ગુજરાતના પશુધનને લમ્પીનો ભરડો, એક પછી એક ૨૦ જિલ્લાઓને લપેટમાં લીધા

02 August, 2022 08:21 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

૨૦ જિલ્લાનાં અસરગ્રસ્ત ૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ, ૧૪૩૧ પશુઓનાં મૃત્યુ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રોગચાળાની કરી સમીક્ષા, રોગને નિયંત્રણમાં લેવા માટે ટાસ્ક ફોર્સની કરાઈ રચના

લમ્પી રોગચાળાને કારણે કચ્છમાં ગાયોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે

ગુજરાતના પશુધનને લમ્પી રોગે ભરડો લીધો છે. ધીરે-ધીરે લમ્પી રોગે એક પછી એક ગુજરાતના વીસ જિલ્લાઓને લપેટમાં લીધા છે, જેના કારણે ગુજરાતના પશુપાલકો અને તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ગુજરાતના ૨૦ જિલ્લાનાં અસરગ્રસ્ત ૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ થયો છે એટલું જ નહીં, અત્યાર સુધીમાં આ રોગના કારણે ૧૪૩૧ પશુઓનાં મૃત્યુ થયાં છે. લમ્પી રોગના વધતા જતા વ્યાપને કારણે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે રોગચાળા વિશે સમીક્ષા કરી હતી અને આ રોગને નિયંત્રણમાં લેવા માટે ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લમ્પી રોગે કેર વર્તાવ્યો છે. આ રોગના કારણે કચ્છ, જામનગર સહિત ગુજરાતના જિલ્લાઓમાં એક પછી એક ગાયોમાં લમ્પી રોગ ફેલાઈ રહ્યો છે અને પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે. કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં પશુ ડમ્પિંગ સાઇટ પર ગાયોના મૃતદેહ રઝળતા જોઈને પશુપાલકો અને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ગુજરાતના પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે ગઈ કાલે લમ્પી રોગના સંદર્ભમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને સારવાર, માર્ગદર્શન માટે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા સાથે કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કિન ડિસીઝના કેસ જોવા મળ્યા છે. આ ૨૦ જિલ્લાઓનાં અસરગ્રસ્ત ૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝના કેસ જોવા મળ્યા છે. આ તમામ પશુઓને સારવાર અપાઈ છે. અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે કુલ ૧૪૩૧ પશુઓનાં મૃત્યુ થયાં છે. નીરોગી પશુઓમાં આ રોગનો ફેલાવો ન થાય એ માટે અત્યાર સુધીમાં ૮.૧૭ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. ૨૦ જિલ્લાઓમાં ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરીક્ષકો દ્વારા અમસગ્રસ્ત ગામોમાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુદ્ધના ધોરણે પૂરી કરવા ગુજરાતની વેટરિનરી કૉલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત ૧૦૭ સભ્યો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી દ્વારા કચ્છ જિલ્લામાં ૧૭૫, જામનગર જિલ્લામાં ૭૫ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫૦ સભ્યો મોકલીને રસીકરણની કામગીરી કરાવવામાં આવશે.’

લમ્પી રોગ માટે થઈને ગુજરાત સરકારે હેલ્પલાઇન શરૂ કરી છે, જેમાં છેલ્લા આઠ દિવસમાં ૨૧,૦૨૬ કૉલ્સ આવ્યા છે એટલે કે રોજના સરેરાશ ૨૧૦૦થી વધુ ફોન કૉલ્સ લમ્પી ડિસીઝ માટે આવી રહ્યા છે.

કચ્છમાં લમ્પીગ્રસ્ત ગાયને સારવાર આપવામાં આવી રહી છે

કચ્છ જિલ્લામાં અબડાસા, લખપત, ભુજ, ભચાઉ, માંડવી અને મુન્દ્રામાં પશુઓ વધુ અસર પામેલાં છે. કચ્છ જિલ્લામાં ૩૭ હજારથી વધુ પશુઓ અસરગ્રસ્ત છે. ૪૯ હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ છે અને બે લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. ગૌશાળા – પાંજરાપોળોમાં ૪૬ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. વેટરિનરી કૉલેજના અંતિમ વર્ષના ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓને પણ કચ્છમાં રસીકરણની કામગીરીમાં જોડવામાં આવશે.

37000
કચ્છ જિલ્લામાં આટલાં પશુઓ અસરગ્રસ્ત છે તેમ જ અનેક પશુઓની સારવાર કરવામાં આવી છે. 

gujarat gujarat news bhupendra patel gujarat cm shailesh nayak