મોદક ચાખ્યા એમ કહું તો ચાલે કોપરા ગોળના ફિલિંગ વાળા ડિઝર્ટ સાથે વેનિલા આઇસ-ક્રીમ સર્વ કરાયો. અહીં મસાલા ઓછા હોવાને કારણે ચીલી ક્રશ નામની એક ખાસ ચટણી બધા જ રેસ્ટોરન્ટ્સમાં પીરસાતી હોય છે. કૉકટેલ, આલ્કોહોલ, લિકર્સના ઑપશન્સ તો ખરાં જ પણ સાથે લોકલ બિયર જેને સી બ્ય્રુ કહે છે પણ પૉપ્યુલર છે. સવોયમાં તો ભારતીય ખાણીપીણી પણ મળી રહે, લચ્છા પરાઠા, મેક્સિકન સેલેડ, પનીર સબ્જી જેવી જ્યાફત સાથે ડિઝર્ટ્સની પણ ઘણી વેરાયટી હતી. અહીં તો ઇન્ટરનેશનલ હોટેલ ચેઇન હોવાને લીધે અમેરિકન બ્રેકફાસ્ટ અને બીજી અનેક વેરાયટી હોય. આફ્રિકાના બીચ પર ઢોસા પણ માણ્યા અને સાથે નારિયેળનું પાણી, જ્યુસિઝ જેવી વેરાયટી અમારે માટે હાજર હતી.સ્વાભાવિક છે કે સી-ફૂડ ખાનારાઓ માટે અહીં અઢળક વેરાયટી મળે. બાકી આપણને ફાવે એવી લેન્ટિલ અને રાઇસ ડિશીઝ પણ હતી. મહેક એક ભારતીય રેસ્ટોરન્ટ છે એટલે ત્યાં તો બધા જ પ્રકારનું ભારતીય ખાણું મળી જાય. વિલા ડે મેરમાં સર્વિસ તો કસ્ટમાઇઝ્ડ હતી એટલે કહો તો ખીચડી પણ તમને મળી જાય અને જાત-ભાતનાં યોગર્ટ્સ, કર્ડ્ઝ, સૂપ વગેરે પણ અવેલેબલ હતાં. બ્રાવોનું નામ દુનિયાભરમાં જાણીતું છે અને તે એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે એટલે અહીં તો બીજા દેશના પ્રવાસીઓની કંપનીમાં અમે જાત-ભાતની વાનગીઓ માણી. અહીંનો સ્વાદ દાઢે વળગે એવો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

સેશેલ્સમાં આવતીકાલે છેલ્લો દિવસ હોવાનો એટલે પૅકિંગ કરવું જરૂરી હતું. સોવેનિયર્સ, કપડાં વગેરે તો ગોઠવાયું પણ સાચું કહું તો એ દરિયાની ખારાશ, એ નીલો રંગ, બીચ પર નો સૂર્યાસ્ત, એ કાચબાંની ધીમી ચાલ - એ બધું કેવી રીતે પૅક કરવું એ નહોતું સમજાતું. સેશેલ્સની એક ખાસ વાત તો હજી બાકી હતી.

કથા કોકો ડે મેરની

સવારે વેલે ડે માઇ નેચર રિઝર્વ પહોંચ્યાં. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, પ્રાલિન આઇલૅન્ડનો આત્મા. અહીં ઊગે છે કોકો ડે મેર એટલે કે દુનિયાના સૌથી વજનદાર બીજવાળું વૃક્ષ. એક એક નારિયેળ પચ્ચીસ કિલો સુધીનું. સદીઓ સુધી ખલાસીઓ આ નારિયેળ સમુદ્રમાં તરતાં જોઈને અચંબામાં પડી જતા કે આ ક્યાંથી આવે છે? કયા વૃક્ષ પર ઊગે છે? તેઓ માનતા કે સમુદ્રના તળિયે ક્યાંક આ વૃક્ષ ઊભું છે. વાસ્તવિક્તા એ છે કે આ વૃક્ષ ફક્ત અહીં ઊગે છે, આ એક જ જંગલમાં, આ એક જ ટાપુ પર. અને બ્લૅક પૅરોટ, જે આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. ફક્ત આ વૅલેમાં, ફક્ત પ્રાલિનમાં જ જોવા મળે છે. આ જંગલમાં ચાલતાં એવું ન લાગ્યું કે કુદરત કોઈ પ્રાચીન વાર્તા સંભળાવી રહી છે, લાગ્યું કે આ વાર્તા હજી પૂરી જ નથી થઈ. અને અહીં આવનાર દરેક વ્યક્તિ તેનું એક નવું પ્રકરણ બને છે.

કભી અલિવદા ના કહેના...

વેલે ડે માઈથી સીધા પ્રાલિન એરપોર્ટ ગયા. થોડા કલાકોમાં ફ્લાઇટ ઉપડી માહે એરપોર્ટ તરફ. ઇડન આઇલેન્ડ પર વર્લ્ડ ફેમસ બ્રાવો રેસ્ટોરન્ટમાં છેલ્લું લંચ લીધું. સમુદ્રના મોજાં સાથે લહેરાતો સેશલ્સનો મિજાજ જાણે કહેતો હોય કે, જવાની આટલી ઉતાવળ કેમ છે?  ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેક-ઇન થઈ ગયું. બૅગ ગઈ, બૉર્ડિંગ પાસ આવ્યો. હવે ફક્ત રાહ. બારીની બહાર એ જ નજારો હતો, ચારેતરફ પાણી, વચ્ચે રનવે. આવતી વખતે આ દૃશ્ય જોઈને અચંબો થયો હતો. જતી વખતે એ જ દૃશ્ય જોઈને ગળું ભરાઈ આવ્યું. જગ્યા એ જ હતી પણ હું બદલાઈ ગઈ હતી. વાંચન અને પ્રવાસ આ બંન્ને વિશ્વને જાણવાની બે અગત્યની બારીઓ છે અને આ પ્રવાસે મને વર્તમાનમાં રહી, સારી ઉર્જાને પારખી તેને મનનાં છીપલામાં કોઈ મોતીની માફક સાચવતા શીખવ્યું.

પાંચ દિવસ કેવી રીતે પસાર થયા તેની ખબર પણ ન પડી. વિમાન ઉપડ્યું ત્યારે જોયું તો નીલમ જેવો દરિયો, રળિયામણા ટાપુઓ અને નાનો થતો જતો રનવે. મનમાં આનંદ કરતાં વધુ એક ખાલીપો હતો, ના તેમાં દુઃખ નહોતું પણ કદાચ કુદરતના સૌંદર્ય પ્રત્યેની મારી કૃતજ્ઞતા હતી. મારું મન સૌંદર્યથી છલોછલ ભરનારા સેશલ્સને આવજો કહેવાનું થોડું અઘરું તો પડ્યું પણ એ અનુભવ મારી આખી જિંદગીની, મારા પહેલા વિદેશ પ્રવાસની પૂંજી બની ગયો. ફોનમાં તસવીરો પર નજર પડે તો જે યાદ આવે છે તે તો ફ્રેમની બહાર છે. લેમનગ્રાસ નેપકિન્સની ઠંકડ, સવોયના ઓરડામાંથી દેખાતું દ્રશ્ય, મોજીલા કાચબા, બ્લ્યુ વેલૉન પરનો સનસેટ અને કાયાકિંગ વખતે મળેલી માછલીઓ.  વિક્ટોરિયા માર્કેટમાં પેલી અજાણી સ્ત્રીએ કહ્યું હતું કે, માત્ર તસવીરો નહીં યાદો લઇ જજે. મારી પાસે બંને છે પણ તસવીરો કદાચ ખોવાય, ફોન બદલાય પણ જે મારી અંદર છે એ યાદો નવા નક્કોર પાસપોર્ટ પરના પહેલા સ્ટેમ્પની માફક હંમેશા રહેશે એ ચોક્કસ.

seychelles travel travelogue travel news shilpa bhanushali exclusive gujarati mid day