અમેરિકા ભણવા જનારા વિદ્યાર્થીઓની અડચણ શા માટે વધી શકે છે?

16 July, 2025 01:19 PM IST  |  Mumbai | Sudhir Shah

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ પરદેશી વિદ્યાર્થીઓ માટે જે ડ્યુરેશન ઑફ સ્ટેટસ છે એને બદલીને ફિક્સ પિરિયડ ઑફ સ્ટે પ્રપોઝલ રજૂ કરી છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકામાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું હોય તો અમેરિકાની સરકારે માન્ય કરેલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનો રહે છે. એ મેળવ્યા બાદ ‘સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર્સ ઇન્ફર્મેશન સર્વિસિસ’માં પરદેશી વિદ્યાર્થીએ દાખલ થવાનું  રહે છે.  ત્યાર બાદ પોતાના દેશમાં આવેલી અમેરિકન કૉન્સ્યુલેટમાં જઈને ઇન્ટરવ્યુ આપીને પોતે સાચા અર્થમાં વિદ્યાર્થી છે અને અમેરિકાની માન્યતા પામેલી યુનિવર્સિટીએ તેને પોતાને ત્યાં પ્રવેશ આપ્યો છે, તે અમેરિકામાં ભણવા જ  જવા ઇચ્છે છે, તેની ત્યાં કાયમ રહેવાની ઇચ્છા નથી, ગેરકાયદેસર નોકરી કરવા ઇચ્છતો નથી અને તેની પાસે ભણવાનો જે ખર્ચો આવે એ ભોગવવાની સગવડ છે તેમ જ તેના સ્વદેશમાં કૌટુંબિક તેમ જ નાણાકીય સંબંધો પુષ્કળ ગાઢ છે આવી ખાતરી કરાવી આપીને F-1 વીઝા મેળવવાના રહે છે. 

પરદેશી વિદ્યાર્થી જ્યારે F-1 સંજ્ઞા ધરાવતા નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના સ્ટુડન્ટ વીઝા મેળવીને અમેરિકામાં દાખલ થતો હોય છે ત્યારે બૉર્ડર પરના ઇમિગ્રેશન ઑફિસર તેને તે જ્યાં સુધી અમેરિકામાં અભ્યાસ કરતો હોય ત્યાં સુધી અમેરિકામાં રહેવાની છૂટ આપે છે. તેના પાસપોર્ટ પર તેઓ D/S લખી જણાવે છે એટલે કે એ વિદ્યાર્થી ડ્યુરેશન ઑફ સ્ટેટસ, તેનું વિદ્યાર્થીનું સ્ટેટસ જ્યાં સુધી ચાલુ હોય, જ્યાં સુધી એમાં અભ્યાસ કરી રહ્યો હોય ત્યાં સુધી અમેરિકામાં રહી શકે છે. બૅચલર્સનો કોર્સ કરવા ગયેલો પરદેશી વિદ્યાર્થી જો ફેલ થાય અને ફરી પાછો ભણે અથવા તો બૅચલર્સનો કોર્સ કર્યા બાદ માસ્ટર્સનો કોર્સ કરે, પછી PhD કરે યા તો કોઈ બીજા સબ્જેક્ટમાં અભ્યાસ કરે તો તે જ્યાં સુધી અભ્યાસ કરી રહ્યો હોય ત્યાં સુધી અમેરિકામાં રહી શકે.  તેને વારંવાર વીઝા લેવા કે રહેવાનો સમય લંબાવવાની અરજી કરવી ન પડે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ પરદેશી વિદ્યાર્થીઓ માટે જે ડ્યુરેશન ઑફ સ્ટેટસ છે એને બદલીને ફિક્સ પિરિયડ ઑફ સ્ટે પ્રપોઝલ રજૂ કરી છે. જો ડ્યુરેશન ઑફ સ્ટેના બદલે પરદેશી વિદ્યાર્થીઓને ફિક્સ પિરિયડ ઑફ સ્ટે આપવામાં આવશે તો તેમને પુષ્કળ હાડમારી પડશે. તેમનો રહેવાનો સમય લંબાશે કે નહીં, તેઓ અધૂરો અભ્યાસ યા વધુ અભ્યાસ કરી શકશે કે નહીં આવી શંકા-કુશંકા તેમના મનમાં પેદા થશે. ખરેખર ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી, જેમણે પ્રેસિડન્ટ ટ્રમ્પના ઇરાદાઓના કારણે આવી પ્રપોઝલ મૂકી છે એનાથી પરદેશી વિદ્યાર્થીઓની અડચણો વધી જશે.

united states of america Education travel travel news life and style columnists gujarati mid day Sociology