12 June, 2026 08:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જ્યાં વિમાન તૂટી પડ્યું હતું એ હૉસ્ટેલ અને મેસ., હૉસ્ટેલના બિલ્ડિંગ પર લગાવેલી સૂચનાનું બૅનર. (તસવીરો : જનક પટેલ,)
એક વર્ષ પહેલાં ૧૨ જૂને અમદાવાદના ઍરપોર્ટ પરથી ટેક-ઑફ કર્યા બાદ લંડન જવા માટે રવાના થયેલું ઍર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં જે સ્થળે તૂટી પડ્યું હતું એ સાઇટને સીલ કરવામાં આવી છે. પોલીસતપાસ સંપૂર્ણપણે પૂરી થઈ ન હોવાથી સાઇટ પર પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેને કારણે હૉસ્ટેલ અને મેસ સહિત આખું કૅમ્પસ ભેંકાર ભાસી રહ્યું છે.
કાળજું કંપાવી દે એવી દુર્ઘટનામાં બાયરામજી જીજીભોય (BJ) મેડિકલ કૉલેજની હૉસ્ટેલ અને મેસ પર વિમાન તૂટી પડ્યું હતું. એ સમયે મેસમાં સ્ટુડન્ટ્સ જમવા બેઠા હતા તો અન્ય સ્ટુડન્ટ્સ તેમની રૂમમાં હતા. પ્રચંડ ધડાકા સાથે વિમાન હૉસ્ટેલને અથડાતાં ભારે ખુવારી થઈ હતી. આજે પણ એ ભયાવહ ઘટનાની સાક્ષી પૂરતી હૉસ્ટેલનાં કાળાંમેશ થઈ ગયેલાં બિલ્ડિંગો જેમનાં તેમ ઊભાં છે એટલું જ નહીં, કહેવાય છે કે મેસમાં આજે પણ સ્ટુડન્ટ્સ માટે બનાવેલી રોટલીના થપ્પા અને પાપડનો જથ્થો જેમના તેમ પડ્યા છે. રૂમોમાં સ્ટુડન્ટ્સનો સામાન પણ પડી રહ્યો છે.
હૉસ્ટેલના બિલ્ડિંગ પર સૂચનાનું બોર્ડ લગાવ્યું છે જેમાં લખ્યું છે કે ‘તા. ૧૨-૦૬-૨૦૨૫ના રોજ આકસ્મિક પ્લેન-ક્રૅશનું આ ઘટનાસ્થળ છે. તત્કાલીન અહીં રહેતા મેડિકલ સ્ટુડન્ટ્સનું તેમ જ મેસનું કૅમ્પસમાં જ અન્યત્ર સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોલીસતપાસ સંપૂર્ણપણે પૂરી થઈ ન હોવાથી અહીં પ્રવેશ કરવાની મનાઈ છે.’
પાઇલટની ભૂલ કે ટેક્નિકલ ખામી? તપાસના રિપોર્ટ પર વૈશ્વિક નજર: ૨૬૦ લોકોનો ભોગ લેનારી હોનારત વિશે AAIB આજે અંતિમ અહેવાલને બદલે માત્ર સ્ટેટસ અપડેટ જ જાહેર કરે એવી શક્યતા
અમદાવાદ ઍરપોર્ટ પર ૨૬૦ લોકોનો ભોગ લેનારી ઍર ઇન્ડિયાના AI-171 વિમાનની ભીષણ દુર્ઘટનાને આજે શુક્રવારે ૧૨ જૂને બરાબર એક વર્ષ પૂરું થયું છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ઉડ્ડયન અકસ્માતના એક વર્ષ પૂરા થવા પર તપાસ-એજન્સીઓ પોતાનો અહેવાલ જાહેર કરતી હોય છે એટલે હવે આખી દુનિયાની નજર ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પર ટકેલી છે. આ રિપોર્ટનાં તારણોની વૈશ્વિક સ્તરે મોટી અસરો પડી શકે છે. દુર્ઘટનાનાં કારણો પાછળ હાલ બે મુખ્ય થિયરીઓ ચર્ચામાં છે. પ્રથમ, પશ્ચિમી મીડિયા દ્વારા વ્યાપકપણે ચર્ચાયેલી પાઇલટની ભૂલ અને બીજી, ભારતીય પાઇલટ્સ તથા બોઇંગના વ્હિસલબ્લોઅર્સ દ્વારા આશંકા વ્યક્ત કરાયેલું ઇલેક્ટ્રિકલ કે સિસ્ટમ ફેલ્યર. અકસ્માતના એક મહિના બાદ આવેલા પ્રારંભિક રિપોર્ટ મુજબ રનવે પરથી ટેક-ઑફ કર્યાના તરત બાદ એન્જિનની બન્ને ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચો RUNમાંથી CUTOFF પોઝિશનમાં આવી ગઈ હતી જેને કારણે ઈંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો. આ સ્વિચો આપમેળે કેવી રીતે બદલાઈ એ જ સૌથી મોટો રહસ્યમય સવાલ છે. વિવિધ અહેવાલો અનુસાર અમેરિકામાં આ વિમાનના એન્જિનની વિગતવાર ટેક્નિકલ તપાસ હજી બાકી હોવાથી ફાઇનલ રિપોર્ટમાં થોડા મહિનાનો વિલંબ થઈ શકે છે. આથી આજે AAIB કોઈ વચગાળાનો રિપોર્ટ અથવા માત્ર સ્ટેટસ અપડેટ જાહેર કરે એવી પ્રબળ સંભાવના છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ સંવેદનશીલ તપાસના મામલે અત્યાર સુધી સંપૂર્ણપણે મૌન સેવી રહ્યું છે.
વિમાન-દુર્ઘટનાને એક વર્ષ થઈ ગયું છે અને હજી સુધી રિપોર્ટનો કોઈ ખુલાસો નથી: ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રેસિડન્ટ સી. એસ. રંધાવાએ પ્રશ્નો ઉઠાવીને દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે એ માટે ભારતના પાઇલટો વતી કરી પ્રાર્થના
એક વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશને લઈને ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રેસિડન્ટ સી. એસ. રંધાવાએ ગઈ કાલે અમદાવાદમાં પ્રશ્નો ઉઠાવીને કહ્યું હતું કે વિમાન-દુર્ઘટનાને એક વર્ષ થઈ ગયું છે અને હજી સુધી રિપોર્ટનો કોઈ ખુલાસો નથી. સી. એસ. રંધાવાએ અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે...
જે પણ ઇન્વેસ્ટિગેશન કરો એ સત્યથી ભરપૂર હોવું જોઈએ અને એની સાથે એવિડન્સ પણ હોવા જોઈએ. અમે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. અમે મિનિસ્ટરને કરી છે, વડા પ્રધાનજીને કરી છે અને ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન સેક્શનને કરી છે કે બિલકુલ જસ્ટિસ સાથે આ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, જેમાં ટ્રાન્સપરન્સી હોય અને સચ સામે આવવું જોઈએ.
જ્યારે કોઈ ઠોસ સબૂત નથી મળતા તો કોશિશ થાય છે કે પાઇલટ પર બ્લેમ કરીને ઇન્ક્વાયરીને ક્લોઝ કરી દેવામાં આવે.
અમે વિનંતી કરી છે કે તમે જો વચગાળાનો રિપોર્ટ આપશો તો એનાથી મિસઅન્ડરસ્ટૅન્ટિંગ થશે.
આ દુર્ઘટનાના એક સર્વાઇવર વિશ્વાસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં ૮ મહિના લીધા, પરંતુ પાઇલટના ઘરમાં પહોંચી ગયા તેનું માનસિક સંતુલન જાણવા માટે શરૂઆતમાં જ. આ અમારી સમજમાં આવતું નથી.
બ્લૅક બૉક્સ બે વાર અમેરિકા ગયું. એ કેમ ગયું? આ એક ખોટી વાત થઈ છે. આપણી પાસે સુવિધા છે તો એ અહીં હોવું જોઈએ.
વિમાન-દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ભોગ બનેલા લોકોના પરિવારો સાથે ભારતના પાઇલટ છે અને પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવારોને ન્યાય મળે. અમે તેમની સાથે ઊભા છીએ.