21 August, 2023 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની સૌથી મોટી સ્કૂલ ચેઇનના સ્થાપક અને શિક્ષણવિદ રાજેશ ભાટિયા (Educationist Rajesh Bhatia)એ તાજેતરમાં જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ઇન્ટરવ્યૂમાં નવી શિક્ષણ નીતિ વિશે કેટલીક માહિતીસભર વાતો શૅર કરી હતી. વાંચો તેમના જ શબ્દોમાં...
સવાલ: નેશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) અંગે તમારો શું મત છે?
જવાબ: આ એક અદ્ભુત નીતિ છે અને ખૂબ જ સારી રીતે વિચારીને બનાવવામાં આવી છે. હું ખાસ કરીને કૌશલ્ય શિક્ષણ કાર્યક્રમનો ઉલ્લેખ કરી રહ્યો છું, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેક્નોલોજીના આ નવા યુગમાં - એવા સમયે જ્યારે નોકરી માટે તૈયાર વ્યાવસાયિક કૌશલ્યોની ખૂબ માગ છે, ત્યારે બાળકોને તેનો ખૂબ ફાયદો થશે. પુસ્તકિયા શિક્ષણમાંથી આપણે હવે પ્રાયોગિક શિક્ષણ તરફ પાપાપગલી કરી રહ્યા છીએ જે વિચારો અને સમજણ શક્તિને સમૃદ્ધ બનાવે છે. તે વૈચારિક સમજણ પર વધુ ભાર સાથે મૂલ્યાંકન પેટર્નમાં ફેરફારો પણ લાવી શકે છે જે મને લાગે છે કે બાળકોને ગોખણપટ્ટીથી મુક્ત કરશે.
સવાલ: શું ઈ-લર્નિંગ ખરેખર બધા માટે છે? ઓછી આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓ પરિવારના સભ્યોનો ફોન વાપરે તેને ધ્યાનમાં લેતા, તેમના પર કેવી અસર પડે છે? વધુમાં, કેટલાક ગરીબ પરિવારો તેમના બાળકો માટે ફોન ખરીદવા માટે લોન લે છે. આ તમામ વિદ્યાર્થીઓના મૂળભૂત શૈક્ષણિક અધિકારોને કેવી રીતે અસર કરે છે?
જવાબ: આજે હાઇબ્રિડ લર્નિંગ એ જ શિક્ષણનું નવું ધોરણ છે અને ખાસ કરીને કોરોના મહામારી બાદ, ઈ-લર્નિંગ અને ક્લાસરૂમ લર્નિંગ એકસાથે ચાલી રહ્યું છે. એજ્યુકેશન ઇક્વિટી એ એક એવો વિષય છે કે જેમાં સામાજિક-આર્થિક પરિબળોના મોટા સંશોધનની જરૂર છે, પરંતુ મને વિશ્વાસ છે કે એક રાષ્ટ્ર તરીકે, આપણે એવા સ્થાને પહોંચી શકીશું જ્યાં સમગ્ર દેશમાં બાળકો ઇ-લર્નિંગ અને શાળામાં શિક્ષણ સારું શિક્ષણ બંને ઍક્સેસ કરી શકશે. એક રાષ્ટ્ર તરીકે આપણે તે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.
વાત જ્યારે બાળકો માટે લોન લેવાની આવે છે ત્યારે મેં અગાઉ કહ્યું તેમ, ત્યાં સામાજિક-આર્થિક પરિબળો છે જેના ઊંડા વિશ્લેષણની જરૂર છે અને મહામારી દરમિયાન એક ખૂબ જ મોટો વર્ગ ડિજિટલ શિક્ષણ પર આધારિત હતો, પરંતુ મને આશા છે કે સમય જતાં, ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત આવે ત્યારે આપણે ગ્રામીણ અને શહેરી બાળકો વચ્ચે સમાનતા જોઇશું.
સવાલ: શું તમે વર્ગખંડોમાં સમાવિષ્ટતા પર થોડો પ્રકાશ પાડી શકો છો, ખાસ કરીને વિકલાંગ બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવા માટે?
જવાબ: તે શાળાની સંસ્કૃતિ છે જે સમાવિષ્ટતાનું સ્તર નક્કી કરે છે. દરેક શાળાની એક ચોક્કસ સંસ્કૃતિ, ચોક્કસ મિશન અને ચોક્કસ દ્રષ્ટિ હોય છે અને તે નક્કી કરે છે કે શિક્ષણ કેવી રીતે આપવામાં આવશે. ટ્રીહાઉસમાં મારા માટે સમાવેશની વ્યાખ્યા ‘વિવિધતાનું સ્થાન’ છે. બાળકો ખુલ્લા મનના હોય છે અને મોટાભાગે વિવિધ સાંસ્કૃતિ, વિવિધ ભાષાઓ અને વિવિધ પ્રદેશોની વિશેષતાઓને સમજવા માગે છે. ભારતમાં વિદ્યાર્થીઓમાં આવી સંશોધનાત્મક માનસિકતાને પ્રોત્સાહિત કરવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણે દરેક અર્થમાં વિશાળ વિવિધતા ધરાવતો દેશ છીએ. સમાવેશનું બીજું પાસું કૌશલ્ય, શીખવાની ક્ષમતા અને અમુક વિકલાંગતાને પણ સંબંધિત છે. એક સર્વસમાવેશક સંસ્થા તરીકે, વર્ગખંડમાં વિશેષ જરૂરિયાતો ધરાવતાં બાળકોને આવકારવા અને તેમને દરેક વ્યક્તિની જેમ અભ્યાસક્રમથી પરિચિત કરવા હિતાવહ છે.
CBSE કાઉન્સિલે આવા બાળકો માટે સપોર્ટ સિસ્ટમ બનાવવા માટે વિવિધ પગલાં લીધાં છે અને તેમાં સુલભ શૌચાલય અને ફરજિયાત રેમ્પનો સમાવેશ થાય છે. તેથી મને લાગે છે કે સમાવેશીતા એ સરકારનો પણ એજન્ડા છે. મારા મતે આખો સમાજ તે તરફ આગળ વધી રહ્યો છે. સર્વસમાવેશક સમાજ આપણને જે કરવા માટે સમજાવે છે તે દરેકને ખુલ્લા હાથે આવકારે છે. શિક્ષણ બધા માટે હોવું જોઈએ અને કોઈ પણ બાળક પ્રત્યે ભેદભાવ ન કરવો જોઈએ. બાળક તો છેલ્લે બાળક છે.
સવાલ: વર્તમાન શૈક્ષણના સંદર્ભમાં રેગિંગ, આત્મહત્યા અને શૈક્ષણિક દબાણ જેવા મુદ્દાઓ અસામાન્ય નથી. મેન્ટલ હેલ્થની ચિંતાઓને સંબોધિત કરવા પર વિશેષ ધ્યાન આપીને આપણે વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી કેવી રીતે કરી શકીએ?
જવાબ: ઘર અને શાળામાં યુવાનોની મેન્ટલ હેલ્થની પણ નજીકથી દેખરેખ રાખવી જોઈએ. કાઉન્સેલરો, શિક્ષકો અને માતાપિતાએ ખાતરી કરવી જોઈએ કે તેમનું બાળક અતિશય દબાણ તો અનુભવતું નથીને? શાળામાં અને ઘરે બાળકો તેમની ચિંતાઓ વ્યક્ત કરી શકે તે મહત્ત્વનું છે. પરફેક્શનિઝમ એ બાળકો પર મૂકવામાં આવતો મોટો બોજ છે. શિક્ષકો કે માતાપિતાએ તેમને અવાસ્તવિક ધોરણોને પૂર્ણ કરવા દબાણ કરવું જોઈએ નહીં. ‘શ્રેષ્ઠ’ બનવા માટેની ઈચ્છા તેમને સફળ થવામાં મદદ કરી શકે છે અને માત્ર શિક્ષણવિદોમાં જ નહીં, પરંતુ સામાજિક અને માતા-પિતાનું દબાણ એક ઝેરી ઊર્જાનું નિર્માણ જેમાં બાળક ખીલી શકતું નથી. બાળકોએ એ સમજવું પણ અગત્યનું છે કે ગ્રેડ અને ટકાવારીનું વળગણ તેમને જ હરાવે છે. ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી ટકાવારી વિદ્યાર્થીઓને અમુક એવા વ્યવસાય તરફ લઈ જઈ શકે છે જે તેમના માટે યોગ્ય નથી. બાળકોને તેમને શું ગમે છે તે જાણ્યા વિના જ એન્જિનિયર અથવા ડૉક્ટર બને છે. સ્ટ્રેસ, ડિપ્રેશન, આત્મહત્યાના વિચારો અને આઘાત ગંભીર મુદ્દાઓ છે અને સમયસર તે સંબોધિત કરવા જોઈએ. બાળકોને એ અહેસાસ કરાવવો જોઈએ કે પરીક્ષા એ સફળતાનું અંતિમ શિખર નથી અને તે પરીક્ષા સિવાય પણ એક સુંદર જીવન તેમની રાહ જોઈ રહ્યું છે.
સવાલ: ભારતીય સમાજ માટે શિક્ષણની પશ્ચિમી શૈલી અપનાવવી તે કેટલું તાર્કિક છે? આપણું સામાજિક માળખું અને માનસિકતા જોતાં તે આપણા માટે યોગ્ય છે?
જવાબ: ભારત એ અર્થમાં ખૂબ જ અલગ દેશ છે. આપણી સંસ્કૃતિમાં ઘણી સુંદર ભાષાઓ અને સંસ્કૃતિઓ એકબીજા સાથે ભળી ગઈ છે. ભારત એક વિશાળ, બહુભાષી, વૈવિધ્યસભર રાષ્ટ્ર છે અને આપણે એક મહત્વાકાંક્ષી દેશ પણ છીએ જેને વિશ્વ સાથે તાલ મિલાવવાની જરૂર છે. આપણે શિક્ષણમાં યોગ્ય મિશ્રણની જરૂર છે જે પ્રતિબિંબિત કરે છે કે આપણે એક દેશ તરીકે કોણ છીએ અને વિદ્યાર્થીઓ સુધી પશ્ચિમી શિક્ષણના શ્રેષ્ઠ સિદ્ધાંતો પણ પહોંચડીએ. મારું એવું માનવું છે કે શાળાકીય પ્રણાલીમાં સંબંધિત બોર્ડ, યુનિવર્સિટી તેમ જ સરકારી વભાગ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે અભ્યાસક્રમ ભારતીય તેમ જ વૈશ્વિક બંને જરૂરિયાતોને અનુરૂપ છે.