04 May, 2024 11:39 AM IST | Mumbai | Jigisha Jain
અગ્નિરક્ષક પ્રોગ્રામ
આંકડાઓ મુજબ ૨૦૨૨માં આગ લાગવાના ૪૪૧૭ બનાવો બન્યા હતા, જ્યારે ૨૦૨૩માં ૫૦૭૪ આગ લાગવાના બનાવો બન્યા હતા. મતલબ કે એક વર્ષમાં ૧૫ ટકાનો વધારો એમાં જોવા મળ્યો હતો.
૨૦૨૩માં ૩૩ લોકો આગ લાગવાને લીધે મૃત્યુ પામ્યા હતા અને ૩૦૦ જખમી થયા હતા. જ્યારે પણ તમારી આજુબાજુના એરિયામાં આગ લાગે ત્યારે ૧૦૧ નંબર ડાયલ કરીને ફાયર-બ્રિગેડને જાણ કરવાનું મહત્ત્વનું છે. મુંબઈના લોકો જાગરૂક છે અને તરત જ ફોન કરી દે એમ માનીને આપણે ચાલીએ તો પણ મુંબઈની પોતાની સમસ્યાઓથી આપણે દરેક મુંબઈકર અવગત છીએ. ટ્રાફિકમાં ફસાઈ જવાની સંભાવના અહીં એટલી પ્રબળ છે કે ફાયર-બ્રિગેડ પણ ઘણી વાર હેલ્પલેસ થઈ જતી હોય છે. એ સિવાય આગ બુઝાવવા માટે બંબો આવે પણ બિલ્ડિંગ સુધી એ પહોંચી શકે એટલી જગ્યા જ હોતી નથી એટલાં વાહનોનું પાર્કિંગ હોય છે. આ સમસ્યાઓ સામે જરૂરી છે કે સામાન્ય વ્યક્તિઓને પણ સમજાવું જોઈએ કે આગ લાગે ત્યારે શું કરવું? ફાયર-બ્રિગેડને બોલાવો તો પણ એને પહોંચતાં ૧૦-૧૫ મિનિટ તો થવાની જ છે. આ સમય દરમિયાન જાગરૂક નાગરિકો જો ટ્રેઇન થયેલા હોય તો કદાચ મોટા નુકસાનથી બચી શકાય.
અગ્નિરક્ષક પ્રોગ્રામ
આ વિચાર સાથે મુંબઈના નાગરિકોને નિ:શુલ્ક ફાયર-સેફ્ટી ચૅમ્પિયન બનાવવા માટે મુંબઈ ફાયર-બ્રિગેડ અને પ્રોજેક્ટ મુંબઈએ સાથે મળીને અગ્નિરક્ષક નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. કોવિડ પહેલાં જ આમ તો એની શરૂઆત થઈ ગઈ હતી. છેલ્લાં ૪ વર્ષમાં લગભગ દર મહિનાના એક શનિવારે ભાયખલા ફાયર-સ્ટેશનમાં હાલમાં કાર્યરત ફાયર-સેફ્ટી ઑફિસર્સ દ્વારા સામાન્ય જનતાને આગ લાગે ત્યારે કઈ રીતે કામ કરવું એ વિશે ટ્રેઇનિંગ આપવામાં આવે છે. આજ સુધીમાં ૨૦૦૦થી વધુ નાગરિકો અગ્નિરક્ષક બની ચૂક્યા છે. એ વિશે વાત કરતાં ‘પ્રોજેક્ટ મુંબઈ’ના ફાઉન્ડર અને CEO શિશિર જોશી કહે છે, ‘અમારી સંસ્થા ઇચ્છે છે કે મુંબઈનો દરેક નાગરિક આ શહેર માટે કેટલીક પળો ફાળવે. કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે ફાયર-બ્રિગેડ જલદી પહોંચી નથી એની ફરિયાદો કરવાને બદલે ખુદ જ એટલા સક્ષમ બને કે નાની તો નાની પણ મદદ કરી શકે. આગને ફેલાતી અટકાવી શકે કે કઈ રીતે ખુદ એમાંથી બચી શકે એટલે મૂળભૂત ટ્રેઇનિંગ દરેક નાગરિક પાસે હોવી જોઈએ.’
આગ લાગે નહીં એના પ્રયત્નો
અગ્નિરક્ષકની વર્કશૉપ અડધા દિવસની હોય છે, જેમાં કઈ બાબતો શીખવવામાં આવે છે એ સમજાવતાં શિશિર જોશી કહે છે, ‘આગ લાગે એ પહેલાં શું કરવું એના કરતાં આગ લાગે જ નહીં એના પર કામ કરવું વધુ જરૂરી છે. આગ જુદા-જુદા પ્રકારની હોય છે. સિલિન્ડરથી લાગતી આગ, પાઇપલાઇનથી લાગતી આગ કે દિવાળીમાં લાગતી આગ જુદી-જુદી હોય છે. રાત્રે સૂતા હોઈએ ત્યારે ગૅસ લીક થાય અને ઊંઘમાં વ્યક્તિને સમાજ પડતી નથી. માણસ જ્યારે સવારે ઊઠે ત્યારે સીધો એનો હાથ સ્વિચ પર જાય અને એ લાઇટ ચાલુ કરે તો નાના અમથા સ્પાર્કથી આગ લાગી શકે છે. તો સવારે ઊઠીને પહેલું કામ બારી ખોલવાનું કરવું અને પછી જ બે મિનિટ પછી સ્વિચ દબાવવી જેવી સામાન્ય આદત ફેરબદલ કરવાથી મોટી તકલીફો નિવારી શકાય છે. આવી ઘણી બાબતો છે જે લોકોને સમજાવવામાં આવે છે.’
બેસિક ટ્રેઇનિંગ આપવી જરૂરી
કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે નિયમ એવો છે કે જીવ બચાવવા માટે બધું જ ભૂલીને બહાર તરફ દોટ લગાવવી. જેટલા અંદર રહેશો એટલો ખતરો વધુ. આ નિયમથી વિપરીત લોકોના જીવ બચાવવા ફાયર-ફાઇટર્સ બહારથી આગમાં અંદર તરફ જતા હોય છે. તેમની બહાદુરી અને મહાનતાનાં તો ગુણગાન ગાઈએ એટલું ઓછું. બહારના દેશોમાં તો ફાયર-ફાઇટર્સને એક સિપાઈ જેટલું માન મળે છે. આપણે પણ આપવું જ જોઈએ. એની સાથે-સાથે આપણે પણ એવું કશું કરવું જોઈએ જેનાથી આ ફાયર-ફાઇટર્સને મદદ મળે.
એ માટે આગ લાગે ત્યારે શું કરવું, કઈ રીતે ભાગવું, કઈ રીતે બિલ્ડિંગનાં કે ઘરનાં સિનિયર સિટિઝન અને બાળકોને બચાવવાં એ બધું જ સામે કરીને અને અનુભવ દ્વારા પણ લોકોને શીખવવામાં આવે છે. આગ બુઝાવવાનાં ઘણાં સાધનો બિલ્ડિંગમાં હોય છે પરંતુ એને ચલાવતાં લોકોને આવડતું નથી. આ પ્રોગ્રામ અંતર્ગત એ સાધનો કઈ રીતે વપરાય એ પણ શીખવવામાં આવે છે જે એક અતિ અગત્યની ટ્રેઇનિંગ ગણી શકાય. આ ઉપરાંત જરૂરી વાત કરતાં શિશિર જોશી કહે છે, ‘આગ સાથે મેન્ટલ હેલ્થને પણ ખૂબ લેવાદેવા છે. આગ લાગે એ પછી લોકોનું જે આર્થિક નુકસાન થાય છે કે પ્રૉપર્ટીને ડૅમેજ થાય છે કે કોઈ આપ્તજનને વ્યક્તિ ખોઈ બેસે છે તો એ વ્યક્તિઓની માનસિક હેલ્થ માટે શું કરવું એ પણ આ વર્કશૉપમાં અમે તેમને શીખવીએ છીએ, જે ખૂબ મહત્ત્વનો ભાગ છે એવું અમે માનીએ છીએ.’
ઊંચાં બિલ્ડિંગો મોટી મુશ્કેલી
મુંબઈમાં હાઇરાઇઝ બિલ્ડિંગો વધતાં જ જાય છે. ઍવરેજ હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગ લાગવાના બનાવો વાર્ષિક ૭૦ જેટલા બને છે. આજથી ૨૦ વર્ષ પહેલાં આટલાં હાઇરાઇઝ બિલ્ડિંગો નહોતાં. હાઇરાઇઝ બિલ્ડિંગો માટે પણ એમની મર્યાદા એ છે કે ફાયર-બ્રિગેડ પાસે ૯૦ મીટર્સ સુધીની લંબાઈની સીડી હોય છે જે ૨૫ ફ્લોર સુધીની ઊંચાઈ કવર કરી શકે છે. એના પછી બિલ્ડિંગની ખુદની સિસ્ટમ કેવી છે એના પર બધું નિર્ભર કરે છે. બિલ્ડિંગ જેટલા નિયમો આધીન વ્યવસ્થિત બનાવવામાં આવ્યાં હોય એટલી સેફ્ટી વધુ. દરેક વ્યક્તિ ભાયખલા પહોંચીને આ પ્રોગ્રામ ભરી શકે એમ ન હોય તો તમારી સોસાયટીમાં લોકોને એ શીખવવા માટે પ્રોજેક્ટ મુંબઈનો સંપર્ક કરી શકાય છે. એ માટે મિનિમમ ખર્ચ તેમને આપીને સોસાયટીના બધા સદસ્યો ફાયર-સેફ્ટી ચૅમ્પિયન બની શકે છે.
મુંબઈ ફાયર-બ્રિગેડ કઈ રીતે કામ કરે છે?
એવું કહેવાય છે કે મુંબઈમાં ભારત દેશના સૌથી બેસ્ટ ફાયર-ફાઇટર્સ કામ કરી રહ્યા છે. ૨૦૧૭માં સાઉથ કોરિયામાં યોજાયેલી ૧૩મી ફાયર-ફાઇટર્સ ગેમમાં મુંબઈના ફાયર- ફાઇટર્સને ‘ટફેસ્ટ ફાયર ફાઇટર્સ અલાઇવ’નો અવૉર્ડ આપવામાં આવેલો. પ્રાપ્ત આંકડાઓ મુજબ મુંબઈના ફાયર-બ્રિગેડમાં કુલ ૨૮૦૦ ફુલટાઇમ ફાયર-ફાઇટર્સ છે. કુલ ૩૪ ફાયર- સ્ટેશન્સ છે; જેમાં મુખ્ય પાંચ છે જે ભાયખલા, બોરીવલી, અંધેરી, વડાલા અને મુલુંડ ખાતે આવેલાં છે. આટલાં સ્ટેશન હોવા છતાં એ વિશાળ મુંબઈ માટે એક રીતે ઓછાં પડે તો એ માટે મિની ફાયર-સ્ટેશન્સની પણ વ્યવસ્થા છે જે અંદાજે ૧૦ કે તેથી વધુ હશે. એમની પાસે કુલ ૩૦૬ વાહનો છે. આ સિસ્ટમ ઘણી જ ઍક્યુરસી સાથે કામ કરે છે. આપણો એક ફોન ૧૦૧ પર જાય ત્યારથી લઈને એ જગ્યા સુધી અગ્નિશામક દળ પહોંચે ત્યાં સુધી એક મોટી ટીમ એની પાછળ લાગેલી હોય છે.