આચાર્ય રણછોડલાલજીને હવેલી સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સન્માન

12 June, 2026 07:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આચાર્યશ્રી રણછોડલાલજી માત્ર એક વિખ્યાત ધાર્મિક ગુરુ જ નથી, પરંતુ તેઓ શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસકર્તા, સંગીતવિદ્ (મ્યૂઝિકોલોજિસ્ટ), વાગ્ગેયકાર, રચનાકાર અને સંગીત સમીક્ષક તરીકે પણ જાણીતા છે.

આચાર્ય શ્રી રણછોડલાલજીની તસવીરોનો કૉલાજ

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી દ્વારા વર્ષ 2024-25 માટેના પ્રતિષ્ઠિત સંગીત નાટક અકાદમી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રાયોગિક કળાઓના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારી પ્રતિભાઓને આ પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે 40 વર્ષથી ઓછી વયના યુવા કલાકારો માટે આપવામાં આવતા પ્રતિષ્ઠિત "ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર" માટે ગુજરાતના અમદાવાદ સ્થિત દોશીવાડાની પોળની ઐતિહાસિક ગોસ્વામી હવેલીના આચાર્યશ્રી રણછોડલાલજીની પસંદગી કરવામાં આવી છે.

હવેલી સંગીત ક્ષેત્રે તેમના નોંધપાત્ર અને અનન્ય યોગદાનને માન્યતા આપતાં તેમને આ રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આચાર્યશ્રી રણછોડલાલજી માત્ર એક વિખ્યાત ધાર્મિક ગુરુ જ નથી, પરંતુ તેઓ શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસકર્તા, સંગીતવિદ્ (મ્યૂઝિકોલોજિસ્ટ), વાગ્ગેયકાર, રચનાકાર અને સંગીત સમીક્ષક તરીકે પણ જાણીતા છે. પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતની પરંપરાને જાળવી રાખવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા માટે તેમણે અસાધારણ કાર્ય કર્યું છે.

તેમની સૌથી વિશિષ્ટ સિદ્ધિઓમાં હવેલી સંગીતના 22,000થી વધુ પદોની રચનાનો સમાવેશ થાય છે, જે પોતે જ એક દુર્લભ અને ઐતિહાસિક ઉપલબ્ધિ માનવામાં આવે છે. સંગીત અને ભક્તિના આ સમન્વયને તેમણે પોતાની સર્જનાત્મકતા અને સંશોધનાત્મક દૃષ્ટિ દ્વારા નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે. આ ઉપરાંત તેમના દ્વારા સંગીત અને પુષ્ટિમાર્ગ સંબંધિત આઠ મહત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન પણ કરવામાં આવ્યું છે, જે સંશોધકો અને સંગીતરસિકો માટે મૂલ્યવાન સાહિત્ય તરીકે ગણાય છે.

શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં હવેલી સંગીત કોર્સના નિષ્ણાત તરીકે તેમણે સેવા આપી છે અને આ પ્રાચીન સંગીત પરંપરાના સંવર્ધન તથા પ્રસાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે જ્યારે અનેક પરંપરાગત કલા સ્વરૂપો લુપ્ત થવાના આરે છે, ત્યારે હવેલી સંગીત જેવી દુર્લભ અને આધ્યાત્મિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે તેમના પ્રયાસો પ્રશંસનીય ગણાય છે.

માત્ર 32 વર્ષની નાની ઉંમરમાં આચાર્યશ્રી રણછોડલાલજીએ જે ઊંચાઈ હાંસલ કરી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. તેમની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને મળેલું આ રાષ્ટ્રીય સન્માન યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ બનશે.

વિશેષ નોંધનીય બાબત એ છે કે પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને પ્રથમ વખત સંગીત નાટક અકાદમી દ્વારા આ પ્રકારની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. આથી માત્ર આચાર્યશ્રી રણછોડલાલજી જ નહીં, પરંતુ સમગ્ર હવેલી સંગીત પરંપરા અને વૈષ્ણવ સમાજ માટે પણ આ ગૌરવની ક્ષણ બની છે.

આ સન્માનની જાહેરાત બાદ સંગીતરસિકો, સંશોધકો તેમજ વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. સૌનું માનવું છે કે આ માન્યતા હવેલી સંગીતના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે નવા દ્વાર ખોલશે અને આવનારી પેઢીઓને આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પ્રેરણા આપશે.

ahmedabad gujarat news gujarat new delhi delhi news culture news