આણા માટે જઈ રહેલા પરિવારના સભ્યો કાળનો કોળિયો બની ગયા

23 April, 2026 10:20 AM IST  |  valsad | Gujarati Mid-day Correspondent

દક્ષિણ ગુજરાતમાં કપરાડા તાલુકાના વીરક્ષેત્રમાં ડ્રાઇવરે સ્ટીઅરિ‍‍ંગ પરથી કાબૂ ગુમાવ્યો એને પગલે પિક-અપ વૅન પલટી ખાઈ ગઈ, આઠ વ્યક્તિનાં મોત

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર પાસે ગઈ કાલે ગોઝારો અકસ્માત થયો હતો. મુસાફરોને લઈને જતી પિક-અપ વૅન પલટી મારી જતાં ૮ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની કરુણતા એ હતી કે દીકરીના આણા માટે જઈ રહેલા પરિવારના સભ્યો પણ આ ઘટનામાં કાળનો કોળિયો બની જતાં આખા પંથકમાં શોકની કાલિમા છવાઈ જવા સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી.  

કપરાડા તાલુકાના ગિરનારાથી વીરક્ષેત્ર તરફ જતી પિક-અપ વૅન ઘાટમાં ઢાળ ચડી રહી હતી એ સમયે અચાનક પિક-અપ વૅનના ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં વૅન પલટી મારી જતાં ગંભીર અકસ્માત થયો હતો. કહેવાય છે કે આ પિક-અપ વૅનમાં ૨૮ જેટલા લોકો બેઠા હતા. વૅન પલટી મારી જતાં એમાં બેઠેલા લોકોમાં ચીસાચીસ અને બુમરાણ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે ઍમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક કપરાડા હૉસ્પિટલમાં અને ગંભીર રીતે ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પિક-અપ વૅનમાં એક ફૅમિલીના સભ્યો પણ બેઠા હતા. તેઓ દીકરીના આણા પ્રસંગે ગિરનારાથી વીરક્ષેત્ર જઈ રહ્યા હતા. આ પરિવારનાં સગાંસંબંધીઓ પણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. વૅન પલટી ખાઈ જતાં પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો.

gujarat news gujarat valsad road accident Gujarat Crime