26 July, 2026 05:38 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભક્તિ કરો પાતાલ મેં,
તો પ્રગટ હોઈ આકાશ
દાબીદુબી ના રહે,
કસ્તુરી કી વાસ
હાઉ કૅન ઇટ પૉસિબલ? કોઈ પાતાળમાં જઈને ભક્તિ આદરે તો એનું ફળ આકાશમાં કેવી રીતે પ્રગટે? કવિએ અહીં અતિશયોક્તિ અલંકાર પ્રયોજ્યો છે કે આ વાતમાં કશો દમ પણ છે? ઉદાહરણથી સમજીએ તો કેરીની ગોટલી જમીનમાં વાવી દો પછી થોડાં વર્ષ એને ધીરજના જળથી સીંચો તો ફળ આકાશમાં જ મળે છેને!
ગુરુભક્તિનું પણ કંઈક આવું જ છે. શિષ્યનો ગુરુ માટેનો ભાવ તેના હૃદયના ઊંડાણમાં એકાદ વાર સ્થાપિત થઈ જાય પછી સમજદાર સાધક એને પોતાની ધીરજનાં પાણી પાય તો થોડાં વર્ષ બાદ ગુરુભક્તિનો આંબો અવશ્ય મહોરે છે. ગુરુ એ વ્યક્તિ નહીં પરંતુ તત્ત્વ છે. સાચા ગુરુ એ જ જે શિષ્યના સંશય ટાળે. ભેદ મિટાવીને ભવાટવીમાંથી પાર ઉતારે એ જ ગુરુ.
ગુરુ અને ગોવિંદ બન્ને એક છે જેની સમજ આપતી આ સાખી મને અતિ પ્રિય છે:
એક શબ્દ દો કાન હૈ,
એક નજર દો આંખ
યૂં ગુરુ ગોવિંદ દોઉ એક હૈ,
જાંખ સકે તો જાંખ
આ કેટલું ઉત્તમ ઉદાહરણ છે. શબ્દ સાંભળવા માટે અલગ-અલગ કાન હોવા છતાં સંભળાય છે સરખું જ. બન્ને આંખોથી જગતનું કોઈ પણ દૃશ્ય એકસરખું જ ભાસે છે. એ જ રીતે તમે કોઈ તથાકથિત અવતારને ભજો કે ગુરુના ચરણને, રિઝલ્ટ વિલ બી સેમ.
ગુરુ કોઈ રિઝર્વ બૅન્કનું ATM નથી કે જરૂર પડ્યે તમે એમાંથી રૂપિયા ઉપાડ્યા કરો. ગુરુ સ્વયં બ્રહ્મને પામવાનું ચલણ છે. ગુરુ કોઈ સીડી કે રસ્તો નથી જેના દ્વારા તમારે ક્યાંય પહોંચવાનું હોય. ગુરુ સ્વયં અધ્યાત્મની એક યાત્રા છે. ગુરુ કોઈ સંપ્રદાયોના શિષ્યોની સંખ્યા વધારવાનું મશીન નથી, ગુરુ મશીનમાંથી મનુષ્ય બનાવવાની ઊજળી પરંપરા છે. ગુરુ કોઈ સ્ટેટસ સિમ્બૉલ કે DP નથી. તે કોઈ મોબાઇલ નથી, પરબ્રહ્મનું કવરેજ છે.
ગુરુની સાથે કેમ રહેવાય? ગુરુને શું કહેવાય, શું ન કહેવાય? ગુરુ-શિષ્યના સંબંધોની ગાઇડલાઇન વિશે માર્કેટમાં ક્યાંય પુસ્તકો મળતાં નથી, કારણ કે સમર્થ સદ્ગુરુની પ્રત્યેક શિષ્ય માટે અલગ-અલગ આચારસંહિતા હોય છે. શિષ્યની સાધના, અવસ્થા, ઉંમર અને સમજણ પ્રમાણે ગુરુ આદેશ કરે છે. ગુરુની કૃપાદૃષ્ટિ જે શિષ્ય પર પડે તેનો બેડો પાર થઈ જાય. ગુરુને કોઈ એકાદ સંપ્રદાયની સંપત્તિ ગણવી એ મૂર્ખામી કહેવાય, કારણ ગુરુ પોતે સ્વયં એક જીવંત સંપ્રદાય છે. ગુરુ એ સનાતન ધર્મની શાશ્વત અને ઊજળી પરંપરા છે.
અત્યારે કોઈ કોઈને ઉછીના નથી આપતું એવા સમયમાં ગુરુ શિષ્યને આશીર્વાદથી હૈયાધારણ આપે છે કે ‘બેટા, મૈં હૂં ના!’ ગુરુ તેના શિષ્યોમાં પોતાનું સર્વસ્વ ઠાલવી દે છે. જે રીતે શિષ્યને ગુરુની તીવ્ર તલાશ હોય છે એ રીતે ગુરુ પણ સાચા શિષ્યની શોધમાં જ હોય છે, કારણ કે ગુરુને આખરે મહાન તો તેનો ચેલો જ બનાવે છે. સાધનાની એક અવસ્થાએ ગુરુ એ શિષ્યમાં ઓગળી જાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જીવ્યા ત્યાં સુધી કલકત્તાની બહાર નીકળ્યા નહોતા, પણ તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે ગુરુકૃપાથી જગત વીંધીને ભારતના અધ્યાત્મની ધ્વજપતાકા નવખંડમાં લહેરાવી. સમર્થ સદ્ગુરુ શિષ્યની છાતીમાં પાટુ મારીને પણ તેને સાક્ષાત્કાર કરાવી શકે. ઘણી વાર ગુરુનો ક્રોધ પણ શિષ્ય માટે આશીર્વાદનો ધોધ બની જાય છે.
સમય બદલાતાં ઈશ્વર, ધર્મ અને ગુરુ માણસોની છેલ્લી પ્રાયોરિટી થતા જાય છે. ગુરુભક્તિ-મંદિર કે દેરાસરોમાં તો વૃદ્ધત્વ મળે પછી જ એન્ટર થવાનું હોય આવું માનનારો બહુ મોટો વર્ગ થતો જાય છે. ધાર્મિક સમારંભોમાં કાળા માથાવાળાની સંખ્યા ઘટી રહી છે અને સિનિયર સિટિઝનોનું કીડિયારું ઊભરાઈ રહ્યું છે. મનમાં ઉદ્ભવનારો કોઈ પણ સવાલ ગૂગલને પૂછનારા અને ‘ગૂગલ’ને જ ગુરુ માનનારા યુવાનો વધી રહ્યા છે. કેટલાક લંપટ બાબાઓના પાપે સમાજની ભોળીભાળી શ્રદ્ધા ઘાયલ થઈ ગઈ છે. એવા કાળમાં ‘ગુરુપદ’ની પવિત્રતા અને ચુંબકીયતાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાયન્સના નિયમો પ્રમાણે ‘ગુરુત્વાકર્ષણ’ આપણને જમીન સાથે જોડી રાખે છે તો મારા મતે ‘ગુરુ’નું આકર્ષણ આપણને સાચા જીવન સાથે જોડી રાખે છે. Law Of Gravity અને Law Of Gurujiના સ્પેલિંગમાં ફરક હોઈ શકે પણ એની ભાવનામાં એક ટકાભાર પણ ફરક નથી.
વારંવાર જનમવાની આપણને ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આપણે ત્યાં મોક્ષને અલ્ટિમેટ માનવામાં આવે છે. વારંવાર જનમવાની કુટેવ સુધારવી હશે તો દરેકે સદ્ગુરુના શરણમાં જ જવું પડશે.
બીજી એક નમ્ર વિનંતી કે તમે કદાચિત ગુરુપરંપરામાં શ્રદ્ધા ન રાખતા હો તો મુબારક! કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના કોઈ પણ પંથ-સમુદાય કે જાતિના ગુરુને ભાંડતા પહેલાં જીભને હૅન્ડબ્રેક મારજો પ્લીઝ, કારણ કે ગુરુ તેના શિષ્ય માટે સાક્ષાત્ ભગવાન સ્વરૂપ હોય છે અને કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાથી મોટી હિંસા મારા મતે આ સૃષ્ટિમાં બીજી કોઈ નથી.
સદ્ગુરુ પાસે તનના નહીં મનના રોગોનું સમાધાન કરાવાય. માગે નહીં પરંતુ આપે એ સદ્ગુરુ. સદ્ગુરુ એક જ વાત કરે કે કાં તું તને ઓળખી લે કાં મને! બીજપદમાં આપણે સૌ છીએ ત્યારે બીજપદમાંથી નિજપદની ઓળખ કરાવે તે સદ્ગુરુ. આપણા દેહનું નામ એ તો ફોઈબાનો ફજેતો છે. સાંઈરામ મારું નામ છે, પણ જન્મ્યો ત્યારે કોઈ અંગ પર લખેલું નથી. એ જ રીતે દેહનું નામ તો સ્વજનોએ પાડ્યું છે, જ્યારે સદ્ગુરુ દેહની અંદર જે નામ ગાજી-બાજી રહ્યું છે એની ઓળખ કરાવે છે, આપણા સ્વરમાં જે ઈશ્વર રમી રહ્યો છે એનાં એંધાણ આપે છે. સદ્ગુરુ સાધકના શ્વાસોમાં ઓહમ અને સોહમ નામનાં બે બીજ વાવીને ખેતી કરે છે. સદ્ગુરુ તેના શિષ્યને જીવતાં જ મોક્ષની પ્રતીતિ કરાવી આપે છે.