ગુજરાતના ૧૦૮ તાલુકાઓમાં ૩૧ મિલીમીટર સુધી કમોસમી વરસાદ

02 December, 2021 10:38 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ગઈ કાલે દક્ષિણ – મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં માવઠું થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ભરશિયાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ ગઈ કાલે સર્જાયો હતો. સાંજે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૦૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૩૧ મિલીમીટર એટલે કે સવા ઇંચ જેટલો તેમ જ ખાંભા અને ઉનામાં એક-એક ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી મગફળી, ઘઉં, કપાસ સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતમાં ગઈ કાલે દક્ષિણ – મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં માવઠું થયું હતું. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના ૧૦૮ તાલુકાઓમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યા સુધીમાં ૧ મિલીમીટરથી ૩૧ મિલીમીટર કમોસમી વરસાદ પડ્યો હતો. ગુજરાતના સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં હળવાંથી ભારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતા. કમોસમી વરસાદના કારણે મહુવા, ભાવનગર સહિતના એપીએમસીઓમાં મગફળી, ડુંગળી સહિતના પાકની ગૂણીઓ પલળી ગઈ હતી. ગુજરાતમાં એક તરફ વરસાદ પડતા તેમ જ બીજી તરફ ઠંડોગાર પવન વાતા નાગરિકો ઠૂંઠવાઈ ગયા હતા.
આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

gujarat gujarat news Gujarat Rains