11 August, 2025 07:00 AM IST | Himachal Pradesh | Laxmi Vanita
હિમાચલના ગ્રીન સ્લોપ પર આડેધડ ઘરો અને હોટેલનું બાંધકામ ભવિષ્યમાં મોટી આફત નોતરી શકે છે.
સોલો કે ડ્રીમ ટ્રિપ માટે જાણીતા હિમાચલમાં અત્યારે બેફામ ટૂરિઝમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ ડેવલપમેન્ટ ખરેખર તો રાજ્યની નાજુક ઇકોસિસ્ટમને અંદરથી ખોખલી કરી રહ્યું છે. વરસાદની મોસમમાં છાશવારે લૅન્ડસ્લાઇડ થાય છે અને વાદળ ફાટવાને કારણે આવતાં પૂર અહીં તબાહી મચાવી જાય છે. હિમાલયના નીચલા વિસ્તારમાં આવેલા હિમાચલ પ્રદેશને બચાવવા સુપ્રીમ કોર્ટે ટકોર કરવી પડી છે ત્યારે જાણીએ શા માટે આ પ્રદેશ અતિસંવેદનશીલ છે. વિકાસ પણ અહીંની સુંદરતા માટે કેમ ઘાતક બની ગયો છે એનું કારણ આજે એક પ્રવાસીની જેમ નહીં પણ વિદ્યાર્થીની જેમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ
હિમાચલ પ્રદેશમાં વિકાસના નામે અનિયંત્રિત બાંધકામો, પહાડોના સ્લોપ એટલે કે ઢાળની બેદરકારીપૂર્વક કાપણી તથા હોટેલો, ઘરો અને પહોળા રસ્તાઓ બનાવવાની હોડમાં પર્યાવરણની અવગણના એટલી ભયાનક સ્તરે પહોંચી ગઈ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તીવ્ર અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ રીતે ચાલશે તો હિમાચલ પ્રદેશ નકશા પરથી એક દિવસ ગાયબ થઈ જશે.
વાત અહીં સુધી કેવી રીતે પહોંચી? એક હોટેલ-કંપની હિમાચલ પ્રદેશના શ્રી તારા માતા હિલ પર હોટેલ બનાવવા માગતી હતી. હિમાચલ પ્રદેશ સરકારે આ વિસ્તારને ગ્રીન એરિયા જાહેર કર્યો છે એટલે કે આ વિસ્તાર પર કાયદેસર કોઈ બાંધકામ થવું ન જોઈએ. એટલે આ મુદ્દાને કંપની હાઈ કોર્ટ સુધી લઈ ગઈ. હાઈ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી તો આ કંપની વાતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ. ત્યારે સુપ્રીમ કોર્ટે અધિકારીઓને કહેવું પડ્યું કે હિમાચલને બચાવવા માટે રાજ્ય સરકાર જાહેર હિતની અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) કરે અને એના પર શું કામગીરી થઈ રહી છે એની નોંધ લે. સુંદર હિમાચલની આ સ્થિતિ કેવી રીતે થઈ અને કેવી રીતે એને બચાવી શકાય એ જાણવા પદ્મશ્રી ઇકોલૉજિસ્ટ અને પર્યાવરણવિદ ડૉ. એકલબ્ય શર્મા પાસેથી ક્લાઇમેટને કારણે થતી સમસ્યાઓ જાણીએ તેમ જ હિમાચલ પ્રદેશને બચાવવા માટે સ્ટ્રૅટેજી પ્લાનિંગ કરનાર જાણીતા ઇકોલૉજિસ્ટ ડૉ. રાજન કોતરુ પાસેથી નૉન-ક્લાઇમૅટિક એટલે કે માનવોને કારણે સર્જાતી સમસ્યાઓ પર વાત કરીએ.
હિમાચલના પહાડી વિસ્તારમાં વર્ટિકલ એટલે ઊભા પહાડો પર ખેતી થાય છે. પહાડોની ઇકોસિસ્ટમ બચાવવા માટે ચોમાસામાં બાંધકામ કે પહાડોના સ્લોપની કાપણી પર પ્રતિબંધ હોવો જોઈએ.
હિમાલયન વિસ્તારને સમજો
હિમાલયન વિસ્તારમાં માઉન્ટન ઇકોસિસ્ટમ રિસર્ચ ઍન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ૪૦ વર્ષની કામગીરી બદલ ગયા વર્ષે પદ્મશ્રીથી સન્માનિત ઇકોલૉજિસ્ટ અને પર્યાવરણવિદ ડૉ. એકલબ્ય શર્માએ લગભગ આખું જીવન પહાડોની સિસ્ટમ સમજવામાં અને સમજાવવામાં વિતાવ્યું છે. તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘હિમાલયન વિસ્તાર આઠ દેશોમાં પથરાયેલો છે. એટલે પર્વતોની આ બહુ જ મોટી ઇકોસિસ્ટમ છે. પર્વતોની ઇકોસિસ્ટમમાં નદીઓનો મહત્ત્વનો ફાળો હોય છે. હિમાલયન વિસ્તારની ઇકોસિસ્ટમમાં ૧૦ મોટી નદી છે. આપણી નદીમાં નેપાલ અને ચીનથી આવતી નદીઓ પણ ભળે છે. આપણા દેશમાં પર્વતોની મોટી નદીઓમાં ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રનો સમાવેશ થાય છે. જ્યારે આપણે ઉત્તરાખંડ, હિમાચલ, મેઘાલય, દાર્જીલિંગ કે સિક્કિમ જેવા કોઈ પણ પહાડી વિસ્તારમાં કુદરતી આફતોની વાત કરીએ તો એનું મૂળ નદીઓમાં રહેલું છે. તો હવે સમજો કે આ બધાનું કારણ સ્થાનિક વિકાસ નહીં પરંતુ વૈશ્વિક વિકાસ છે. આપણે વિચારીએ કે રોડ બની રહ્યા છે કે હાઇડ્રોપાવર સ્ટેશન બની રહ્યાં છે એટલે મુસીબતો આવી રહી છે, પરંતુ બર્ફીલા પહાડોને સૌથી મોટો ખતરો ગ્લોબલ વૉર્મિંગથી છે.’
કુલુ-મનાલી, શિમલા અને મૅક્લૉડગંજમાં ઓવરટૂરિઝમ છે. એને મૅનેજ કરવા માટે ભુતાનની જેમ દિવસમાં ટૂરિસ્ટની મર્યાદિત સંખ્યાને પ્રવેશ આપીને બચાવી શકાય.
વિશ્વનું થર્ડ પોલ ગણાય છે
વિશ્વનો ટાર્ગેટ વર્ષ ૨૧૦૦ સુધીમાં ‘૧.૫ ડિગ્રી વિશ્વ’ બનાવવાનો છે એટલે કે આપણે ૨૧૦૦ની સાલ સુધી વૈશ્વિક તાપમાન જાળવવાનું છે એમ જણાવતાં ડૉ. એકલબ્ય કહે છે, ‘પરંતુ આપણે ૨૦૩૦ સુધીમાં જ ૧.૫ ડિગ્રી સુધી પહોંચી જઈશું. જ્યારે હિમાલયન વિસ્તારની વાત કરીએ ત્યારે આ તાપમાન એના માટે અતિશય ગરમ છે. હિમાલયના આ વિસ્તારને થર્ડ પોલ કહેવાય છે. એટલે કે સાઉથ-પોલ ઍન્ટાર્કટિક અને નૉર્થ-પોલ આર્કટિક જ્યાં માત્ર બરફ જ છે. એટલે આવા વિસ્તારોમાં જમીન, પથ્થરો, વનસ્પતિ સર્વત્રમાં પાણી બરફરૂપે સમાયેલું છે. વૉર્મિંગને કારણે ત્યાં પાણી પીગળીને નીચે આવે અને નાનાં તળાવો બનાવે જેની જમીન પણ એકદમ નબળી હોય છે. તો ઑલ્ટિટ્યુડ પર નબળી જમીન પાણીને પકડીને નથી રાખી શકતી ત્યારે ગ્રૅવિટીને કારણે પાણીની સાથે ઉપર લટકી રહેલા પથ્થરો નીચે ધસી આવે છે. હવે નીચે નદીમાં ભળે ત્યારે નદીની સપાટી ઉપર આવે છે. એટલે કે નદી વધારે પાણી સમાવી શકતી નથી અને અહીંથી ઇકોસિસ્ટમની સમસ્યાઓની ચેઇન શરૂ થઈ જાય છે.’
હિમાચલના કોઈ પણ વિસ્તારમાં લૅન્ડસ્લાઇડ થાય એટલે કલાકો સુધી રોડ બ્લોક થાય અને હજારો વાહન અટકી જાય છે.
ગ્લોબલ વૉર્મિંગની આડઅસરો
પર્યાવરણ માટે કાર્બન નેગેટિવ અને કાર્બન ન્યુટ્રલ કન્સેપ્ટ સમજો. હિમાલયન વિસ્તારો કાં તો કાર્બન નેગેટિવ (વાતાવરણમાં જેટલો કાર્બન છોડે એના કરતાં વધારે શોષી લે) કાં તો કાર્બન ન્યુટ્રલ (કાર્બન શોષણ અને ઉત્સર્જનનું પ્રમાણ જાળવે) છે. ભુતાન તો કાર્બન નેગેટિવ દેશ છે. એટલે એશિયન દેશો કે ભારતનો હિમાલયન વિસ્તાર ગ્લોબલ વૉર્મિંગમાં ફાળો નથી આપી રહ્યા. આપણે ગ્લોબલ વૉર્મિંગમાં ફાળો નથી આપી રહ્યા, માત્ર એની આડઅસરો ભોગવી રહ્યા છીએ એમ જણાવતાં ડૉ. એકલબ્ય કહે છે, ‘વિકસિત દેશો પુષ્કળ પ્રમાણમાં કાર્બન અને ગ્રીન હાઉસ વાયુઓ પેદા કરે છે જે વાતાવરણમાં ભળે છે. વિશ્વમાં પુષ્કળ વિકાસ થઈ રહ્યો છે પરંતુ એની સજા હિમાલયન વિસ્તારને ભોગવવી પડે છે. ગ્લોબલ વૉર્મિંગને નાથવા તો ગ્લોબલ પ્રયત્ન જોઈએ, પરંતુ આપણી પાસે અન્ય શું સમસ્યાઓ છે? આપણી પાસે પહાડોને બચાવવા માટે કોઈ ફન્ડ કે ટેક્નૉલૉજિકલ સિસ્ટમ નથી. એવી સિસ્ટમ જે સમય પહેલાં જ આગાહી કરીને આફતથી બચાવી શકે. આપણી પાસે થોડીઘણી સિસ્ટમ છે, પરંતુ એ પૂરતી નથી. ક્યારેક નેપાલમાં તો ક્યારેક ચીનમાં આવેલું પૂર ભારતને નુકસાન કરે છે, પૂર ડાઉનસ્ટ્રીમ એટલે ઉપરથી નીચે તરફ જાય છે. અગાઉ કહ્યું એમ નદીઓ દ્વારા દેશો જોડાયેલા છે.’
હિમાચલ પ્રદેશમાં પહાડો કાપવાને કારણે એનું ધોવાણ થવા લાગ્યું છે.
ઇકોલૉજિકલ સેન્સિટિવ વિકાસ
જ્યારે પણ હાઇડ્રોપાવર સ્ટેશન બને કે નદીની બાજુમાં રોડ બને કે ટ્રેનલાઇન બને ત્યારે નદીને અવગણીને અને વિજ્ઞાન સમજ્યા વગર બાંધકામ કરવામાં આવે ત્યારે કેદારનાથમાં થયેલી દુર્ઘટના બને છે એમ જણાવતાં ડૉ. એકલબ્ય કહે છે, ‘આ ઘટનામાં હાઇડ્રોપાવર પણ તૂટી ગયું હતું અને જાનહાનિ પણ થઈ હતી. જ્યારે હાઇડ્રોપાવર તૂટ્યું ત્યારે નદીની સપાટી (રિવરબેડ) ઉપર આવી ગઈ. એને કારણે ફ્લૅશ ફ્લડ કે અચાનક જ પુરજોશમાં પાણી રેલમછેલ કરી મૂકે ત્યારે નદીની બાજુના રોડ પણ ધોવાઈ જાય છે. એટલે વિસ્તારના વિકાસનું પ્લાનિંગ નદીની ઇકોલૉજી સમજીને કરવું પડે. લોકો સવાલ પૂછે છે કે સ્વિટ્ઝરલૅન્ડ પણ પહાડી વિસ્તાર છે અને ત્યાં તો ટનલ અને ટ્રેન સારી રીતે ચાલે છે. ત્યારે એ સમજવું જરૂરી છે કે ત્યાંની યુરેશિયન પ્લેટ (જમીન) અને ઇકોસિસ્ટમ બહુ જ મજબૂત છે, જ્યારે હિમાલયન વિસ્તારની ઇકોસિસ્ટમ બહુ જ નાજુક છે. હિમાલય વિસ્તાર સીસ્મિક ઝોન એટલે કે ગમે ત્યારે ભૂકંપ થઈ શકે એમાં છે. બીજું એ કે નાનું છે તો સુંદર છે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ટૂરિઝમ ચોક્કસથી ઇકૉનૉમી વધારે છે, પણ સાથે જ ઇકોલૉજી ખોરવે પણ છે. પહેલાંના સમયની સરખામણીએ અત્યારે લાખોની સંખ્યામાં લોકો હિમાલયન વિસ્તારમાં યાત્રા કરવા, ફરવા માટે કે ટ્રેકિંગ માટે આવે છે. હવે આ જગ્યાઓ બહુ નાની છે અને એમની પાસે બહુ જ ઓછા સ્રોત છે એટલે ફૂડ અને અન્ય જરૂરી વસ્તુની ડિમાન્ડને પહોંચી વળવા આ વિસ્તારોમાં બધો સામાન નીચેથી મોટી ટ્રકો દ્વારા ઉપરના વિસ્તારમાં લાવવામાં આવે છે. આ વિસ્તારોમાં ભારે વાહન ભારે હાનિ સર્જે છે. પહાડી વિસ્તારમાં ‘ટોડ ડેવલપમેન્ટ’ એટલે કે નાના-નાના સ્થાનિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને ‘એરિયલ ડેવલપમેન્ટ’ તરફ જવું જોઈએ. એરિયલ ડેવલપમેન્ટ એટલે ઉપરથી જ્યારે આ વિકાસને જોવામાં ત્યારે મોટું પિક્ચર બહાર આવે. ત્રીજું એ કે કયા વિસ્તારો બહુ જ સંવેદનશીલ કે જોખમગ્રસ્ત છે. જ્યારે પણ રોડનું બાંધકામ થાય ત્યારે પહાડી વિસ્તારોમાં રોડ પર્યાવરણ-ફ્રેન્ડ્લી હોવા જોઈએ. વિજ્ઞાન અને પુરાવા આધારિત વિકાસ થવો જોઈએ, જેમાં જે-તે વિસ્તારનું મૅપિંગ થવું જોઈએ અને એન્જિનિયરિંગ ઇકોલૉજિકલ સેન્સિટિવ હોવું જોઈએ.’
હિમાલયન વિસ્તાર આઠ દેશોમાં પથરાયેલો છે. એમાં ભારતમાં પથરાયેલો હિમાલય વિસ્તાર જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલયને આવરી લે છે.
માનવસર્જિત સમસ્યાઓ
હિમાચલ પ્રદેશની સરકાર અને રિચર્સ સંસ્થાઓ મળીને પ્રદેશને બચાવવા માટે શું કરવું જોઈએ એનું લૉન્ગ ટર્મ પ્લાનિંગ કરી રહી છે જેનું કેટલાક નિષ્ણાતોની ટીમ Vision 2050 નામે દસ્તાવેજ તૈયાર કરી રહી છે. આ રિસર્ચ ડૉક્યુમેન્ટેશનની ટીમના સભ્ય, સસ્ટેનેબિલિટી એક્સપર્ટ, સ્ટ્રૅટેજિક ઍડ્વાઇઝર, સાયન્ટિસ્ટ અને જાણીતા ઇકોલૉજિસ્ટ ડૉ. રાજન કોતરુ ‘મિડ-ડે’ને કહે છે, ‘ક્લાઇમેટ ચેન્જની વાત તો આપણે છેલ્લા બે દાયકાઓથી કરી જ રહ્યા છીએ. હું નૉન-ક્લાઇમૅટિક એટલે કે માનવો દ્વારા હિમાચલમાં સર્જાયેલી સમસ્યાઓનો ફોડ પાડું. છેલ્લાં ૧૭થી ૧૮ વર્ષમાં જે વિકાસ થયો એને પગલે અહીં હોનારતો સર્જાવાની જ હતી. હિમાચલના રસ્તાઓ સાંકડા છે અને છેલ્લાં અમુક વર્ષોમાં ટૂરિઝમનો જે વિકાસ કરવામાં આવ્યો એ પહેલું કારણ છે. અહીંની વસ્તી ૭૦ લાખ છે અને આવનારા ટૂરિસ્ટોની સંખ્યા બે કરોડ જેટલી છે. વિકાસની ના નથી, પરંતુ મિટિયરોલૉજિકલ ડેટા આપણી પાસે ઉપસ્થિત છે તો કેમ એને ઉપયોગમાં લેવામાં ન આવ્યો. હિમાચલમાં કેટલાય મોટા અને નામી રોડ બનાવવામાં આવ્યા એમાં સંશોધન અને પુરાવાની ખુલ્લંખુલ્લી અવગણના થઈ છે. રિસર્ચ પેપર અને એની માહિતી લોકો જોઈ શકે એ માટે ઇન્ટરનેટ પર સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. હિમાચલ પ્રદેશ હિમાલયના નીચલા ભાગમાં આવે છે જેને શિવાલિક રેન્જ કહેવાય છે. આ રેન્જ સૌથી વધારે નાજુક છે. જ્યારે ચોમાસામાં પહાડોને ઊભા કાપવામાં આવે ત્યારે બહુ જ નુકસાન થાય છે. અહીં લોકોનો દાવો છે કે ૬૫ ટકા જેટલી જમીન જંગલે રોકી છે, પરંતુ વાસ્તવમાં ૨૫ ટકા જેટલી જમીનમાં જ ગીચ જંગલો છે. હિમાચલનાં જંગલોમાં ડીફૉરેસ્ટેશનની સમસ્યા જ નથી; પરંતુ દાવાનળ, જમીનનું ધોવાણ, ઓવરગ્રેઝિંગ એટલે કે જાનવરોનું વધુ માત્રામાં ચરવું અને લૅન્ડ એન્ક્રોચમેન્ટની સૌથી મોટી સમસ્યા છે. પહાડોને બચાવવા કોઈ પણ કાળે ગાઢ જંગલને હાથ લગાવી જ ન શકાય. જ્યારે અહીં જંગલમાં આગ લાગે ત્યારે અહીંનું વાતાવરણ દિલ્હીના વાતાવરણ કરતાં પણ ખરાબ થઈ જાય છે. આગ જંગલોની જમીનનાં લેયરોને બાળી નાખે છે એટલે જમીન પાણીને શોષવા માટે સશક્ત નથી રહેતી. એટલે જે જમીન ચોમાસામાં સ્પન્જની જેમ કામ કરે એ નથી કરતી.’
આચારસંહિતાનું ઉલ્લંઘન
હિમાચલ પ્રદેશ માટે નક્કી કરાયેલો કોડ ઑફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતા પ્રમાણે આ રાજ્યમાં કોઈએ પણ બે માળથી વધારેનું બાંધકામ કરવું ન જોઈએ એમ જણાવતાં ડૉ. રાજન કહે છે, ‘જોકે તમે મનાલીમાં સાત માળનું બાંધકામ જોઈ શકશો. આપણે પોતે જ આપણા નિયમોનું પાલન નથી કરી શકતા. બીજું એ કે નદીના તટપ્રદેશમાં લોકોના રહેણાક હોવા જ ન જોઈએ, કારણ કે એ પાણી ભેગું થવાની જગ્યા છે. જોકે હિમાચલના તટપ્રદેશો ઘરો, હોટેલો અને કૅમ્પોથી ભરાઈ ગયા છે. આજે જે પણ દુર્ઘટના અહીં થાય છે એનો મને જરાય આંચકો કે નવાઈ નથી લાગતી. છેલ્લા એક દાયકામાં અહીં અવારનવાર વાદળ ફાટ્યાં છે. મંડી, કુલુ અને મનાલીમાં થતી દુર્ઘટનાના અહેવાલો તમે ઇન્ટરનેટ પર વાંચી શકો છો. સરકારે નદીના ૧૫૦ યાર્ડના વિસ્તારમાં કોઈ પણ ઘરના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો છે. એમ છતાં એની અવગણના થઈ રહી છે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી મનાલીની અટલ ટનલમાં એક પણ લૅન્ડસ્લાઇડ થાય એટલે રોડ કલાકો સુધી બંધ થઈ જાય છે અને હજારો વાહનો એ જગ્યાએ અટવાઈ જાય છે. તમે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રોડ બનાવો અને હિમાચલમાં રોડ બનાવો એમાં જમીન-આસમાનનો ફરક છે. ત્રણ વર્ષ પહેલાં કુલુ અને મનાલી વચ્ચે પાંચ કિલોમીટરનો રોડ ચોમાસામાં ધોવાઈ ગયો હતો. કુદરતની ઇકોસિસ્ટમને અવગણવામાં આવે ત્યારે કરોડો રૂપિયાના વિકાસ પર પાણી ફરી જાય છે. સફરજનનો પાક ઓછો થઈ રહ્યો છે કારણ કે મિસમૅનેજમેન્ટ થઈ રહ્યું છે અને વર્ષોથી એક જ પાક લેવાને કારણે તેમ જ કીટકનાશકના ઉપયોગને લીધે હવે જમીન નબળી પડી ગઈ છે. હજી બહુ જ નાજુક સમય આવવાનો બાકી છે. કોઈ પણ બદલાવ એકઝટકામાં ફાસ્ટ અને ફ્યુરિયસની જેમ નથી થવાનો. આવી રીતે હાલ હિમાચલ પ્રદેશ ક્લાઇમૅટિક અને નૉન-ક્લાઇમૅટિક એમ બન્ને પરિસ્થિતિઓને કારણે સેન્સિટિવ બન્યું છે.’
સૉલ્યુશન એ કે હિમાચલ અને હિમાલય બધા માટે ન હોવાં જોઈએ
પહાડોમાં જ મોટા થયેલા અને છેલ્લાં ૪૦ વર્ષથી હિમાચલના પહાડોને સમજતા ડૉ. રાજન કહે છે, ‘ભુતાનની ઇકોલૉજિકલ સિસ્ટમ જુઓ. ત્યાં પણ ટૂરિઝમ વધારે હતું, પરંતુ તેમણે દેશની ઇકોલૉજીને બચાવવા માટે મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવાની જોગવાઈ કરી. તો શું આપણે હિમાચલને બચાવવા આવું ન કરી શકીએ? મૅકલૉડગંજ, કુલુ, મનાલી, સ્પીતિ વૅલી ટૂરિસ્ટોનું હૉટસ્પૉટ છે. એક જગ્યાને બચાવવા માટે એક દિવસમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવો જોઈએ. હિમાચલ પ્રદેશમાં આધુનિક કમ્યુનિકેશન છે તો એનો ઉપયોગ થવો જોઈએ. જેમ કે દરેક જગ્યાએ ટોલબૂથ છે તો એક આંકડો નક્કી કરવામાં આવે કે એક ખાસ જગ્યાએ દિવસમાં માત્ર ૧૦,૦૦૦ લોકોને જ પ્રવેશ આપવો. ફરવાનું મન થયું તો કોઈ પણ વ્યક્તિ હિમાચલ પ્રદેશના કોઈ પણ હૉટસ્પૉટ પર ન આવી શકે. જો ફરવા આવવું હોય તો તેઓ ઑનલાઇન ચેક કરે. ધારો કે મનાલીમાં લોકોની સંખ્યા ફુલ થઈ ગઈ છે તો તેમને બીજા સ્પૉટ જેમ કે ડલહાઉઝી વિશે માહિતી આપવામાં આવે. આવી રીતે લોકો ફરી પણ શકે અને ટૂરિઝમ સાથે પર્યાવરણ પણ બચાવી શકાય. બીજું એ કે મોટાં વેહિકલોને હિમાચલ પ્રદેશના રોડ પર પરવાનગી મળવી જ ન જોઈએ. ૩૦ સીટરવાળી નાની બસ અને નાનાં વાહનો જ જવાં જોઈએ. ત્રીજું એ કે ઇકોઑડિટનું અનુસરણ થવું જોઈએ. ઇકોઑડિટ એટલે બધાં વાહનોની ચકાસણી કરવામાં આવે કે તેઓ કેટલો પ્લાસ્ટિક વેસ્ટ લઈને જઈ રહ્યાં છે. ધારો કે કોઈ બસ ૧૦૦૦ પાણીની બૉટલ લઈ જાય છે તો પાછા ફરતી વખતે એની પાસે માત્ર ૮૦૦ ખાલી બૉટલ હોય તો એણે દંડ ભરવો પડશે. ચોથું એ કે જંગલોની જમીનને ગેરકાયદે હડપી લેવામાં આવે છે. મનાલી, મૅકલૉડગંજ, કુલુ જેવા ગીચ વિસ્તારોમાં વસ્તીને સંવેદનશીલ વિસ્તારમાંથી બીજા સ્થળ પર ખસેડવામાં આવે. પાંચમું એ કે જ્યારે હિમાચલ પ્રદેશમાં રોડ-વિસ્તરણ કરવામાં આવે કે રોડ બનાવવામાં આવે ત્યારે ગ્રીન રોડ બનવા જોઈએ. એટલે કે સ્વિસ કંપની છે જે પહાડી વિસ્તારોમાં ઇકોલૉજીને ધ્યાનમાં રાખીને રોડ બનાવે છે જેમાં શહેરોમાં ઉપયોગમાં લેવાતાં ભારે વાહનોનો ઉપયોગ નથી થતો અને મોટા ભાગે સ્થાનિક લોકોની મદદથી બનાવવામાં આવે છે. નેપાલમાં આવા ગ્રીન રોડ બન્યા છે. હિમાચલમાં પણ હવે પહેલ શરૂ થઈ છે. જો આ પગલાંઓ લેવામાં આવે તો ૫૦થી ૬૦ ટકા સુધી ક્લાઇમેટ ચેન્જની અસરને રોકી શકાય છે. આ બધા પ્રસ્તાવને પુરાવા સાથે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તમે નીતિ આયોગની વેબસાઇટ પર આ વિષયનાં સંશોધનો વાંચી શકો છો. એટલે સુપ્રીમ કોર્ટની ચિંતા ઠીક છે, પરંતુ હિમાચલ પ્રદેશ ગાયબ તો નહીં જ થાય. બસ, અત્યારથી સાવચેતી જરૂરી છે.’