માથેરાન ફક્ત પર્યટનધામ નહીં, તીર્થધામ પણ છે; કારણ કે અહીંના રામજી ૧૨૮ વર્ષના થઈ ગયા છે

14 April, 2024 11:48 AM IST  |  Mumbai | Alpa Nirmal

રામનવમીના સપરમા પર્વે જ્યાં ગુજરાતી સાહિત્યકારો, કવિઓ, કલાકારો રામગોષ્ઠિ કરવાના છે એ માથેરાનના રામમંદિરે આપણે પણ જઈ આવીએ

માથેરાન રામ મંદિર

મુંબઈનો કયો ગુજરાતી માથેરાન નહીં ગયો હોય? બાળક હોય કે વૃદ્ધ ભારતનું એકમાત્ર ‘નો વેહિકલ’ ગિરિમથક દરેક માટે મામાનું ઘર છે. મામાનું ઘર કહેવાનું કારણ એ કે આ હિલસ્ટેશન બારમાસી ડેસ્ટિનેશન છે. મોસાળે જેમ દરેક સીઝનમાં જવાય અને પાછું ત્યાં દરેકને ગોઠેય ખરું એમ માથેરાન પણ વર્ષભર આવકારક રહે છે એથી અહીં પણ દરેકને મજા પડી જાય છે. 
માથેરાનની વિશેષ વાતો કરવી એ સૂર્યદેવતાને દીવો દેખાડવા જેવું છે. મતલબ કે એની ખૂબસૂરતી વિશે દરેકને જાણ છે, એમ કહી શકાય કે મોટા ભાગના રીડર્સે એ મોહકતા માણી પણ હશે અને છતાં જેમ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા સેંકડો વખત સ્ક્રીન પર જોઈ હોવા છતાં રૂબરૂ જોઈને આભા બની જવાય અને તારીફમાં બે-ચાર શબ્દો બોલાઈ જાય એવું જ. હા, ડિટ્ટો એવું જ ફીલ થાય છે માથેરાન જોઈને પણ. પહેલી વખત નહીં, ત્યાં અનેક વખત જઈએ છતાં રાયગડ જિલ્લાના આ હિલ-સ્ટેશનના રંગમાં રંગાઈ જ જવાય.

તમને થશે કે તીર્થાટનની આ કૉલમમાં આજે માથેરાન-પારાયણ કેમ માંડ્યું છે? કોઈ ટેમ્પલ કે ઉત્સવની વાતો છોડીને પૌરાણિક કથાના કનેક્શન તેમ જ તીર્થયાત્રાને બદલે આ ટૂરિસ્ટ-પ્લેસની વાત કેમ કરવામાં આવે છે? એનું કારણ છે અહીંની મુખ્ય બજારમાં વિશાળ મંદિરમાં બિરાજતા રામપ્રભુ. અહીંના રામમંદિરને ૧૨૮ વર્ષ થઈ ગયાં છે. કોઈ યાત્રાધામ કે ભગવાનની મૂર્તિ ૧૦ દાયકા પૂર્ણ કરે એટલે એ મંદિર તીર્થ બની જાયને; બસ એ જ ન્યાયે માથેરાન ફક્ત પર્યટનધામ નહીં, તીર્થધામ પણ છે.

તમને પ્રશ્ન થશે કે માથેરાનમાં આટલું જૂનું રામમંદિર? એ પણ મેઇન માર્કેટમાં? આજ સુધી નજરે નથી પડ્યું. હશે, કાંઈ નાનકડી દેરી જેવું. તો સૉરી ફ્રેન્ડ્સ, આ મંદિર પૂરા બે એકરમાં ફેલાયેલું છે. નીચેના મહાત્મા ગાંધી રોડથી છેક ઉપરના કસ્તુરબા ગાંધી રોડ સુધી વિસ્તરેલું છે અને કનેક્શનની વાત કરીએ તો પૌરાણિક કનેક્શન નથી, પણ એનું ગુજરાતી કનેક્શન ચોક્કસ છે. 
 આ રામમંદિરના ટ્રસ્ટી ભીખુભાઈ ચિતલિયા ટેમ્પલની વધુ વિગત આપતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘વર્ષો પૂર્વે કોઈએ અહીં એક વૃક્ષ નીચે હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. એ કોણે કરી એ વિશે બહુ જાણ નથી, પરંતુ સ્થાનિક લોકો એ પવનપુત્રની પૂજા કરતા. આમ તો ગીચ વનરાઈ અને વૃક્ષો ધરાવતા આ પર્વતીય વિસ્તારમાં દરિયાની સપાટીથી ૮૦૦ મીટર ઊંચા આવેલા આ સમથળ એરિયામાં સદીઓથી મરાઠીઓની વસ્તી હતી જ, પરંતુ દુનિયાની સામે એ આવ્યું ૧૮૫૦માં. ટ્રેકિંગના શોખીન એક અંગ્રેજ અધિકારીને રાયગડમાં જિલ્લા કલેક્ટરની પોસ્ટિંગ દરમ્યાન ફરતાં-ફરતાં આ હર્યુંભર્યું ગામડું મળ્યું અને એના થકી જગતને માથેરાનની ભાળ મળી. મુંબઈથી નજીક હોવાના નાતે લૉર્ડ એલ્ફિન્સ્ટને આ સ્થળને ગિરિમથકરૂપે વિકસાવ્યું અને ઉનાળાના સમયે અંગ્રેજો ગરમીથી રાહત મેળવવા આ સ્થળે આવતા થયા.’

માથેરાન (આ શબ્દનો મરાઠી ભાષામાં અર્થ છે માથા પર પહાડોના જંગલ)નો આગળનો ઇતિહાસ સર્વવિદિત છે. સૂકી આબોહવા, જંગલની માદક ખુશ્બૂ, પક્ષીઓનો કલરવ, ઊછળતાં-કૂદતાં ઝરણાં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહાનગરી મુંબઈથી નજીક હોવાને કારણે મુંબઈના માલેતુજાર પારસીઓએ અહીં વીક-એન્ડ હોમ્સ બનાવ્યાં. એક પારસી બાવા સર એડમજી પીરભોયે ૧૯૦૭માં આજે પણ પ્રખ્યાત એવી માથેરાન હિલ રેલવે જે ટૉય-ટ્રેનના લાડકા નામે ઓળખાય છે એ શરૂ કરી. પછી તો પારસીઓના પગલે-પગલે ગુજરાતી શેઠિયાઓએ પણ માથેરાનને પોતાનું મહિયર બનાવ્યું અને આ મરાઠી ગાવનો ગિરિમથક તરીકે વિકાસ કર્યો.

હવે ગુજરાતીઓ અહીં આવતા તો થયા, પણ મંદિર તેમ જ પ્રભુમૂર્તિ વગર તેમને અહીં ઊકલે નહીં એથી કપોળશ્રેષ્ઠી ત્રિભુવનદાસ વરજીવનદાસનાં ધર્મપત્ની રતનબાઈએ સ્થાનિક લોકોના શ્રદ્ધેય હનુમાનજીની દેરી સામે મંદિર બાંધીને રામ-લક્ષ્મણ-જાનકીને અહીં બિરાજિત કર્યાં. થોડો સમય જતાં શેઠ ત્રિભુવનદાસે ધર્મશાળા અને પૂજારીને રહેવા માટે નિવાસ બંધાવ્યું અને ૧૮૯૬ની ૩૦ જાન્યુઆરીથી મંદિરમાં વિધિવત્

પૂજા-અર્ચના શરૂ થઈ. એ ઘડી ને આજનો દી. ત્યારથી દરરોજ રામ-પરિવારની અહીં પૂજા-આરતી થાય છે. આજે ધર્મશાળાને બદલે અદ્યતન ૪ ડુપ્લેક્સ, બાળ ક્રીડાંગણ, હીંચકા, લસરપટ્ટી તેમ જ બેન્ચિસ સાથે નાનકડું સ્ટેડિયમ ધરાવતા આ પરિસરનાં રંગરૂપ બદલાયાં ૨૦૧૨માં, પણ એ પૂર્વે મંદિરના નિર્માણકર્તા ત્રિભુવનદાસના પૌત્ર માધવદાસે આખું સંકુલ પોતાની પ્રાઇવેટ માલિકીનું હોવા છતાં તળ મુંબઈના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ઍન્ડ માધવબાગ ચૅરિટીઝ ટ્રસ્ટને દાનમાં આપી ઉદારતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો.

આ છે માથેરાનના રામમંદિરનું ગુજરાતી કનેક્શન અને હવે મંદિરની વાત કરીએ તો મેઇન બજારથી રામમંદિર લખેલી મોટી કમાનવાળા ગેટમાં પ્રવેશો અને લગભગ ચાલીસેક સીડી ચડો એટલે સામે નાજુક રામમંદિર દેખાય. એનું બાંધકામ અને શૈલી બહુ સામાન્ય છે; પરંતુ અંદર બેઠેલાં રામ, લક્ષ્મણ, સીતામાતાની ધવલ આરસપહાણની મૂર્તિ મોજમાં છે (માથેરાનમાં છેને ભઈ!). યસ, તેમનાં દર્શન કરતાં જ શાંતિ અને શાતાનો એહસાસ થાય છે. વળી પરિસરમાં ટહેલતાં માથેરાનના હાલના રાજવી, મર્કટો (વાંદરાઓ)ની લીલા જોતાં-જોતાં ટેસડો પડી જાય. કપિઓનો તરખાટ અહીં પણ છે. જો વાંદરાઓએ તમારા હાથમાં ખાવાની કોઈ વસ્તુ જોઈ લીધી તો તો એ મેળવીને જ જંપે, પણ જો એને કોઈ સતાવે નહીં તો પર્યટકો સાથે સૌમ્ય રહે.

આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કરનારાઓને મંદિરની સીડીઓ જોઈને ગભરામણ થાય છે, પરંતુ મોડરેટ ઊંચાઈ ધરાવતાં પગથિયાં અને ઠેર-ઠેર વિશ્રામ માટેની બેન્ચિસ હોવાથી કૌશલ્યાપુત્રના ચરણે જવામાં જરાય થાક લાગતો નથી.

માથેરાનમાં રહેવા માટેના ઑપ્શન વિશે લખવા બેસીએ તો આ પાનું નાનું પડે, પણ મંદિરની સાવ નજીક રહેવું હોય તો આ પરિસરમાં આવેલાં થ્રીસ્ટાર સગવડ ધરાવતાં ડુપ્લેક્સ પર પસંદગી ઢોળી શકાય. જોકે એનું બુકિંગ મળવું નેરળથી છેક માથેરાનના ટૉપ સુધીની ચડાઈ જેટલું અઘરું છે. છતાં તળ મુંબઈના માધવબાગના લક્ષ્મીનારાયણ મંદિરમાં એને માટે તપાસ કરી શકાય. એ જ રીતે માથેરાનમાં જમવાનો તો કોઈ પ્રૉબ્લેમ જ નથી. મન્ચુરિયનથી લઈને મલાઈ કોફ્તા અને માલપૂઆથી લઈને માવાકેક... જો માંગો વો મિલેગા ભાઉ.

મહારાષ્ટ્રના વન ઑફ ધ ઓલ્ડેસ્ટ હિલ-સ્ટેશન પહોંચવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે નેરળ સુધી ટ્રેનમાં આવવાનો. નેરળથી ટૉય-ટ્રેન (અગાઉથી બુકિંગ કરાવવું સારું) છેક ગામની બજાર સુધી પહોંચાડે છે અને શૅર-એ-ટૅક્સી દસ્તુરી પૉઇન્ટ સુધી (જ્યાં પોતાનાં વાહનો લઈ આવતા સહેલાણીઓ વાહન પાર્ક કરે છે) અને દસ્તુરી પૉઇન્ટથી સૂરજદાદાના વાહન ઘોડાઓ મળે છે. બાકી અહીંથી માથેરાનના રામજી મંદિર સુધીની પગપાળા યાત્રા વધુ ફળ આપે છે (અહીં ફળ અર્થાત્ આ રમણીય સ્થાનની સ્વર્ગીય અનુભૂતિ સમજવું).

matheran travel travelogue travel news reliance ram mandir