03 June, 2026 07:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીની સફાઈ માટે લોકો ઊમટ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા ગઈ કાલથી સાબરમતી નદીને ચોખ્ખીચણક કરવા માટે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો આરંભ થયો હતો. સવારે સાતથી ૯ વાગ્યા દરમ્યાન અમદાવાદના અંદાજે ૭૫૦૦થી વધુ નાગરિકો સફાઈ-અભિયાનમાં જોડાયા હતા અને સાબરમતી નદીના પટમાંથી અંદાજે ૬૮ ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. આ મહાઅભિયાન પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલશે.
ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન હૃષીકેશ પટેલ, રાજ્યકક્ષાનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં પ્રધાન દર્શના વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહ સહિતના હોદ્દેદારોએ સાબરમતી નદીના પટમાં ઊતરીને સફાઈકામ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ, ૩૦થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના લોકો, વિદ્યાર્થીઓ સહિત શહેરના નાગરિકો સાબરમતી નદીના પટને સ્વચ્છ કરવા માટે સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. સૌએ સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે નદીના પટમાંથી પાણીની બૉટલો સહિત પ્લાસ્ટિકનો કચરો, ચૂંદડીઓ, ઘરગથ્થુ કચરો બહાર કાઢ્યો હતો.