16 January, 2026 09:55 AM IST | Ambaji | Gujarati Mid-day Correspondent
ત્રિશૂળિયા ઘાટ ખાતે ૧૬ ફીટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવશે
ઉત્તર કાશીમાં આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂળ પરથી પ્રેરણા મેળવીને ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી પાસે આવેલા વિશ્વપ્રસિદ્ધ ત્રિશૂળિયા ઘાટ ખાતે ૧૬ ફીટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવશે.
ઉત્તર કાશીમાં વિશ્વનાથ મંદિર નજીક ભાગીરથી નદીના કિનારે આદ્યશક્તિનું અખંડ શક્તિ ત્રિશૂળ આવેલું છે. ત્રિશૂળથી મહિષાસુરનો માતાજીએ સંહાર કર્યો હતો. ત્રિશૂળ આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે ત્યારે આ ત્રિશૂળની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા આ ત્રિશૂળનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઉત્તર કાશી ગયા હતા ત્યારે ત્રિશૂળ જોયું હતું. તપાસ કરતાં ખબર પડી હતી કે આ ત્રિશૂળ ૧૫૦૦ વર્ષ જૂનું છે. આ ત્રિશૂળ પરથી ત્રિશૂળ બનાવવાની પ્રેરણા મળી હતી. આ માટે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન મિહિર પટેલનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે વાત કરીને ત્રિશૂળ બનાવવા માટે આગળ વધ્યા હતા. અંબાજી જતાં ત્રિશૂળિયો ઘાટ આવે છે ત્યાં આ ત્રિશૂળને સ્થાપિત કરવાનું આયોજન થયું છે. આ ત્રિશૂળ બનાવતાં ચાર મહિનાનો સમય લાગ્યો છે અને ૩૦ કારીગરો દ્વારા આ ત્રિશૂળનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેનલસ સ્ટીલમાંથી ત્રિશૂળ બનાવ્યું છે અને એના પર ગોલ્ડન કોટિંગ કરવામાં આવ્યું છે.’
ત્રિશૂળિયા ઘાટનું મહત્ત્વ
અંબાજી નજીક પહાડોની વચ્ચે ત્રિશૂળિયા ઘાટ આવ્યો છે. અંબાજી પગપાળા જતાં પદયાત્રીઓ માટે ત્રિશૂળિયો ઘાટ એક પડાવ છે અને એનું એક વિશેષ મહત્ત્વ છે. આ ઘાટ ચડાણવાળો અને પડકારજનક છે. આ સ્થળે માતાજીની કૃપા હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્રિશૂળિયા ઘાટ પર વિશાળ ત્રિશૂળની સ્થાપના કરીને યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિની ભાવના વિકસે એ હેતુ છે.