Gujarat: AAP કાર્યાલય પર રેડ, પોલીસે કહ્યું અમે નથી પાડી, કેજરીવાલ ભાજપ પર અકળાયા

12 September, 2022 12:10 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ટ્વિટ કરી આક્ષેપ કર્યો છે કે કેજરીવાલના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ગુજરાત પોલીસે રેડ પાડી. તેમણે કહ્યું કે પોલીસે બે કલાક સુધી તપાસ કરી અને પછી જતી રહી.

અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ખુબ સક્રિય છે. ગુજરાતને ભાજપનો ગઢ કહેવામાં આવે છે, પરંતુ અહીં આપ પાર્ટી સત્તામાં આવવા માટે પુરજોશ લગાવી મહેનતકરી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ટ્વિટ કરી આક્ષેપ કર્યો છે કે કેજરીવાલના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ગુજરાત પોલીસે રેડ પાડી. તેમણે કહ્યું કે પોલીસે બે કલાક સુધી તપાસ કરી અને પછી જતી રહી. કંઈ મળ્યુ નહીં તો કહ્યું કે પછી ફરી આવીશું.  જો કે, આના પર સ્પષ્ટતા આપતાં પોલીસે કહ્યું કે તેમણે આપની કર્યાલય ઓફિસ પર રેડ નથી પાડી, તેમને આ ઘટનાની જાણકારી પાર્ટીના ટ્વિટ દ્વારા થઈ છે. 

કેજરીવાલે આપી પ્રતિક્રિયા

અમદાવાદ સ્થિત પાર્ટીના કાર્યાલય પર રેડના સંદર્ભે અરવિંદ કેજરીવાલે કહ્યું કે `ગુજરાતની જનતાનું સમર્થન જોઈને ભાજપ અકળાઈ ગઈ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ રેડ પાડવાનું શરુ કરી દીધું છે. દિલ્હીમાં પણ કંઈ ન મળ્યુ અને ગુજરાતમાં પણ કંઈ ન મળ્યુ. અમે કટ્ટર અને પ્રમાણિક લોકો છીએ.`


આ ઘટના અંગે પોલીસે શું કહ્યું?

જો કે, એક પોલીસ અધિકારીએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે AAP કાર્યકર્તાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ દરોડા કોણે પાડ્યા હતા અને ખરેખર શું થયું હતું તે અંગે કોઈ માહિતી આપી ન હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.કે.પટેલે આ દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે આવા કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી. પટેલે જણાવ્યું હતું કે, "દરોડ અંગે ગઢવીના ટ્વીટની માહિતી મળ્યા બાદ, હું વ્યક્તિગત રીતે રવિવારે રાત્રે પાર્ટી ઓફિસ પર ગયો હતો અને વિગતો માંગી હતી. પરંતુ ત્યાં હાજર યજ્ઞેશ નામના વ્યક્તિ સહિતના પક્ષના નેતાઓએ ગઢવીના દાવા પ્રમાણે કોણ આવ્યું હતું અને ખરેખર શું થયું તેની કોઈ વિગતો આપી ન હતી.

અમદાવાદમાં કેજરીવાલની આજની બેઠકનો રાઉન્ડ
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. સોમવાર-મંગળવારે તેઓ ટાઉન હોલમાં ઓટો-રિક્ષા ચાલકો, વેપારીઓ, વકીલો અને સફાઈ કામદારો સાથે બેઠક યોજવાના છે. કેજરીવાલ સોમવારે અહીં ત્રણ બેઠકોમાં ભાગ લેશે જ્યાં તેઓ ઓટો ડ્રાઈવરો, વેપારીઓ અને વકીલો સાથે વાતચીત કરશે. મંગળવારે તેઓ સફાઈ કામદારો સાથે બેઠક કરશે. તેઓ AAPના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે પણ ચર્ચા કરશે અને અમદાવાદમાં પાર્ટીમાં નવા સભ્યોનું સ્વાગત કરશે.

 

 

 

 

gujarat news aam aadmi party arvind kejriwal gujarat politics