ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

30 November, 2021 09:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આગામી ત્રણેક દિવસ ગુજરાતમાં હળવાંથી ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન ડિસ્ટબન્સમાં અને સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના પગલે આગામી ત્રણેક દિવસ ગુજરાતમાં હળવાંથી ભારે વરસાદી ઝાપટાં પડવા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
૩૦ નવેમ્બર તેમ જ ૧ અને ૨ ડિસેમ્બરે ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, સુરત, તાપી ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ તેમ જ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ સહિતના સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે કમોસમી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ‘કમોસમી વરસાદના કારણે હાલમાં ખેતરમાં કપાસ, રાઈ, વરિયાળી, શાકભાજી, દિવેલા જેવા ઊભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીનાં પગલાં લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. બીટી કપાસ પાકમાં વીણી બાકી હોય તો તરત કરી લેવી અને તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા અપીલ કરી છે.’ 

gujarat gujarat news Gujarat Rains