12 July, 2026 09:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સ્પીડ-ટ્રાયલનું નિરીક્ષણ કરી રહેલા અધિકારીઓ.
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ બહુચરાજી જવા માટે માઈભક્તોને ટૂંક સમયમાં રેલવે-સુવિધા ઉપલબ્ધ થશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કટોસણ રોડ–બહુચરાજી–રણુજ વચ્ચેના ૬૩ કિલોમીટરના બ્રૉડગેજ રેલવે-ટ્રૅક પર સફળતાપૂર્વક સુરક્ષા-નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રેલવે-ટ્રૅક પર પહેલી વાર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ-ટ્રાયલ કરવામાં આવી હતી. અંતિમ મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં મુસાફરો માટે આ ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવશે.
બહુચરાજી યાત્રાધામમાં દર વર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને અે સમયના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બરોડા રેલવેનો વિસ્તાર બહુચરાજી સુધી કરાવ્યો હતો. જોકે લાંબા સમય સુધી બહુચરાજી વિસ્તાર રેલસંપર્કથી વંચિત રહ્યો હતો, પરંતુ આ પરિયોજના પૂરી થતાં હવે આ વિસ્તારનો આધુનિક રેલવે નેટવર્ક સાથે જોડવાનો માર્ગ મોકળો થયો છે.
૧૦૦૦ કરોડના ખર્ચે પરિયોજનાનું નિર્માણ
કટોસણ રોડ-બહુચરાજી-રણુજ ગેજ પરિવર્તન પરિયોજનાને વર્ષ ૨૦૧૭માં મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે ૧૦૦૦ કરોડના ખર્ચે આ પરિયોજનાનું નિર્માણ ભારતીય રેલવે અને ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ રેલવે લાઇનમાં ૧૪ રેલવે-સ્ટેશન, ૯ મોટા બ્રિજ, ૧૦૦ નાના બ્રિજ તેમ જ ૪૭ રોડ અન્ડરબ્રિજ વિકસાવ્યા છે.