04 January, 2026 10:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીઓ.
તમે સેલિબ્રિટીને પૉર્નોગ્રાફી વિડિયો મોકલવામાં તેમ જ મની-લૉન્ડરિંગ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાથી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં તમારી સામે ફરિયાદ નોંધાઈ છે એવો નિવૃત્ત પ્રોફેસરને ફોન કરીને તેમને ડિજિટલ અરેસ્ટ કરીને ૭,૧૨,૮૪,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરનાર અમદાવાદ અને સુરતના ૧૨ આરોપીઓની ગૅન્ગને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. પકડાયેલા આરોપીઓ કંબોડિયા ખાતેથી સાઇબર ક્રાઇમ માટેનાં કૉલ-સેન્ટર ચલાવતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગૅન્ગ સાથે સંકળાયેલા હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી બોલું છું એમ કહીને અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર પર ફોન આવ્યો હતો. આ બનાવટી અધિકારીએ કૉલ કરીને તમે મની-લૉન્ડરિંગ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો અને એ બાબતે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે એવું જણાવીને નિવૃત્ત પ્રોફેસરને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી બૅન્ક-અકાઉન્ટની માહિતી મેળવી લીધી હતી. નિવૃત્ત પ્રોફેસરને ૧૬થી ૨૬ ડિસેમ્બર દરમ્યાન ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આરોપીઓએ ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થવા માટે તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)માં વેરિફિકેશન કરવા માટે બૅન્ક-અકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા જણાવીને વેરિફિકેશન બાદ નાણાં પરત કરવામાં આવશે એવો ભરોસો આપીને ધીરે-ધીરે ૭,૧૨,૮૪,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. એ પછી પૈસા પરત કર્યા નહોતા એટલે નિવૃત્ત પ્રોફેસરે અમદાવાદ શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ થતાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ બે ટીમોએ અમદાવાદ અને સુરતમાં તપાસ હાથ ધરી હતી જેમાં અમદાવાદમાંથી પાંચ અને સુરતમાંથી ૭ એમ કુલ ૧૨ આરોપીઓની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી ૧,૭૩,૦૦૦ રૂપિયા રોકડા તેમ જ ૧૬ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આ આરોપીઓ મોટી ઉંમરના નાગરિકોને ફોન કરીને ડરાવી-ધમકાવીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તથા ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપતા હતા તથા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવણી હોવાનું જણાવીને ડિજિટલ અરેસ્ટના નામે પૈસા પડાવતા હતા એવી વિગતો તપાસમાં બહાર આવી છે. આરોપીઓ એકથી ૧૦ ટકા કમિશન લઈને કામ કરતા હતા.