બે વર્ષ બાદ આજે હર્ષોલ્લાસ સાથે ઊજવાશે જન્માષ્ટમી પર્વ

19 August, 2022 08:38 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠમાં ઉજવણી માટે થનગનાટ

ગુજરાતના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરની ફાઇલ તસવીર

 બે વર્ષના અંતરાલ બાદ આજે ગુજરાતનાં કૃષ્ણમંદિરોમાં હર્ષોલ્લાસ સાથે  જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે. કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી માટે દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં તેમ જ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભાવિકો જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભારે ઉત્સુક છે. કોરોનાના કારણે બે વર્ષથી ધામધૂમપૂર્વક ઉજવણી થઈ શકી નહોતી, જેથી આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવને લઈને ભાવિકોમાં ઉત્સાહ છે. દ્વારકામાં જન્માષ્ટમી પર્વ સુખરૂપ રીતે ઊજવાય એ માટે ૧૨૦૦થી વધુ પોલીસનો કાફલો તહેનાત રહેશે. દ્વારકામાં ભાવિકોને કીર્તિ સ્તંભથી એન્ટ્રી અપાશે અને ૫૬ સીડી થઈને મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં ૨૦ ફુટનો સભામંડપ પણ બનાવાયો છે, જ્યાંથી પ્રભુની ઝાંખી થઈ શકશે. સિનિયર સિટિઝન્સ માટે પોલીસની ‘સી’ ટીમ તૈયાર હશે અને એ વ્હીલચૅરમાં લઈ જઈને તેમને દર્શન કરાવશે. મંદિરમાં મોબાઇલ કે કૅમેરા અલાઉ નથી.

શામળાજી મંદિરના મૅનેજર કનુ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રભુના જન્મોત્સવની તૈયારીઓ થઈ ચૂકી છે અને ભક્તિભાવથી જન્માષ્ટમી પર્વની ઉજવણી મંદિરમાં થશે. આ પ્રસંગે સમગ્ર મંદિર તેમ જ ગામને આસોપાલવના અને આંબાના તોરણથી શણગારવામા આવશે. બપોરે વરઘોડો નીકળશે અને મટકીફોડનો કાર્યક્રમ યોજાશે, જ્યારે રાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઊજવાશે.’
અમદાવાદમાં આવેલા ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી ભાગવતઋષિએ કહ્યું કે ‘અહીં મંદિરમાં બે દિવસ પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમીના દિવસે આખો દિવસ ધાર્મિક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને બીજા દિવસે નંદ મહોત્સવ ઊજવાશે.’

gujarat gujarat news janmashtami dahi handi shailesh nayak