૫ સંતાનોની મમ્મી બન્યા પછી ૪ વર્ષમાં સેલ્ફ-ડ્રાઇવ કરીને ૨૧ દેશો ફરી આવી

16 November, 2025 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધારો કે તમારે બાળક હોય અને એ પણ એક કે બે નહીં, પાંચ બાળક હોય. ધારો કે એ બાળકમાં સૌથી નાનું બાળક માત્ર બે વર્ષનું છે અને ફૅમિલીમાં હસબન્ડ પણ ઘરમાં સાથે નથી. પ્રોફેશનલ કારણોસર તે પણ ફૉરેન છે. એવા સમયે તમે કહો કે તમારે સોલો ટ્રાવેલિંગ કરવા જવું છે...

નાજી નૌશી

ધારો કે તમારે બાળક હોય અને એ પણ એક કે બે નહીં, પાંચ-પાંચ બાળક હોય. ધારો કે એ બાળકમાં સૌથી નાનું બાળક માત્ર બે વર્ષનું છે અને ફૅમિલીમાં હસબન્ડ પણ ઘરમાં સાથે નથી. પ્રોફેશનલ કારણોસર તે પણ ફૉરેન છે. એવા સમયે તમે કહો કે તમારે સોલો ટ્રાવેલિંગ કરવા જવું છે તો દુનિયા તમને શું કહે? ધારો કે કોઈ તમને મોઢા પર ચોપડાવતું નથી તો એટલું નક્કી કે પીઠ પાછળ તો તે તમને મણ-મણની સંભળાવવાનું છે અને કેરલાની ૩૩ વર્ષની નાજી નૌશી સાથે એવું જ થયું છે. ઉપર કહી એ તમામ વાત નાજીને લાગુ પડે છે અને એ પછી પણ નાજી સોલો ટ્રાવેલર છે. અત્યાર સુધીમાં તે એકલપંડે ૨૧ દેશ ફરી આવી છે. વાતની ચરમસીમા તો ત્યાં આવે છે કે આ ટ્રિપ પૈકીની એક પણ ટૂર તેણે ફ્લાઇટમાં નથી કરી.

નાજીએ તમામ ટ્રિપ પોતાની ગાડીમાં કરી છે. તેની પાસે મહિન્દ્ર કંપનીની થાર મૉડલની SUV છે. આ જ ગાડીમાં તે પોતાનાં કપડાં, જીવન-નિર્વાહનો થોડો સામાન, સ્ટવ અને બે-ચાર વાસણ લઈને નીકળે છે અને આખી ટૂર આ જ રીતે પૂરી કરે છે!

અનમૅરિડ છોકરી પણ આવું કરતાં પહેલાં ૪ વખત વિચાર કરે, પણ એકદમ રિઝર્વ્ડ કમ્યુનિટીમાંથી આવતી નાજીએ કોઈની ચિંતા કર્યા વિના, કોઈ પ્રકારની ગૉસિપનું ટેન્શન રાખ્યા વિના આ કામ કરી દેખાડ્યું છે અને એનો તેને ગર્વ પણ છે. હોય પણ શું કામ નહીં. આજે દુનિયા તેને સોલો-મૉમ ટ્રાવેલર તરીકે ઓળખતી થઈ ગઈ છે.

વાત એકડે એકથી 
કેરલાના કુન્નુરમાં માહે નામના એરિયામાં રહેતી નાજી નૌશી ટિપિકલ મુસ્લિમ ફૅમિલી સાથે સંકળાયેલી છે. ફરવા જવું એટલે સ્કૂલની મૉર્નિંગ ટુ ઈવનિંગ પિકનિક. બસ, વાત ત્યાં પૂરી. એનાથી આગળનું વિચારવાની મનાઈ તેને ઘરમાંથી જ હતી. નાજીએ ક્યારેય વિચાર્યું નહોતું કે જે બંધનો તેને ગળથૂથીમાં મળ્યાં છે એ બંધનો તોડવાનું કામ આ જ રૂઢિચુસ્ત કમ્યુનિટી સાથે સંકળાયેલો નાજીનો હસબન્ડ કરશે અને તેને કિચનમાંથી બહાર કાઢીને સ્ટિયરિંગ પર બેસાડશે. નાજી કહે છે, ‘જો તે ન હોત તો આજે પણ હું ઘરમાં રહીને બાળકોને મોટાં કરતી હોત.’

આ ‘તે’ એટલે બીજું કોઈ નહીં, નાજીના ખાવિંદ એટલે કે પતિ નૌશાદ મેહમૂદ. કેટલીક વખત માત્ર કામ થવું નહીં પણ કામ કોણે કર્યું અને કેવા સંજોગોમાં કર્યું એ પણ મહત્ત્વનું બનતું હોય છે. આજે સોલો ટ્રાવેલર બનવા માટે ફ્લાઇટ પકડીને ઊડાઊડ કરતી છોકરીઓ ફુલાઈને ફાળકો થાય છે તે સૌએ નાજી નૌશીની આ સિદ્ધિને ધ્યાનથી જોવી, સમજવી જોઈએ અને એ પહેલાં નાજીના નાનપણને જોવું જોઈએ.

માત્ર ૧૮ વર્ષે ટિપિકલ રીતે નિકાહ કરીને સાસરે આવી ગયેલી નાજીનો અભ્યાસ રોકડી ૧૨ ચોપડીનો. લગ્નનાં દોઢ-બે વર્ષમાં તો નાજી મા બની ગઈ અને પતિ નૌશાદ પોતાની ઓમાનની જૉબ પર ચાલ્યો ગયો. વારતહેવારે નૌશાદને રજા મળે એટલે તે ઘરે આવતો અને આમ જ તેનો પરિવાર પણ મોટો થતો ગયો. પહેલાં એક, પછી બે, પછી ત્રણ અને પછી ચાર અને પાંચ. આ બાળકોને મોટાં કરવામાં નાજીનું જીવન ક્યાં પસાર થતું રહ્યું એ કોઈને સમજાયું નહીં, પણ નૌશાદની નજરમાં હતું. નૌશાદે કહે છે, ‘બીજા શહેરની, બીજા દેશોની વાતો સાંભળીને નાજીની આંખમાં જે ચમક આવતી એ જોઈને મને દર વખતે થતું કે મેં ક્યાંક તેની ઇચ્છાઓને મારી તો નથી નાખીને.’

મનમાં આવો તે ઝબકારો અનેક પતિદેવોને થતો હશે, પણ નૌશાદ મેહમૂદ જુદી માટીને બનેલો હતો. તેણે મનોમન નક્કી કર્યું કે તે બંધાયેલી નાજીને પાંખ આપશે.

હવે આ આકાશ તારું
વાત ૨૦૧૯ની છે. ઇન્ડિયા આવેલા નૌશાદે નાજીને ડ્રાઇવિંગ શીખવવાનું શરૂ કર્યું. નાજી કહે છે, ‘સવારે મારે ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખવા જવાનું અને એક વીક પછી રોજ સાંજે નૌશાદ અને બાળકોને લઈને બહાર ચક્કર મરાવવા લઈ જવાનાં. એ સમયે અમારી પાસે સેકન્ડહૅન્ડ મારુતિ હતી. મને ખબર નહોતી કે તેમના (એટલે કે નૌશાદના) મનમાં શું પ્લાન છે. મને તો એમ જ કે તે અમારી સગવડ માટે આ કામ કરે છે.’

એક મહિનો એકધારી ડ્રાઇવિંગમાં આ પ્રકારની ટેસ્ટ લીધા પછી નૌશાદે વાઇફ નાજી નૌશીને ગિફ્ટ આપી મહિન્દ્રની SUV થાર. આ ગાડી આપતી વખતે જ નૌશાદે વાઇફને કહ્યું હતું, ‘આજથી તું આઝાદ. તું તારી રીતે ફરવા જવાનો પ્લાન બનાવજે. આપણે બાળકોને કોઈના ઘરે રાખવાનું શરૂ કરીશું.’

મન હોય તો માળવે જવાય કહેવત જેવું જ નાજીની લાઇફમાં બન્યું. તેને જવાની ઇચ્છા હતી અને નાજીની મમ્મી મૈમુના નૌશીએ સામે ચાલીને કહ્યું કે બાળકોનું ધ્યાન રાખવા તે ઘરે રહેશે. ભાવતું’તું ને વૈદ્યે કીધું જેવો ઘાટ સર્જાયો અને નાજીએ પોતાની લાઇફની પહેલી સોલો ટ્રિપ પ્લાન કરી. અલબત્ત, ઊડવા માટે તેણે પહેલી વાર નાનું આકાશ પસંદ કર્યું અને કેરલા ફરવાનું વિચાર્યું. નાજી કહે છે, ‘સ્કૂલની પિકનિક સિવાય ક્યારેય હું ક્યાંય ગઈ નહોતી. મૅરેજ પછી પણ તેમને (નૌશાદને) જૉબ પર પાછા જવાનું હતું એટલે અમે ફરવા નહોતાં ગયાં. મોટા ભાગના રિલેટિવ્સ પણ કન્નુરમાં રહે એટલે આમ પણ બહાર જવાનું બને નહીં. કેરલા વિશે મેં બહુ સાંભળ્યું હતું. મારે મારું વતન ફરવું હતું એટલે મેં ૧૦ દિવસની કેરલાની ટ્રિપ નક્કી કરી. સોલો ટ્રાવેલિંગ કરવાનું હતું એટલે ગાડીમાં જરૂરી ફેરફાર કરાવીને મેં એમાં જ સ્ટવની પણ વ્યવસ્થા કરી અને ૧૦ દિવસ સુધી કંઈ ખાવાનું ન મળે તો પ્રૉબ્લેમ ન થાય એ માટે પૂરતી તૈયારી સાથે ફૂડ પણ સાથે લીધું.’
નાજી પહેલી વાર સોલો ટ્રિપ પર નીકળી ત્યારે તેની નાની દીકરી માત્ર છ મહિનાની હતી. આ વાત છે ૨૦૨૦ની.

બસ, એ પછી તો નાજીને રીતસર સોલો ટ્રાવેલિંગની લત લાગી ગઈ. સોલો ટ્રાવેલિંગમાં સૌથી પહેલાં તો તેણે ભારત જોવાનું નક્કી કર્યું અને સમય મળે ત્યારે તે આરામથી, એકલી પોતાની ગાડી લઈને ફરવા નીકળી જવા લાગી. નાજી કહે છે, ‘ફૅમિલીના સાથ વિના આ શક્ય જ નથી. હું તમામ મૅરિડ મહિલાઓને કહીશ કે જીવનને માત્ર કિચનમાં પસાર ન કરો, તમારા શોખને એક્સપ્લોર કરો. જો એ ભુલાઈ ગયા હોય તો નવેસરથી એને યાદ કરો, નવા શોખ ડેવલપ કરો. એક વખત જાત સાથે રહેશો તો તમને ફૅમિલીની વૅલ્યુ પણ સમજાશે.’

એકવીસ દેશોની સફર
નાજી નૌશી બાય-રોડ મિડલ ઈસ્ટમાં દુબઈ, ઓમાન, મસ્તક, કુવૈત, બાહરિન, સાઉદ અરેબિયા અને કતાર જેવા દેશોમાં ફરી છે તો સાઉથ અને સેન્ટ્રલ એશિયામાં ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, ચાઇના અને નેપાલ પણ ફરી લીધા છે. આ ઉપરાંત તે ટર્કી, જ્યૉર્જિયા, આર્મેનિયા પણ બાય-રોડ જઈ આવી છે અને રશિયા પણ આખું ફરી છે. જોકે આ બધું ફરતાં પહેલાં તેણે પુષ્કળ રિસર્ચ કર્યું હતું. નાજી કહે છે, ‘એકલા ટ્રાવેલિંગ પર જતા હોઈએ ત્યારે ત્યાંના વાતાવરણથી લઈને ત્યાંના લોકો વિશે પણ જાણવું જોઈએ. સોલો ટ્રાવેલ ટ્રિપમાં મને ઘણી વખત મુશ્કેલી પણ પડી છે તો ઘણી વખત એવું પણ થયું છે કે હું જલદી ઘરે પાછી જઉં, પણ એક સારી જગ્યા કે એક સારા માણસનો મેળાપ મને નવેસરથી હિંમત આપે અને હું આગળ વધું.’

૨૦૨૦ અને ૨૦૨૧ દરમ્યાન નાજીએ ઇન્ડિયાના જ મોટા ભાગના ભાગમાં રોડ-ટ્રિપ કરી તો આ જ વર્ષો દરમ્યાન તેણે નક્કી કર્યું કે હવે તે ફૉરેન ટ્રાવેલ કરવા જશે. એ માટે તેણે ૨૦૨૨માં દુબઈથી કતરની રોડ-ટ્રિપની તૈયારી કરી. આ ટ્રિપે નાજીને સોશ્યલ મીડિયા સેન્સેશન બનાવી દીધી તો સાથોસાથ આ ટ્રિપે ગલ્ફના દેશોમાં પણ નાજીને સ્ટાર બનાવી દીધી. દુબઈ, ઓમાન, સાઉદી અરેબિયા થઈને કતર અને કતરમાં FIFA વર્લ્ડ કપની મૅચ જોવા સુધીની તેની જર્નીને કારણે તેના ફૅન્સ વધ્યા અને નાજીને લાગ્યું કે જીવન કિચનમાં જ પસાર નહીં થાય.
૨૦૨૩માં નાજીએ ગલ્ફ રીજન એક્સપ્લોર કરવાનો પ્લાન કર્યો અને એ રોડ ટ્રિપમાં તેણે બાહરિન, કુવૈત અને ઓમાન જેવા દેશો એક્સપ્લોર કર્યા. ૨૦૨૪માં ફરીથી ઓમાનનો રૂટ લઈને એકસાથે ૧૪ દેશોનું ટ્રાવેલિંગ કર્યું, જેમાં ચાઇનાના રૂટથી નેપાલ થઈને તે ઇન્ડિયા ફરી પાછી આવી. આ વર્ષે તેનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે, પણ એ પહેલાં તે ફૅમિલી અને બાળકો સાથે પણ રહેવા માગે છે. નાજી કહે છે, ‘ફરવું એ મારો શોખ છે, પણ મારી ફૅમિલી મારી જવાબદારી છે. મારે મારાં બાળકો અને મમ્મીને પણ સાચવવાનાં છે. આ વર્ષે હું ટ્રિપ કરવાનું ટાળીશ અને આવતા વર્ષે માર્ચથી મારી ટ્રિપને આગળ વધારવાનું વિચારીશ. મારી ઇચ્છા છે કે હવે હું યુરોપિયન કન્ટ્રીનો રૂટ લઉં અને એ પણ મારી ગાડીમાં જ, જે માટે મારે વચ્ચે ક્યાં-ક્યાં શિપનો ઉપયોગ કરવો પડે એની હું અત્યારે સ્ટડી કરું છું.’

મૉરલ ઑફ ધ સ્ટોરી
પરિણીત મહિલા, ઘરમાં પાંચ બાળકો, પાંત્રીસી પણ હજી આવી ન હોય એવી ઉંમર અને રૂઢિચુસ્ત સંપ્રદાય. નાજીએ જે કર્યું એ કરવા વિશે વિચારતાં પણ આજે ૧૦૦ વખત ૩૭-૩૮ વર્ષની મહિલા વિચાર કરે અને ધારો કે વિચાર આવી જાય તો મનમાં ધ્રુજારી ચડી જાય, પણ નાજીએ હિંમત કરી. નાજી પોતાની આ સક્સેસ માટે બધો જશ પતિ અને તેની ફૅમિલીને આપે છે. નાજી કહે છે, ‘મારાં અમ્મી અને એ (નૌશાદ) જો ન હોત તો હું આવું કરવાનું વિચારી પણ ન શકી હોત અને મેં મારી લાઇફ ચૂલા-બર્તન વચ્ચે જ પસાર કરી હોત, પણ તેનો સાથ-સહકાર હતો અને મારા પર વિશ્વાસ હતો એટલે હું આટલું કરી શકી. મને મળ્યો એવો સાથ કદાચ દરેકને ફૅમિલીમાંથી મળી શકે, પણ એ માટે ઇચ્છા થવી અને એ ઇચ્છા વ્યક્ત કરવાની તૈયારી હોવી જોઈએ.’
માત્ર ગાડીમાં સવા લાખથી વધુ કિલોમીટર ફરનારી નાજીને આજે દુનિયા સોલો-મૉમ ટ્રાવેલર તરીકે ઓળખે છે અને તેના પર પ્રાઉડ ફીલ કરે છે. નાજી કહે છે, ‘મારાં બાળકોને પણ મારા પર નાઝ છે અને એની મને ખુશી છે. ટ્રિપ પરથી પાછા આવ્યા પછી હું મૅપ લઈને તેમને ત્યાંની બધી વાતો અને મારા અનુભવો કહું છું. તે બધા એક્સાઇટમેન્ટ સાથે બધું સાંભળે અને મને પ્રશ્નો પૂછે ત્યારે મને થાય કે હું માત્ર રસોઈ બનાવવા માટે નથી જન્મી, હું પણ તેમને નૉલેજ આપવા માટે છું.’

પોતાની ટ્રિપ દરમ્યાન નાજીને સારા-નરસા બન્ને અનુભવો થયા છે અને એ સ્વાભાવિક પણ છે. નાજી કહે છે, ‘વધુપડતો વિશ્વાસ રાખીને આગળ વધવું એ તકલીફ ઊભી કરી શકે એટલે હું આત્મવિશ્વાસને પણ કન્ટ્રોલમાં રાખું છું. મારો અનુભવ રહ્યો છે કે એકલી લેડી જોઈને કોઈને પણ દયા જન્મી શકે અને કોઈને પણ ખરાબ વિચાર આવી શકે છે એટલે તમારે એ બન્ને પ્રકારના લોકોનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ.’

નાજીએ કરેલી રોડ-ટ્રિપ અને એ દરમ્યાન તેને થયેલા અનુભવો પર અનેક સ્થાનિક ફિલ્મ-પ્રોડ્યુસરોએ ફિલ્મ અને વેબસિરીઝ બનાવવાની ઇચ્છા દર્શાવી છે, પણ નાજીએ હજી સુધી કોઈને હા નથી પાડી. નાજી કહે છે, ‘પહેલાં મને પેટ ભરીને મારી ખુશીનો અનુભવ કરવો છે, એ પછી બીજી વાત...’
વાત ખોટી પણ નથી.

kerala international travel food travel travelogue travel news life and style lifestyle news