શ્રીકૃષ્ણ અને રાધિકાજીની રાસલીલા ભૂમિ મથુરા સાથે સતીમાતા અને ભોલેનાથનું પણ પૌરાણિક કનેક્શન છે

28 September, 2025 11:41 AM IST  |  Mumbai | Alpa Nirmal

વિશ્વ આખું વિશ્વંભરીની આરાધનામાં મસ્ત છે ત્યારે આપણે જઈએ શ્રીકૃષ્ણ જન્મભૂમિની નજીક આવેલા ભુતેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં અફકોર્સ, ભોલે ભંડારી તો છે જ સાથે અહીં ૫૧ શક્તિપીઠમાંની ૧૧મી શક્તિપીઠ પણ આવેલી છે. આ સ્થળે દેવી સતીના કેશ પડ્યા હતા

મા ઉમા કાત્યાયનીની જય હો. મંદિરની બહારની બાજુએ અન્ય દેવીમાનાં બેસણાં છે.

વૃન્દાવનમાં પણ મા કાત્યાયનીની શક્તિપીઠ છે. એક મત અનુસાર આ સ્થળે માતા સતીના કેશ પડ્યા હતા. કિંવદંતી અનુસાર રાધારાણીએ શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા આ માતાની પૂજા કરી હતી.

મથુરા તેમ જ તેની આસપાસના વ્રજ ભૂમિ કહેવાતા વિસ્તાર સાથે કાનુડાનો જબરદસ્ત બૉન્ડ છે. અહીંનાં પાંચેય મહાભૂતમાં (ધરતી, જળ, અગ્નિ, વાયુ, આકાશ) આજે પણ યશોદાનો લાલો વિવિધ રૂપે અનુભવાય છે. અહીંની માટી, પથ્થર, ટેકરી, ઢેફા જોતાં થાય છે કે હજીયે આમાં ક્યાંક મોહનનાં પગલાંની છાપ મળી જશે. પવિત્ર યમુનાજી તથા આ ભૂમિ પર આવેલાં વિવિધ સરોવરનાં નીલરંગી પાણી આજે પણ શ્યામના રંગે રંગાયેલાં હોવાની સાબિતી આપે છે. તો કેસરિયો અગ્નિ બાલમુકુંદ માટે ભોગ તૈયાર કર્યો હોવાની સાક્ષી પૂરે છે. વાયુ અને આકાશનું તો પૂછવું જ શું? એ બેઉ તો રાધે-ગોવિંદને સ્પર્શીને એવા ફુલાયા છે કે માંચડેથીય ઉપર ચડીને બેઠા છે.

ખેર, મથુરા અને રાધે-કૃષ્ણના કનેક્શન વિશે લખવા બેસીએ તો શબ્દકોશના શબ્દો ઓછા પડે. પરંતુ આજે વાત કરવી છે આ નગર સાથે ભૂતનાથ અને દેવી સતીના જોડાણની, દેવકીનંદનના જન્મની પહેલાંની પરાપૂર્વની.

કૃષ્ણ જન્મભૂમિની નજીક આવેલા શ્રી ભૂતેશ્વર મહાદેવાલયના પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘સૃષ્ટિનું નિર્માણ થાય ત્યારથી કેટલાક ભૂમિ ભાગ એવા ચુંબકીય હોય જે દરેક યુગમાં પવિત્ર અવતારો, દેવો-દાનવો, મનુષ્યો, પશુ-પંખી, જળચરો સર્વેને મોહિત કરે. મથુરાની ધરતી આવી જ છે. અહીં દ્વાપરયુગમાં નટખટ નંદલાલનો જન્મ થયો. એ પહેલાં ત્રેતા યુગના અંતમાં અવતરણ થયેલા રામના ભાઈ શત્રુઘ્ન આ ભૂમિના રાજા બન્યા અને એથીય પહેલાં દ્વાપરયુગમાં પ્રજાપતિ દક્ષની પુત્રી સતીએ આત્મદાહ કરતાં આ જ ભૂમિ પર તેમના કેશ પડ્યા અને આજે આવા ઘોર કળયુગમાં શ્રીકૃષ્ણની વિદાયનાં સાડાપાંચ હજાર વર્ષ બાદ પણ આ અવનિ દર વર્ષે લાખો લોકોને મૅગ્નેટની જેમ આકર્ષિત કરે છે.’’

પૂજારીજીની વાત તો સાચી છે. સરકારી નોંધ અનુસાર ગયા વર્ષે ૮ કરોડથી વધુ લોકોએ મથુરા-વૃન્દાવનની વિઝિટ કરી છે પણ એમાંથી મથુરાના કોટવાળ કહેવાતા શ્રી ભૂતેશ્વર મહાદેવનાં દર્શન દસેક ટકા ભક્તોએ પણ મુશ્કેલીથી કર્યાં હશે `એમ જણાવતાં પૂજારીજી આગળ ઉમેરે છે, ‘મોટા ભાગના ભાવિકો આ આખાય વિસ્તારને કૃષ્ણ સર્કિટ માને છે એટલે અહીંનાં પ્રાચીન મહાદેવ મંદિરો વિશે તેમને ખબર જ નથી. અને ધારો કે ખબર હોય તો સમયની ખેંચને લીધે તેઓ અહીં આવી શકતા નથી.’

વેલ, એ દેવીપૂજકની વ્યથા વાજબી છે. જે ભૂમિમાં જાઓ એ ભૂમિના કોટવાલને પાયલાગણ કરવા જવાની દરેક શ્રદ્ધાળુની ફરજ છે. પણ જ્ઞાન અને સમયના અભાવે આપણે આવાં પૌરાણિક સ્થાનો દેખ્યાં-અણદેખ્યાં કરી દઈએ છીએ.

ઓકે, હવે એવી ભૂલ નહીં કરીએ એવા ભાવ સાથે આગળ વધીએ તો નોંધનીય છે કે વ્રજ ભૂમિમાં પાંચ મુખ્ય અને પૌરાણિક મહાદેવનાં મંદિરો છે. નંદગાંવમાં નંદીશ્વર મહાદેવ, ગોવર્ધન ગામ નજીક આવેલા ચકલેશ્વર મહાદેવ, વૃન્દાવનના ગોપેશ્વર મહાદેવ (જ્યાં આપણે જાત્રા કરી છે) કામવનના કામેશ્વર મહાદેવ અને મથુરાના ભૂતેશ્વર મહાદેવ. જોકે આજે આપણી તીર્થાટન એક્સપ્રેસે ભૂતેશ્વર મહાદેવાલયે રોકાણ રાખ્યું છે કારણ કે હાલમાં શક્તિપર્વ ચાલી રહ્યું છે અને અહીં બાબાના મંદિર પરિસરમાં જ દેવી સતીની શક્તિપીઠ છે.

મુખ્ય દ્વારથી પ્રવેશ કરતાં જોવા મળતું મંદિરનું પ્રાંગણ. ‍

ચક્રેશ્વર મહાદેવની કથા જાણો છોને?

જ્યારે દેવરાજ ઇન્દ્રે ક્રોધિત થઈ સંપૂર્ણ વ્રજ મંડળને જળમગ્ન કરવા અતિ વરસાદ પડાવ્યો ત્યારે શ્રીકૃષ્ણે પોતાની હાથની ટચલી આંગળીના નખ ઉપર આખાય ગોવર્ધનને ઊંચકી લીધો. આવું કરવા માટે તેમણે તેમની આંગળી ઉપર રહેલું ચક્ર ધરતી પર મૂકવું પડ્યું. ટેકરીની ટોચ પર રાખવા છતાં પણ સુદર્શન ચક્ર ડૂબવા લાગ્યું ત્યારે શ્રીકૃષ્ણની વિનંતીથી મહાદેવે પ્રલયકારી જળને પોતાની જટાઓમાં સમાવી લીધું અને આખી ભૂમિને સૂકવી દીધી. આ ક્રિયાથી સુદર્શન ચક્રને અભિમાન થઈ ગયું કે મારા થકી આ નીર નીતરી ગયાં છે નહીં તો વ્રજ ડૂબી જ જાત. ત્યારે નંદકિશોરે એને ટપાર્યું કે ભાઈલા, તું વ્યર્થ અભિમાન ન કર, આ તો દેવોં કે દેવની કૃપાથી થયું છે. એમ કહી સ્વયં શ્રીકૃષ્ણએ અહીં શિવલિંગની સ્થાપના કરી જે ચક્રેશ્વર પછી અપભ્રંશ થઈ ચકલેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા. હાલમાં સ્થાપિત શિવલિંગ શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે સ્થાપિત કર્યું છે. આ મંદિરથી માનસી ગંગા ખૂબ નજીક છે.

નાઓ કટ ટુ શક્તિપીઠની કહાની. દેવી સતીની કથા ખૂબ જાણીતી છે. આપણે પણ આ પૂર્વે અહીં કરી જ છે. છતાંય એને એક ફકરામાં જણાવી દઈએ તો અતિ જ્ઞાની અને પ્રજાપતિ રાજા દક્ષની સ્વરૂપવાન અને સુલક્ષણા પુત્રી સતીએ હેમાળામાં રહેતા, ડીલે મસાણની રાખ ચોપડતા, ભૂતોના ગણદેવતા, ગળામાં સર્પ વીંટાળીને ફરતા વિચિત્ર ને વિકરાળ રૂપ ધરાવતા શંકર સાથે લગ્ન કર્યાં. એથી દક્ષરાજા પુત્રીથી નારાજ થઈ ગયા અને તેમણે આયોજિત કરેલા યજ્ઞમાંય દીકરી-જમાઈને ન નોતર્યાં. તોય સતીદેવી વગર આમંત્રણે પતિને લઈ પિતાના ઘરે ગયાં અને ત્યાં તેમના પતિની અવહેલના થતી જોતાં દેવી સતીએ યજ્ઞના અગ્નિમાં જ ઝંપલાવી લીધું ત્યારે ક્રોધિત કૈલાસપતિએ પત્નીનું અર્ધબળેલું શરીર લઈ સમગ્ર સૃષ્ટિને ધમરોળી નાખી. એ સમયે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વડે દેવી સતીનાં અંગોનો વધ કર્યો અને એ અંગો સૃષ્ટિનાં  જે સ્થાન  પર પડ્યાં એ શક્તિપીઠ કહેવાઈ. આ ન્યાયે ભૂતેશ્વર મહાદેવ નજીક માતાના કેશ પડ્યા હતા અને આ ૫૧ શક્તિપીઠમાંથી ૧૧મી પીઠ ગણાય છે.

૫૧ શક્તિપીઠમાંથી આ ૧૧મું શક્તિપીઠ છે જ્યાં માતાજીના કેશ પડયા હતા.

ભૂતેશ્વર મહાદેવના પરિસરમાં જ એક નાનકડી દેરીમાં પગથિયા વડે પંદરેક ફુટ ઊતરતાં આ શક્તિપીઠનાં દર્શન થાય છે. અહીં કાત્યાયની માતાની મૂર્તિ છે અને દેવીમાનાં પગલાં છે. સાવ સામાન્ય તેમ જ ૧૫થી ૧૮ ફીટની નાની જગ્યામાં ઊતરવું જેમ અઘરું છે એમ અહીં ત્રણથી વધુ મનુષ્યોએ ઊભા રહેવું પણ અઘરું છે. જોકે સાવ સાધારણ જગ્યા હોવા છતાં દર્શનાર્થીઓને અહીં માતાની શક્તિનો અહેસાસ થયા વિના રહેતો નથી.

હવે વાત કરીએ ભૂતેશ્વરબાબાની તો કહે છે કે જેમ લંકા પર ચડાઈ કરવા પૂર્વે, રાવણનો વધ કરવા પૂર્વે અને પછી શ્રી રામે રામેશ્વરની આરાધના કરી હતી એ જ રીતે શ્રી રામના અનુજ શત્રુઘ્નએ વડીલ ભ્રાતાના સૂચનથી મથુરામાં રાજ્ય કરતા લગણાસુરનો નાશ કરવા પૂર્વે અહીં કેદારનાથની સ્થાપના કરી હતી અને તેમની ઉપાસના-અર્ચના કરીને મથુરાના લોકોને એ દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરી પોતે રાજ્ય કર્યું હતું.

રાજા શત્રુઘ્ન અને ભૂતેશ્વરની કથા પણ ખાસ્સી રોચક છે. કહે છે કે ત્રેતા યુગમાં મધુ અને કેટવ નામક બે રાક્ષસ હતા જેમનો ખાતમો સ્વયં ચંડી માતાએ કર્યો. એમાંથી મધુનો પુત્ર હતો લવણાસુર. એક તો રાક્ષસી અવતાર ને બીજું બાપાની રાજગાદી, લવણાસુર બેફામ બની ગયો હતો. વળી અજય વરદાન પ્રાપ્ત કરવા તેણે શંભુનાથની કઠિન તપસ્યા કરી અને ભોળેનાથે તેને આશિષરૂપે ત્રિશૂળ આપવા સાથે એવા આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી એ ત્રિશૂળ તેના મહેલમાં કે તેની આસપાસ રહેશે ત્યાં સુધી કોઈ ‘માઈ કા લાલ’ લવણાસુરનો વાળ પણ વાંકો નહીં કરી શકે. અમરતાનું વરદાન પ્રાપ્ત કરી લવણાસુર બેફામ બની ગયો. તેનો આતંક વધતો ગયો. પ્રજાજનો તો ઠીક, સાધના કરતા ઋષિમુનિઓને પણ તે જીવતા ન છોડતો. આ કેરથી દુખી ઋષિઓ અયોધ્યા પહોંચ્યા જ્યાં રામ રાજ્ય હતું. મુનિઓએ રાજા રામને આપવીતી કહી અને મથુરાને બચાવવાની વિનંતી કરી. ત્યારે શ્રી રામે ભાઈ શત્રુઘ્નને મથુરા જવાનો આદેશ આપ્યો.

સશસ્ત્ર બળ સાથે આવી પહોંચેલા શત્રુઘ્નએ લવણાસુર પર ત્રણ વખત હુમલો કર્યો પરંતુ એ દૈત્યની કાંકરીય ન ખરી. હતાશ શત્રુઘ્ન પછા રામરાજ્ય પધારી ગયા અને સઘળી વાત પ્રભુને કહી ત્યારે રામજીને શત્રુઘ્નને પરત જવાનું કહ્યું. સાથે ભૂતેશ્વરની આરાધના કરવાનું કહ્યું, જે રીતે લંકા પર ચડાઈ કરવાં પહેલા ખુદ પ્રભુ રામે કૈલાસપતિની પૂજા કરી હતી એ રીતે ભાઈને મથુરામાં કેદારનાથને સ્થાપી તેમની પૂજા કરવાનું કહ્યું. શત્રુઘ્નએ શ્રી રામના સુચન મુજબ કર્યું અને લવણાસુરનો અંત લાવી મથુરામાં શાંતિ સાથે પોતાનું રાજ્ય સ્થાપ્યું.

દ્વાપર યુગમાં (કૃષ્ણકાળમાં) પણ ભગવાન ભૂતેશ્વરનો અપરંપાર મહિમા રહ્યો. શ્રીકૃષ્ણએ આ ભૂમિમાં નંદબાબાને યશોદામૈયા માટે ચાર ધામ નિર્માણ કર્યાં ત્યારે કાશીના વિશ્વનાથજી આ ભૂતેશ્વર મહાદેવના રૂપે વ્રજમાં પ્રગટ થયા અને વિશ્વનાથે સ્વયં વચન આપ્યું કે તેઓ હંમેશાં મથુરાના કોટવાલરૂપે અહીં બિરાજમાન રહેશે.

ચંદન, અબીલ, ભસ્મ અને રંગબેરંગી ફૂલો વડે રોજ નીલકંઠનોશણગાર કરવામાં આવે છે.

હવે આ મંદિરની વાત કરીએ તો નગરના ગીચ વિસ્તારમાં આવેલું આ મંદિર પહેલાં નાનું હશે, પરંતુ સદીઓ જતાં એનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આથી જ મંદિરની કોઈ વિશિષ્ટ શૈલી કે આર્કિટેક્ચર નથી. કાલાંતરે એ વિશાળ થવાથી, વારંવાર જીર્ણોદ્ધાર થવાથી એ મિશ્ર શૈલીનું બની ગયું છે. પરંતુ હવે તાપ, વરસાદથી બચવા જ્યાં-ત્યાં પતરાની છત લગાવી દેવાથી એય દેખાતું બંધ થઈ ગયું છે. પરિસરના પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં જમણી બાજુ માતા કાત્યાયની ભક્તોનું સ્વાગત કરે છે અને સામે બાપ્પા હાજરાહજૂર બેઠા છે. પરિસરમાં પ્રાચીન પીપળો છે એ પણ પૂજનીય છે અને મુખ્ય મંદિરની પછીતે અન્ય એક શિવલિંગ છે જેનું પણ સદીઓ પૂર્વે એક સંતે સ્થાપન કર્યું છે. સવારે પાંચથી બપોરે એક વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં ૧૨ વાગ્યા સુધી જળ ચડાવી શકાય છે અને સ્પર્શ દર્શન કરી શકાય છે. એ પછી ભૂતેશ્વરના અલૌકિક શણગાર કરવામાં આવે છે. અગેઇન, સાંજે ચારથી રાત્રે નવ વાગ્યા સુધી આ મંદિરમાં સ્થાનિકો દરરોજ ભિન્ન-ભિન્ન શણગારનાં દર્શન કરવા આવે છે. મથુરાનાં કૃષ્ણ મંદિરોથી વિપરીત આ મંદિરમાં ભીડ નથી હોતી. વળી રેલવે-સ્ટેશનથી પણ નજીક છે. આથી ભક્તો મથુરા આવે કે પરત જાય ત્યારે પણ શંભુનાથ અને કાત્યાયની માતાને મત્થા ટેકવી શકે છે.

ઉત્તર પ્રદેશનું જીવંત શહેર મથુરા એક શહેર હોવા સાથે જિલ્લાનું મુખ્યાલય છે. અનેક નાનાં-મોટાં ગામડાંઓ પ્રદેશોને સમાવીને બેઠેલા આ નગરનું ક્ષેત્રફળ ૪૦ સ્ક્વેર કિલોમીટરનું છે. અને એના દરેક એરિયામાં રહેવા-ખાવાની સુવિધા છે પરંતુ એ પણ હકીકત છે કે સંસદસભ્ય તરીકે અભિનેત્રી હેમા માલિની આવ્યા બાદ પણ સમસ્ત પ્રદેશમાં અતિશય ગંદકી અને અરાજકતા છે. એમાંય ભક્તોનું આવાગમન વધવાથી પરિસ્થિતિ વધુ વિકટ બનતી જાય છે.

columnists alpa nirmal travel news hinduism lifestyle news