13 September, 2025 09:41 AM IST | Bhuj | Shailesh Nayak
સામખિયાળી ટોલનાકા પાસે ટ્રકો થંભી ગઈ હતી
ગુજરાતમાં બિસમાર રસ્તાને લઈને લોકો ભારે પરેશાની વેઠી રહ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષથી કચ્છના ખરાબ માર્ગોથી કંટાળીને ઑલ ટ્રાન્સપોર્ટ અસોસિએશન, કચ્છ દ્વારા ગઈ કાલે કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ટોલનાકા પાસે નો રોડ, નો ટોલનાં પ્લૅકાર્ડ્સ સાથે ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, નૅશનલ હાઇવેના સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ કચ્છમાં ખરાબ રોડની હાલત ન સુધરતાં નાછૂટકે કચ્છના ટ્રાન્સપોર્ટ અસોસિએશને આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે જેને કારણે ગઈ કાલે ૩૫,૦૦૦ જેટલી ટ્રકોનાં પૈડા થંભી ગયાં હતાં. ટ્રક અસોસિએશનના આંદોલનને ગાંધીધામ ચેમ્બર ઑફ કૉર્મસે ટેકો જાહેર કર્યો છે.
સામખિયાળી ટોલનાકા પાસે ટ્રક અસોસિએશને નો રોડ, નો ટોલનાં પ્લૅકાર્ડ્સ સાથે દેખાવો યોજ્યા હતા અને બિસમાર માર્ગો સામે વિરોધ કર્યો હતો
ઑલ ટ્રાન્સપોર્ટ અસોસિએશન, કચ્છના નો રોડ, નો ટોલ કમિટીના કન્વીનર ભગીરથસિંહ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૂરજબારીથી મુન્દ્રા સુધીનો રોડ, વારાહી–સાંતલપુરથી આડેસર અને ભુજ સુધીના રોડ બિસમાર છે. છેલ્લા એક વર્ષથી આ તકલીફ છે. એક વર્ષ પહેલાં નૅશનલ હાઇવેના સત્તાવાળાઓ સમક્ષ ખરાબ રોડના મુદ્દે રજૂઆત કરી હતી કે ચોમાસા પહેલાં રોડ રિપેર કરી આપશો, પરંતુ હજી પણ માર્ગો બિસમાર હાલતમાં છે. કચ્છમાં પાંચ ટોલનાકાં આવેલાં છે જ્યાંથી દરરોજ કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ રસ્તા ખરાબ છે. ખરાબ રસ્તાઓને લઈને કચ્છનાં જુદાં-જુદાં ૧૫ જેટલાં ટ્રક અસોસિએશનોએ એકઠાં થઈને સામખિયાળી ટોલનાકા પાસે નો રોડ, નો ટોલની માગણી સાથે ધરણાં-પ્રદર્શન કર્યું હતું. અસોસિએશનની આશરે ૩૫,૦૦૦ જેટલી ટ્રકોને સાઇડમાં ઊભી કરી દેવામાં આવી છે. બાકીનાં વાહનોને જવા દેવામાં આવે છે. અસોસિએશનોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી ટોલ નહીં આપીએ અને જ્યાં સુધી સંતોષકારક રોડ નહીં બને ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.’
સામખિયાળી ટોલનાકા પાસે ટ્રક અસોસિએશનના હોદ્દેદારોએ ધરણાં યોજીને વિરોધ-પ્રદર્શન કરીને સારા રસ્તા આપવાની માગણી કરી હતી
ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ મહેશ પુજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રક અસોસિએશનના આંદોલનને ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સે ટેકો જાહેર કર્યો છે. કચ્છમાં આવેલાં જુદાં-જુદાં ટોલનાકાં પરથી રોજ આશરે ૪ કરોડ રૂપિયા જેટલી ટોલની આવક છે, પરંતુ કચ્છમાં રોડની હાલત ખરાબ છે. ખરાબ રોડને કારણે ટ્રકો સહિતનાં વાહનો ચલાવવામાં ધ્યાન રાખવું પડે છે. એક વર્ષથી રોડની હાલત ખરાબ છે અને નૅશનલ હાઇવેના સત્તાવાળાઓ ટોલ લે છે પણ રોડ ખરાબ છે. રોડ પરથી વાહન સારી રીતે પસાર થાય એવા રોડ કરવા જોઈએ.’