મારું પૅશન શું છે એ બાબતે અસ્પષ્ટ છું

23 June, 2023 04:19 PM IST  |  Mumbai | Sejal Patel

હું માનું છું કે દરેક વ્યક્તિએ જ્યારે જે તક મળે એવા લગભગ પંદર પ્રકારનાં કામો કરવાં જોઈએ. સ્ટુડન્ટ લાઇફ જ આ પ્રકારનાં એક્સપરિમેન્ટ્સ માટે છે.

પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)

હું વીસ વર્ષનો છું અને મેં નક્કી કર્યું છે કે મારે જૉબ નહીં પણ પૅશનને જ ફૉલો કરવું છે. જોકે સમસ્યા એ છે કે મારાં ફ્રેન્ડ્સ તેમના પૅશન બાબતે જેટલા સ્પષ્ટ છે એવું મારું નથી. હા, કેટલાક ફ્રેન્ડ્સનું એવું પણ થયું છે કે પહેલાં જેને પૅશન માનતા હતા એ હવે નથી રહ્યું અને એમ છતાં તેમણે બીજી પ્રવૃત્તિઓમાં પૅશન શોધી લીધું છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે ‘જે ગમે છે એ કરવા માંડો, નહીંતર જે કરતા હશો એને ગમાડી લેવું પડશે.’ મારે કમને કોઈ ફીલ્ડમાં કરીઅર વેંઢારવી નથી. પણ મને ફ્રસ્ટ્રેશન એ વાતનું છે કે મારું પૅશન શું છે એ જ મને સમજાતું નથી. એ કઈ રીતે શોધવું? શું એ માટે કોઈ પર્સનાલિટી ટેસ્ટ કે એવું કંઈ આવે છે?

કરીઅરની પસંદગી વખતે મુખ્યત્વે કઈ સ્ટ્રીમમાં તમારો મૂળભૂત રસ છે એ સમજવા માટે અનેક પ્રકારની અપ્ટિટ્યુડ ટેસ્ટ આવે છે. ઇન્ટરનેટ પર ઑનલાઇન પણ આ ટેસ્ટ અવેલેબલ હોય છે અને કેટલાક કરીઅર ગાઇડન્સ નિષ્ણાતો પણ એ કરે છે. અપ્ટિટ્યુડ ટેસ્ટ બતાવે છે કે તમારામાં કયા ક્ષેત્રની કુદરતી પ્રતિભા છે. જોકે એમાં તમારું પૅશન ન સમજાય.
તમારું પૅશન શું? એનો જવાબ તમને બીજું કોઈ નહી આપી શકે. પૅશન શોધવાનું પણ ન હોય, એ તો કામ કરતાં-કરતાં જ સમજાય કે તમને આ ગમે છે કે નહીં? હું માનું છું કે દરેક વ્યક્તિએ જ્યારે જે તક મળે એવા લગભગ પંદર પ્રકારનાં કામો કરવાં જોઈએ. સ્ટુડન્ટ લાઇફ જ આ પ્રકારનાં એક્સપરિમેન્ટ્સ માટે છે. એમાં તમે ભણતાં-ભણતાં ઇતર પ્રવૃત્તિ તરીકે તમને જે ગમે એ કરો. જરૂરી નથી કે એ તમારું લાઇફટાઇમ પૅશન જ હોવું જોઈએ. પૅશન નહીં મળે ત્યાં સુધી કંઈ ન કરવું અથવા તો સામે આવતી પ્રવૃત્તિઓથી અળગાં રહેવું એ ઠીક નથી. મેં જોયું છે કે જે વ્યક્તિ બાળપણથી જ તેની સામે આવતા કામો અને પ્રવૃત્તિઓ બાબતે ખૂબ ઉત્સાહિત, પૉઝિટિવ અને કંઈક હટકે સોચ સાથે આગળ વધવાનો અભિગમ ધરાવે છે તેમને ઝડપથી સમજાઈ જાય છે કે તેનું પૅશન શું છે. તમે જે કાંઈ પણ કરો એમાં ૧૦૦ ટકા દિલ રેડી દો. એ તમારું ગમતું કામ છે કે નહીં એને ઘડીભર માટે ભૂલી જાઓ. એ કામ શ્રેષ્ઠ રીતે કઈ રીતે થઈ શકે એના વિશે જ વિચારો. આ હકારાત્મક વિચારસરણી જ તમને પૅશન તરફની તમારી નિસરણી કઈ બાજુ છે એ બતાવશે.

career tips sejal patel columnists