19 June, 2026 12:25 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં શૈક્ષણિક દબાણની એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આગામી ૨૧ જૂને યોજાનારી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ
(NEET-UG)ની રીએક્ઝામમાં બેસનારા ૧૭ વર્ષના હોનહાર વિદ્યાર્થીએ ગુરુવારે વહેલી સવારે પોતાના અપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. સાબરમતી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે મધરાત બાદ આશરે ૨.૫૫ વાગ્યે ત્રાગડ વિસ્તારમાં આવેલા ઍરિસ્ટો આનંદમ ફ્લૅટના બી-બ્લૉકમાં બની હતી. સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડે ટીનેજરને કૉમન એરિયામાં ગંભીર હાલતમાં પડેલો જોઈને તાત્કાલિક રહીશોને અલર્ટ કર્યા હતા, પરંતુ તેને હૉસ્પિટલ લઈ જતાં જ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે તે વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હતો અને તેણે અગાઉની પરીક્ષાઓમાં પણ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા. તેનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે અમદાવાદમાં તેની મમ્મી અને નાના ભાઈ સાથે રહેતો હતો જ્યારે તેના પપ્પા સુરતમાં વકીલાત કરે છે. આશ્ચર્યની વાત એ છે કે પરિવારના સભ્યોએ તે કોઈ પણ પ્રકારના માનસિક તાણમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.