11 July, 2023 09:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરિસંવાદનું નિમંત્રણ પત્ર
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ભારતીય ભાષા વિભાગ અને મીઠીબાઈ કૉલેજના સંયુક્ત ઉપક્રમે `ગુજરાતી પત્રકારત્વનાં 200 વર્ષ` આ વિષય પર પરિસંવાદનું આયોજન બપોરે 12 વાગ્યે, તારીખ 12 જુલાઈ 2023ના રોજ જુહુ જાગૃતિ ઑડિટોરિયમ, મીઠીબાઈ કૉલેજમાં કરવામાં આવ્યું છે.
ડૉ. ખેવના દેસાઈ જેમને માટે તેમના વિદ્યાર્થીઓ જ તેમની ઓળખ છે જેઓ મીઠીબાઈ કૉલેજમાં પ્રૉફેસર તરીકે કાર્યરત છે તેઓ લખે છે કે, "છાપખાનાનાં કંપોઝથી લઈને એપ્લિકેશનના ક્લિક સુધી પહોંચેલી પત્રકારત્વની યાત્રા બહુ રસપ્રદ રહી છે. સેંકડો ન્યૂઝ ચેનલોના ઘોંઘાટ (!) વચ્ચે પણ આપણી સવારને મૌનથી ભરી દેતા છાપાં વગર હજુ પણ સવાર કોરી લાગે છે. ન્યુઝથી વ્યુઝ સુધીનું બધું પોતાની અંદર સમાવી લેતાં પત્રકારત્વનાં બસ્સો વર્ષને જાણવા અને માણવા આવી પહોંચજો અમારે આંગણે. કાર્યક્રમ સૌને માટે છે જ. ખાસ તો પત્રકારત્વ, ભાષા-સાહિત્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પત્રકારો, કટારલેખકોએ ચૂકવા જેવો નથી."
આ પરિસંવાદની પરિકલ્પના અને તેનું સંયોજન દીપક મેહતા દ્વારા કરવામાં આવ્યું છે. તો સંચાલન ડૉ. ખેવના દેસાઈ દ્વારા કરવામાં આવશે.
આ પરિસંવાદની રૂપરેખા વિશે વાત કરીએ તો `પત્રકારત્વની ગઈકાલ` વિષય પર તરુ કજારિયા પોતાનું વક્તવ્ય રજૂ કરશે. `પત્રકારત્વના આજ` વિશે વિનીત શુક્લા પોતાના મંતવ્યો રજૂ કરશે. જ્યારે ગઈકાલ અને આજની વાત થાય ત્યારે આવતી કાલને તો કેમ જ ભૂલાય? આથી જ `પત્રકારત્વની આવતી કાલ` વિશે ચિરંતના ભટ્ટ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આકાર્યક્રમ બુધવાર તારીખ 12 જુલાઈ 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી જુહુ જાગૃતિ ઑડિટોરિયમમાં શરૂ થશે.
આ પરિસંવાદ ખાસ તો ગુજરાતી ભાષાપ્રેમીઓ માટે તો છે જ પણ સાથે વિદ્યાર્થીઓને પણ આ પરિસંવાદ થકી અનેક એવી વસ્તુઓ શીખવા મળશે જે સામાન્ય રીતે વર્ગમાં ભણાવવી થોડી મુશ્કેલ બની રહે છે. સ્નેહલ મુઝુમદાર આ કાર્યક્રમના કાર્યાધ્યક્ષ છે. સહનિર્દેશન અને સદસ્ય સચિવનું પદ સચિન નિંબાલકર શોભાવી રહ્યા છે. જ્યારે આ સમગ્ર પરિસંવાદ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ થઈ રહ્યો છે.
`ગુજરાતી પત્રકારત્વનાં 200 વર્ષ` આ માત્ર એક વિષય નથી પણ ગુજરાતી પત્રકારત્વના જન્મથી લઈને તેના વિકાસની કેટલીય મહત્વની ક્ષણો આ વિષય અંતર્ગત આવે છે. એટલું જ નહીં, વિષયમાં પત્રકારત્વની ગઈકાલ અને આજનો સમાવેશ તો થાય છે પણ તેની સાથે આવતી કાલ કેવી હશે તેનો તાગ મેળવવાનો પ્રયત્ન પણ આ પરિસંવાદમાં થતો જોવા મળી શકે છે. આ પરિસંવાદમાં પ્રવેશ નિઃશુલ્ક છે. મીઠીબાઈ કૉલેજના પ્રાચાર્ય પ્રૉ. કૃતિકા દેસાઈ અને ભારતીય ભાષા વિભાગના અધ્યક્ષ ડૉ. દશરથ પટેલના સહયોગથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.