02 November, 2024 09:22 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પાંચ હજાર લોકોએ ૬૦ મિનિટમાં અઢી લાખ સીડબૉલ બનાવીને રેકૉર્ડ રચ્યો હતો.
મધ્ય ગુજરાતના વાસદમાં ગઈ કાલે પાંચ હજાર લોકોએ ૬૦ મિનિટમાં અઢી લાખ સીડબૉલ બનાવીને રેકૉર્ડ રચ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આર્ટ ઑફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં પર્યાવરણ ક્ષેત્રે અનોખી પહેલ કરવામાં આવી હતી અને આ રેકૉર્ડ માટે વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સના પ્રતિનિધિએ સર્ટિફિકેટ આપ્યું હતું.
આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા સીડ ધી અર્થ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર લોકોએ સીડબૉલ એટલે કે વૃક્ષ વાવવા માટેનાં બીજના ગોળા તૈયાર કરીને હરિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે કહ્યું હતું કે ‘રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગના કારણે ધરતીમાતા બિનઉપજાઉ બની છે. પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી, અેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌમાતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો માનવજાતને મળી રહેશે.’
આર્ટ ઑફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે ‘સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. દેશી બીજને બચાવવાં એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે બનાવવામાં આવેલા સીડબૉલ દ્વારા આપણે ધરતીમાં બીજરોપણ કરી પર્યાવરણની જાળવણી માટેનું કાર્ય કરવાનું છે. બીજમાં અવ્યક્ત રહેલા વૃક્ષને બીજરોપણ દ્વારા વ્યક્ત કરવાનું કાર્ય શ્રેષ્ઠતમ કાર્ય છે.’