દીકરાને ગુમાવનારા પિતાને આજે પણ પાકિસ્તાની મિત્ર રોજ ફોન કરીને પૂછે છે... કૈસે હો આપ... ઠીક હો?

12 June, 2026 07:39 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બનાસકાંઠાના ખેડૂત અને ઓમર અલી વચ્ચે સર્જાયો અતૂટ આત્મીય સંબંધ, મને તમારો દીકરો જ ગણજો એવી આપી હૈયાધારણ

૨૬ વર્ષના પુત્ર કમલેશ અને પુત્રવધૂને ગુમાવનારાં માતા-પિતા.

૨૦૨૫ની ૧૨ જૂને અમદાવાદથી લંડનના ગૅટવિક જઈ રહેલી બોઇંગ ડ્રીમલાઇનર વિમાનની દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. આ કાળમુખા અકસ્માતમાં બનાસકાંઠાના થાવર ગામના ખેડૂત સાવધાન ચૌધરીએ તેમના ૨૬ વર્ષના પુત્ર કમલેશ અને પુત્રવધૂને ગુમાવ્યાં હતાં. આ અસહ્ય શોક વચ્ચે સરહદો ઓળંગીને માનવતાનો એક અનોખો સંબંધ રચાયો છે.

લંડનની એક ફૅન્સી શૉપમાં કમલેશ સાથે કામ કરતો તેનો ૪૦ વર્ષનો પાકિસ્તાની સહકર્મી ઓમર અલી છેલ્લા એક વર્ષથી દરરોજ નિયમિત સાવધાનભાઈને ફોન કે વૉઇસ મેસેજ કરે છે. તેમની વાતચીતની શરૂઆત હંમેશાં ‘કૈસે હો આપ... ઠીક હો?’થી થાય છે. લંડનમાં નોકરી પર જતી વખતે ઓમર રોજ સાવધાનભાઈને ફોન કરીને હવામાનથી લઈને તેમના સ્વાસ્થ્યની નાની-નાની બાબતોની કાળજીપૂર્વક પૂછપરછ કરે છે. ઓમર અલી કહે છે, ‘ઈશ્વરે જ અમારો આ સંબંધ બનાવ્યો છે અને કમલેશ એનું માધ્યમ બન્યો છે. આ પરિવાર સાથે વાત કરીને મારા દિલને શાંતિ મળે છે.’

બીજી તરફ દીકરા-વહુની પ્રથમ ફ્લાઇટ હોવાથી ઍરપોર્ટના એન્ટ્રી-ગેટ પર સાવધાનભાઈએ હોંશે-હોંશે લીધેલો ૩૦ સેકન્ડનો છેલ્લો વિડિયો આજે પણ આ આઘાતગ્રસ્ત માતા-પિતાના જીવનનું એકમાત્ર સંભારણું બની રહ્યો છે.

gujarat news gujarat ahmedabad plane crash ahmedabad air india