16 July, 2026 09:45 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
ડાંગમાં હનુમાનના મંદિરનું લોકાર્પણ થયું હતું.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં હનુમાનનાં મંદિરોના નિર્માણકાર્યનું અભિયાન ચાલી રહ્યું છે. એમાં સુબીર તાલુકામાં વધુ ૮ હનુમાન મંદિરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુબીર તાલુકામાં આવેલા વાડિયાવન, હનવંતઘોડી, ઝરી, આહિરપાડા, જામન્યા, માળગા, ખાજૂર્ણા અને બીરજુપાડા ગામે ભક્તિભાવભર્યા માહોલમાં હનુમાનજીનાં મંદિરોનું લોકાર્પણ થયું હતું. ૮ ગામમાં દાતા પરિવારો દ્વારા ડાંગી પરંપરા મુજબ સ્વાગત, આરતી, હનુમાન ચાલીસાના સમૂહપાઠ કરવામાં આવ્યાં હતાં. મંદિરના નિર્માણનો સંકલ્પ લેનાર દાતા ગોવિંદ ધોળકિયાએ આવાં શુભ કાર્યોમાં પરમાત્માએ નિમિત્ત બનાવ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. લોકાર્પણ પ્રસંગે ૮ ગામમાં શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત રાતે ભજન-કીર્તનના કાર્યક્રમનું તેમ જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાનાં તમામ ૩૧૧ ગામોમાં હનુમાનજીનાં મંદિરોના નિર્માણનું અભિયાન ચાલી રહ્યું છે. એમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે.