સાહસ યુવાનીમાં જ થાય એવું કોણે કહ્યું?

31 August, 2022 06:46 PM IST  |  Mumbai | Varsha Chitaliya

રૂટીન લાઇફમાં તેઓ બાંદરા ફોર્ટ સુધી સાઇકલ ચલાવે છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ વૉટર ઍક્ટિવિટી કરે છે

સીમા શાહ

જીવનના છ દાયકા વિતાવ્યા બાદ સાઇક્લિંગ, સ્વિમિંગ અને ઍક્વા ઍરોબિક્સ શીખેલાં વિલે પાર્લેનાં ૬૧ વર્ષનાં સીમા શાહનું માનવું છે કે સાહસ કરવાની કોઈ એજ નથી હોતી. આ માન્યતાને જીવી બતાવવા તેમણે પહાડો, લેક સાઇડ, ખેતરો, ઊંચા-નીચા રસ્તાઓ પર સાઇકલ ચલાવી. રૂટીન લાઇફમાં તેઓ બાંદરા ફોર્ટ સુધી સાઇકલ ચલાવે છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ વૉટર ઍક્ટિવિટી કરે છે

વિલે પાર્લેમાં રહેતાં સીમા શાહ એનર્જીથી ભરપૂર છે. સાઇક્લિંગ અને સ્વિમિંગ તેમના માટે ટૉનિક છે. રિટાયરમેન્ટ બાદ સેલ્ફ-કૅર અને સેલ્ફ-લવને સર્વાધિક પ્રાધાન્ય આપતાં ૬૧ વર્ષનાં સીમાબહેનની ડ્રેસિંગ સ્ટાઇલ પણ અફલાતૂન છે. દેશ-વિદેશનો પ્રવાસ ખેડવાનો અને સાહસો કરવાનો ગજબનો શોખ છે. નિવૃત્તિને મન ભરીને માણવી જોઈએ એવું તેઓ દૃઢપણે માને છે અને એવી જ રીતે જીવે છે. તેમની જીવનશૈલી નિવૃત્તિના આરે આવીને ઊભેલા લોકો માટે કઈ રીતે પ્રેરણાદાયક છે એ જોઈ લો. 

સાઇકલ ચલાવવાનું સાહસ 

હું સંગીત વિશારદ છું. વર્ષો સુધી યંગ કિડ્સને ક્લાસિકલ વોકલ મ્યુઝિક અને મોટા લોકોને ભજનો શીખવ્યાં છે. દીકરાનાં લગ્ન બાદ પ્રોફેશનલ લાઇફમાંથી રિટાયર થઈ ગઈ એવી વાત કરતાં સીમાબહેન કહે છે, ‘નિવૃત્ત થયાં એટલે ઘરમાં બેઠાં રહો, આવી લાઇફ મને નથી જોઈતી એ ક્લિયર હતું. ફિટનેસ માટે પાવર યોગ અને આયંગર યોગ હંમેશાંથી કરતી હતી પણ આટલું પૂરતું નહોતું. રિટાયર લાઇફને ઇન્ટરેસ્ટિંગ બનાવવા અત્યાર સુધી ન કર્યાં હોય એવાં કેટલાંક સાહસ કરવાની ઇચ્છા હતી, પણ ઘૂંટણનો દુખાવો રહેતો હોવાથી ડર લાગતો હતો. બાળપણમાં અમદાવાદમાં સાઇકલ પર સ્કૂલમાં જતી પરંતુ સમય જતાં બધું ભુલાઈ જાય. બાળપણ અને પ્રૌઢાવસ્થા વચ્ચે લાંબો ગૅપ છે. એવામાં એક ૭૫ વર્ષનાં આન્ટીને સાઇક્લિંગ કરતાં જોયાં. તેઓ કરી શકે તો હું કેમ નહીં? મારી ઉંમર તો હજી ૬૦ વર્ષ જ છે. આ કંઈ અઘરું નથી એવું વિચારી ફરી સાઇકલને પેડલ મારવાની હિંમત કરી. શરૂઆતમાં આસપાસના વિસ્તારમાં સાઇકલ ચલાવવાની પ્રૅક્ટિસ કરી. ધીમે-ધીમે રસ વધતો ગયો. મજા આવવા લાગતાં સવારે સાડાપાંચ વાગ્યે સાઇકલ લઈને નીકળી જતી. આજે પણ પાર્લાથી બાંદરા ફોર્ટ સુધી ૨૧ કિલોમીટર સુધી એકલાં જ સાઇક્લિંગ કરું છું. એનાથી મેન્ટલી ફ્રેશ થઈ જવાય છે. આ એ​વી ઍક્ટિવિટી છે જેમાં તમે એકલાં હો તો પણ ડિપ્રેસિવ ન લાગે. કૉન્ફિડન્સ બિલ્ટ થયા બાદ સાઇક્લિંગમાં જ વધુ સાહસ કરવાની ઇચ્છા જાગી.’

મી ટાઇમ

સીમાબહેનનું માનવું છે કે જીવનમાં એક તબક્કો આવે છે જ્યારે તમારે સૌથી વધુ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. ૬૦ વર્ષ પૂરાં કરીને ૬૧મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે ખુદને જ મસ્ત મજાની ગિફ્ટ આપી હતી. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘દિલથી તો યુવાન છું પણ કાગળિયા પર સિનિયર સિટિઝનની હરોળમાં આવી જતાં મારે સેલ્ફ-મોટિવેશન માટે વધુ સાહસ કરવાં હતાં. એવી ટૂર કરવી હતી જેમાં વધુમાં વધુ સમય પોતાની સાથે વિતાવી શકું અને ઍડ્વેન્ચર ઍક્ટિવિટી પણ હોય. ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યું કે માટુંગામાં એક ભાઈ ઍડ્વેન્ચર ટૂર લઈ જાય છે. તેમનો સંપર્ક કરીને માહિતી મેળવી. તેમણે સ્વિટ્ઝરલૅન્ડમાં લૅવિશ સાઇક્લિંગ ટ્રિપ ઑર્ગેનાઇઝ કરી હતી. ૨૬ જણના ગ્રુપમાં કોઈને ઓળખતી નહોતી તેમ છતાં જોડાઈ. અજાણ્યા લોકો સાથે સેલિબ્રેટ કરવાની પણ અલગ મજા છે. સ્વિટ્ઝરલૅન્ડની નવ દિવસની ટૂરમાં ૬ દિવસ સાઇકલ ચલાવવાની અને ૩ દિવસ સાઇટ-સીઇંગ માટે રિર્ઝવ હતા. દરરોજ છ કલાક સાઇકલ ચલાવી નવી-નવી જગ્યાઓ જોઈ. બરફાચ્છાદિત પહાડો, લેકસાઇડ, જંગલોમાં, ખેતરોમાં, ઊંચા-નીચા રસ્તાઓ પર સાઇક્લિંગ કર્યું. ડિફરન્ટ ફીલ્ડ અને ડિફરન્ટ વેધરમાં સાઇક્લિંગ કરવાનો એક્સ્પીરિયન્સ સુપર્બ રહ્યો. નવા ગ્રુપ સાથે કઈ રીતે જેલ થવું એ પણ શીખવા મળ્યું.’ 

સેલિબ્રેશન કન્ટિન્યુ 

સ્વિટ્ઝરલૅન્ડથી આવ્યા બાદ ગોવા ગઈ. અહીં ૧૧ દિવસ માટે વિલા બુક કરી હતી એવી જાણકારી આપતાં તેઓ કહે છે, ‘પાવર યોગ, આયંગર યોગ, ફ્રેન્ડ્સ, કિટી પાર્ટી ગ્રુપ એમ બધાને અલગ-અલગ સમયે (એક ગ્રુપને ટોટલ બે દિવસ માટે) ગોવા બોલાવી ધમાકેદાર પાર્ટી આપી હતી. બધા સાથે વૉટર-રાઇડની મજા લીધી. ત્યાર બાદ ફૅમિલીને કાશ્મીર ફરવા લઈ ગઈ. શ્રીનગરનું અદ્ભુત સૌંદર્ય અને પરિવારનો સંગાથ હોય પછી શું જોઈએ? આ ટ્રિપ પણ યાદગાર રહી. સ્વિટ્ઝરલૅન્ડથી સેલિબ્રેશન સ્ટાર્ટ કર્યું, જે શ્રીનગરમાં પૂરું થયું. કુલ એક મહિનો જન્મદિવસની ઉજવણી ચાલી.’ 

વૉટર એક્ટિવિટી શીખ્યાં

સાઇક્લિંગ બાદ હવે કઈ ઍક્ટિવિટી શીખવી જોઈએ એ વિચારતી હતી ત્યાં ડૉક્ટરે કહ્યું કે ઘૂંટણના દુખાવા માટે સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે તેથી સ્વિમિંગના ક્લાસ જૉઇન કર્યા એમ જણાવતાં તેઓ કહે છે, ‘એમાં પણ શરૂઆતમાં થોડો ભય લાગ્યો. પાણીમાં જમ્પ મારવો સરળ નથી. પ્રૅક્ટિસ કરતાં-કરતાં એ પણ આવડી ગયું. સ્વિમિંગ-કૉસ્ચ્યુમ પહેરીને પાણીમાં જમ્પ મારું ત્યારે લોકો કૉમ્પ્લીમેન્ટ આપે છે. મને જોઈને ઘણા લોકો મોટિવેટ થાય છે. ત્રણ મહિના પહેલાં ઍક્વા ઍરોબિક્સ શીખી. અઠવાડિયામાં ત્રણ દિવસ સા​ઇક્લિંગ કરું છું અને ત્રણ દિવસ જુહુ ક્લબમાં જઈને પૂલનો આનંદ ઉઠાવું છું. ફિટનેસ માટે યોગ ઉપરાંત ડાયટ અને ફાસ્ટિંગ પણ કરું છું.’

સીમાબહેનને ધર્મમાં અને સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ઊંડો રસ છે. નિયિમિતપણે દેરાસરમાં જઈને અભિષેક કરે છે. તેમના હસબન્ડ બિલ્ડર છે અને સંતાનો વિદેશમાં સ્થાયી થઈ ગયાં છે. સાઇક્લિંગમાં ક્યારેક હસબન્ડ કંપની આપે છે. નેવું વર્ષનાં સાસુની કાળજી લેવાની સાથે તેઓ પોતાના માટે પૂરતો સમય કાઢી શકે છે. દાદી-નાની બની ગયા બાદ પણ તેમનો જુસ્સો ઓછો નથી થયો. વ્યાયામ અને યોગ શારીરિક સ્ફૂર્તિનું કારણ છે એવી જ રીતે જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તેમની માનસિક સ્વસ્થતાનું રહસ્ય છે.

columnists Varsha Chitaliya life and style travelogue mumbai travel travel news