ભ્રષ્ટાચારની આડમાં દબાઈ ગયેલા મુ્દ્દાઓને લઈ ભરત કાનાબારે કર્યા ટ્વિટ્સ, વડાપ્રધાન મોદીને કર્યા ટેગ

26 October, 2021 08:56 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જો દેશમાં નવો એક પણ કેસ ના નોંધાયો તો પણ જે પેન્ડિંગ કેસ છે તેના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય તેમ છે. 

ભરત કાનાબાર અને પીએમ મોદી (તસવીરઃ ટ્વિટર)

દેશમાં હજારો મુદ્દાઓ, કેસો અને સમસ્યામાંથી હાલમાં અમુક ગણ્યાગાંઠયા મુદ્દા જ પ્રકાશમાં છે અને તે મુદ્દા એટલા ચગ્યા છે કે નાની નાની સમસ્યા અને નાના મુદ્દા પર જાણે ધ્યાન જ નથી. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે આ અંગે કેટલાક ટ્વિટ કરી સવાલ ઉઠાવ્યાં છે. આ ટ્વિટમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા છે. 

ભરત કાનાબાર ભાજપના નેતા છે, તેમ છતાં તેઓ વિવિધ મુદ્દે ટ્વીટ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવતાં રહે છે. ભરત કાનાબારે ટ્વિટર પર દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓના આકંડા શેર કરી તેના પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, જો દેશમાં નવો કેસ ના નોંધાયો તો પણ જે પેન્ડિંગ કેસ છે તેના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય તેમ છે. 

એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, `વિવિધ કોર્ટમાં કુલ 4.50 કરોડ કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં જજોની 42 ટકા અને નીચલી અદાલતમાં 5 હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. કોર્ટમાં એક પણ નવો કેસ દાખલ ના થાય તો પણ અત્યારના તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ થતા 360 વર્ષ લાગી જાય તેમ છે.` આ ટ્વિટમાં તેમણે વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મીનાક્ષી લેખીને ટેગ પણ કર્યા છે. 

 આ ઉપરાંત બિસ્કમાર રસ્તાઓને લઈ પણ ડૉ. ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને ટેગ કર્યા છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ચોમાસાના ટૂંક સમયમાં જ રસ્તાના ટુકડા ટુકડા થઈ જાય છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો, અધિકારીઓ અને કેટલાક લોકસેવકોને કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણી જેમ વેડફાઈ રહ્યા છે.

 ડૉ ભરત કાનાબાર અનેક વાર આવી પ્રાથમિક સમસ્યાને લઈ સવાલ ઉઠવતાં રહે છે. પરંતુ તે માત્ર સવાલ બનીને જ ઉભા રહે છે. થોડા દિવસ પહેલા ડો. કાનાબારે લીલીયાના વર્ષો જૂના ભૂગર્ભ ગટરના પ્રશ્ને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં કાશ્મીરમાંથી 370ની કલમ અને રામ મંદિરના મુદ્દાઓનું નિરાકણ આવી ગયું પણ વર્ષોજુની લીલીયાની ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. 

ઓનલાઈન વેચાણને કારણે નાના વેપારી પર પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખી તેમણે ટ્વિટ કરી કહ્યું કે,` તહેવારોમાં ઈ-કોમર્સ કંપનીઓ - એમેઝોન, ફ્લિપકાર્ટ  - દ્વારા શરુ કરાયેલ સેલને નાના શહેરોમાંથી મળતાં ઓર્ડરો ખુબ જ વધારો થયો છે. નાના વેપારીઓને માથે હાથ દઈ રોવાનો સમય આવ્યો છે.  શું નાના વેપારીઓ  ડાયનોસોરની જેમ લુપ્ત થતી પ્રજાતિ બની જશે ?`

ઉલ્લેખનીય છે કે  ખુદ વડાપ્રધાન મોદી જેમને ફોલો કરી રહ્યાં છે  તે ડૉ. ભરત કાનાબાર ભાજપના નેતા હોવા છતાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને તેમની જવાબદારીનું ભાન કરાવતાં રહે છે. તેઓ અનેક વાર લોકોની પ્રાથમિક જરૂરિયાતોને લઈ સરકાર સામે સવાલ કરે છે. 

gujarat gujarat news bharatiya janata party narendra modi