૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમે બેભાન યુવાનનો કીમતી સામાન તેના પરિવારને આપીને પ્રામાણિકતા દાખવી

16 January, 2022 08:56 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અકસ્માતગ્રસ્ત બેભાન યુવાનને પ્રાથમિક સારવાર આપીને પાલિતાણા હૉસ્પિટલ લઈ જઈને તેની કારમાંથી મળેલા પાંચ લાખ રૂપિયા, લૅપટૉપ અને બે મોબાઇલ તેના પરિવારજનોને સોંપીને પ્રામાણિકતા સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા, લૅપટૉપ અને બે મોબાઇલ ફોન આપર રહેલા ૧૦૮ ઍમ્બ્યુલન્સના પાઇલટ જગદીશ સિંધવા (ડાબે) અને ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન હીફાભાઈ બાંભણિયા (જમણે).

ઉત્તરાયણના દિવસે સૌરાષ્ટ્રના પાલિતાણા–ભાવનગર રોડ પર થયેલા ઍક્સિડન્ટમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર અને ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યને માનવીય અભિગમ દાખવીને માનવતાની મિસાલ કાયમ કરી હતી. અકસ્માતગ્રસ્ત બેભાન યુવાનને પ્રાથમિક સારવાર આપીને પાલિતાણા હૉસ્પિટલ લઈ જઈને તેની કારમાંથી મળેલા પાંચ લાખ રૂપિયા, લૅપટૉપ અને બે મોબાઇલ તેના પરિવારજનોને સોંપીને પ્રામાણિકતા સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 
૧૦૮ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સના ભાવનગર જિલ્લાના પ્રોગ્રામ-મૅનેજર ચેતન ગાધેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવનગરથી પાલિતાણા જતા માર્ગ પર સોનગઢ નજીક ટોડી ગામ પાસે એક ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. એ કારમાં ભાવનગરના ૩૨ વર્ષના એક યુવક અક્ષયરાજસિંહ ગોહિલ ઈજા પામ્યો હોવાના મેસેજ ૧૦૮ને મળતાં પાલિતાણાથી ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાર લૉક થઈ ગઈ હતી અને યુવક એમાં ફસાયો હતો. એટલે ૧૦૮ ઍમ્બ્યુલન્સના પાઇલટ જગદીશ સિંધવા અને ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન હીફાભાઈ બાંભણિયાએ કારનું પતરું કાપીને તેને બહાર કાઢ્યો હતો. 
તેને માથામાં ઈજા હતી એટલે 
ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપીને પાલિતાણાની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. 
જગદીશ સિંધવા અને હીફાભાઈ બાંભણિયાને કારમાંથી પાંચ લાખ રૂપિયા, બે મોબાઇલ, લૅપટૉપ અને દસ્તાવેજ મળી આવ્યાં હતાં એ સાથે લઈ લીધાં હતાં અને તેના પરિવારજનોનો સંપર્ક કરીને હૉસ્પિટલ બોલાવ્યા હતા. અક્ષયરાજસિંહ ગોહિલના પરિવારજનો હૉસ્પિટલ આવ્યા ત્યારે જગદીશભાઈ અને હીફાભાઈએ તેમના પરિવારજનોને કારમાંથી મળેલી વસ્તુઓ સહિત પાંચ લાખ રૂપિયા સોંપી દીધા હતા.’ 
જગદીશ સિંધવા અને હીફાભાઈ બાંભણિયાએ કારમાંથી મળેલી વસ્તુઓ પરિવારજનોને પાછી સોંપીને પ્રામાણિકતા સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 
આ બન્ને કર્મચારીઓના સરાહનીય કાર્યની નોંધ લઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને બિરદાવ્યા હતા.

gujarat gujarat news ahmedabad shailesh nayak