14 January, 2026 09:31 AM IST | Ahmedabad | Shailesh Nayak
હેલ્પરની મદદથી થતી તાર બાંધવાની કામગીરી. મનોજ ભાવસાર અને હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ પર ચડીને તાર બાંધવાનું કામ કરતા મનોજ ભાવસાર.
પતંગની દોરીથી ઇન્જર્ડ થયા પછી મનોજ ભાવસારે શરૂ કર્યું અનોખું સુરક્ષા-અભિયાન, ૧૯ વર્ષથી ચલાવી રહ્યા છે મિશન સેફ ઉતરાણ : માંજો વાહનચાલકને ઈજા ન પહોંચાડે એ માટે અમદાવાદના જુદા-જુદા બ્રિજ પર બાંધે છે તાર, જેને કારણે બચ્યા છે અનેક લોકોના જીવ
ઉતરાણના તહેવારમાં ટેનામેન્ટ્સ, અપાર્ટમેન્ટ્સ કે પછી શૉપિંગ કૉમ્પ્લેક્સની ટેરેસ પરથી પતંગરસિયાઓ મન મૂકીને પતંગ ચગાવે છે. આ પતંગ જ્યારે કપાઈ જાય છે ત્યારે એની દોરી નીચે પડતી હોય છે અને એને પાછી ખેંચવામાં આવે છે ત્યારે જાણે-અજાણે રસ્તા પરથી કે પછી બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો કે રાહદારીઓ એનો ભોગ બનતા હોય છે. આવો જ ભોગ બન્યા હતા અમદાવાદના મનોજ ભાવસાર. તેઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. જોકે ઘાયલ થયા પછી તેમના મનમાં વિચાર આવ્યો કે આવા બનાવો બીજાની સાથે ન બને અને લોકો પતંગની દોરીથી બચી શકે એ માટે શું કરી શકાય? જીવદયાની ભાવનાથી પ્રેરિત થઈને તેમણે અભિયાન શરૂ કર્યું. મનોજ ભાવસાર ‘મિડ-ડે’ને કહે છે, ‘૧૯ વર્ષ પહેલાં ઉતરાણના સમયે હું મારા ટૂ-વ્હીલર સાથે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. એવામાં ક્યાંકથી પતંગની દોરી આવીને મારા ગળામાં ભરાઈ ગઈ. હું કંઈ સમજું એ પહેલાં તો મારા ગળામાં ઇન્જરી થઈ અને લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. જોકે મારું વ્હીકલ ધીમું હોવાથી મને નૉર્મલ ઇન્જરી થઈ હતી અને હું બચી ગયો હતો, પણ મનમાં એક બીક પેસી ગઈ કે જો આનાથી વધુ ઇન્જરી થઈ હોત તો? મને વિચાર આવ્યો કે પતંગની દોરીથી લોકોને બચાવવા માટે કંઈક કરવું જોઈએ. આમ વિચાર કરીને ૨૦૦૬-’૦૭માં લોકોના ટૂ-વ્હીલરના હૅન્ડલ પર U શેપમાં લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી જેથી પતંગની દોરીથી ક્યાંક માણસ બચી શકે. જોકે ૨૦૦૮માં અમદાવાદના ધરણીધર દેરાસર પાસેના બ્રિજ પરથી પસાર થતા એક વાહનચાલકને પતંગની દોરીથી જીવલેણ અકસ્માત થયો એટલે વિચાર આવ્યો કે બ્રિજ પરથી પસાર થતા ટૂ-વ્હીલરવાળા માટે કંઈક કરવું જોઈએ. આમ વિચારીને બ્રિજ પર આવેલા લાઇટના બે થાંભલાની વચ્ચે અમુક ઊંચાઈએ લોખંડના તાર બાંધવાનું નક્કી કર્યું જેથી પતંગની દોરી નીચે પડે તો લોખંડના તાર પર પડે અને વાહનચાલક બચી શકે. આમ વિચારીને બ્રિજ પર લાઇટના થાંભલા વચ્ચે લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી હતી.’
અમદાવાદમાં કેટલાક બ્રિજ એવા છે જેમની આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી પુષ્કળ પ્રમાણમાં પતંગ ચગે છે. આવા બ્રિજ પર જઈને તાર બાંધવાના કામ વિશે મનોજ ભાવસાર કહે છે, ‘બ્રિજ પર તાર બાંધવાનું કામ કરવાનું આ મારું ૧૯મું વર્ષ છે. આ કામ માટે મિશન સેફ ઉતરાણ ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી છે. આ વર્ષે અમદાવાદના ૩૦ બ્રિજ પર લોખંડના તાર બાંધ્યા છે. બ્રિજ પર લાઇટના થાંભલા હોય છે. એ બે થાંભલા વચ્ચે લોખંડના તાર બાંધીએ છીએ. બે થાંભલા વચ્ચે વીસથી બાવીસ ફુટની ઊંચાઈએ તાર બાંધીએ છીએ. એક બ્રિજ પર ઓછામાં ઓછા ૩૫થી ૫૦ કિલો જેટલા લોખંડના તારનો ઉપયોગ થાય છે. તાર લોખંડના હોવાથી એની લંબાઈ નહીં પણ વજનથી મપાય છે. આ વર્ષે ૧૨૦૦ કિલો જેટલા લોખંડના તાર લાવીને બાંધ્યા છે. ૨૦ ફુટથી ઊંચે તાર બાંધીએ એટલે નીચેથી પસાર થતા વાહનચાલકો પતંગની દોરીથી બચી શકે છે. આ વર્ષે ૨૬ ડિસેમ્બરથી ૮ જાન્યુઆરી સુધી તાર બાંધવાની કામગીરી કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને હાઇડ્રોલિક પ્લૅટફૉર્મવાળી ગાડી આપી હતી. એના પર ચડીને અમે આ કામગીરી કરી છે. મારી સાથે બે હેલ્પર પણ કામ કરે છે. એક બ્રિજ પર તાર બાંધવા પાછળ ઓછામાં ઓછા ૩ કલાક જેટલો સમય લાગે છે. આ તાર બાંધવા પાછળ મને ઓવરઑલ ત્રણેક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચ હું કરું છું. મને મારા અંગત મિત્રો પણ સહયોગ આપે છે. હું ઍર-કન્ડિશનર ટેક્નિશ્યન છું. ઉતરાણ સમયે તાર બાંધવાની કામગીરી દરમ્યાન મારું કામ બંધ કરી દઉં છું.’