24 December, 2025 07:53 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરત ઍરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલાં એક મહિલા અને પુરુષ.
બૅન્ગકૉકથી સુરત આવેલી ફ્લાઇટમાં બૅગના ગુપ્ત ખાનામાં ૬ કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો લઈને સુરત ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરેલાં એક મહિલા અને એક પુરુષને સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ ઝડપી લીધા હતા તેમ જ તેમના અન્ય એક સાગરીતને સુરત શહેરમાંથી ઝડપી લઈને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ-રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેન્નઈમાં રહેતા મોહમ્મદ ઇકબાલ અહમદ ખાન અને રાસિયા અબ્દુલ કપૂર બૅન્ગકૉકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને સુરત આવી રહ્યા છે. આ બાતમીના આધારે સોમવારે મોડી સાંજથી ક્રાઇમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF), ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ ઍરપોર્ટ પર ચાંપતી નજર રાખી હતી. દરમ્યાન બૅન્ગકૉકથી ફ્લાઇટ આવી અને મોહમ્મદ ઇકબાલ અહમદ ખાન તથા રાસિયા અબ્દુલ કપૂર બહાર આવતાં પોલીસે તેમની અટકાયત કરીને લગેજ ટ્રૉલી-બૅગની તપાસ કરતાં એમાં ઉપર અને નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાં છુપાવેલો ૬,૧૮,૦૩,૦૦૦ રૂપિયાની કિંમતનો ૧૭ કિલો ૬૫૮ ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બન્ને સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ઍરપોર્ટ પરથી પકડાયેલા બે આરોપીઓ પાસેથી ગાંજો લેવા આવનાર તામિલનાડુના થિરુવલ્લુવરનગરમાં રહેતા તમીમ ઇબ્રાહિમ અન્સારીની પણ સુરતમાંથી ધરપકડ કરી હતી; જ્યારે બૅન્ગકૉકમાં રહેતા મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમને વૉન્ટેડ આરોપી જાહેર કર્યા છે.
આરોપીઓ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે કૅરિયર તરીકે કામ કરતા હતા. આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ છે. તેઓ છેલ્લાં બે-અઢી વર્ષથી ગેરકાયદે બૅન્ગકૉકથી હાઇબ્રિડ ગાંજો ભારતમાં અલગ-અલગ શહેરોમાં તેમના કૅરિયર દ્વારા ઘુસાડતા હતા.