09 November, 2024 11:49 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
અંબાજી પોલીસે આરોપીનું જાહેર કરેલું પોસ્ટર.
ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ગબ્બર નજીક ૧૫ વર્ષની સગીર છોકરીના મોઢામાં ડૂચો મારી ૬ યુવકો ગૅન્ગ-રેપ કરીને તેને અર્ધબેભાન હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. સોમવારે બનેલી આ ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા અંબાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, અંબાજી પોલીસે મુખ્ય આરોપી લાલા પરમારનાં ફોટો સાથેનાં પોસ્ટર બહાર પાડીને તેને મોસ્ટ વૉન્ટેડ જાહેર કર્યો છે.
૪ નવેમ્બરે સગીરા તેના રિલેટિવને ત્યાં જવા માટે ગબ્બર સર્કલ પાસે ઊભી હતી એ વખતે તેને ઓળખતો એક યુવાન આવ્યો હતો અને બાઇક પર બેસાડીને ગબ્બરથી બે ત્રણ કિલોમીટર દૂર છાપરી રોડ તરફ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં સગીરા પર ૬ યુવકોએ વારાફરતી બળાત્કાર કર્યો હતો. સગીરા બૂમો ન પાડે એ માટે તેના મોઢામાં ડૂચો મારી દેવાયો હતો. આ જઘન્ય ઘટના વિશે સગીરાની માતાએ અંબાજી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
અંબાજી પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડાટાકણી ખાતે રહેતા આ કેસના મુખ્ય આરોપી લાલા નાના પરમારને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરીને તેનાં પોસ્ટર બહાર પાડ્યાં છે અને કોઈને પણ આ ઇસમ દેખાય તો અંબાજી પોલીસને જાણ કરવા જણાવ્યું છે.’