06 November, 2025 08:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં સાબરમતી નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો આઇકૉનિક અટલ બ્રિજ
અમદાવાદમાં સાબરમતી નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો આઇકૉનિક અટલ બ્રિજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે-સાથે મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે આવકનું સાધન બન્યો છે અને માત્ર ત્રણ વર્ષમાં જ કરોડો રૂપિયાની આવક આ બ્રિજ દ્વારા થઈ છે. ત્રણ વર્ષમાં ૭૭ લાખથી વધુ મુલાકાતીઓએ આ બ્રિજ પર લટાર મારી છે, એનાથી ૨૭ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ની ૨૭ ઑગસ્ટે અટલ બ્રિજને લોકાર્પણ કર્યો હતો. એ બાદ આ બ્રિજ આધુનિક આર્કિટેક્ચરની સાથે અમદાવાદના સૌંદર્યનું પ્રતીક બની ગયો છે. દિવાળી-વેકેશન, સમર-વેકેશન કે કોઈ પણ પર્વ હોય... અટલ બ્રિજ સહેલાણીઓ માટે હરવા-ફરવા માટેનું એક ડેસ્ટિનેશન બન્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ ૩૧ ઑગસ્ટ ૨૦૨૨થી ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં કુલ ૭૭,૭૧,૨૬૯ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. એના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ૨૭.૭૦ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ બ્રિજ બનાવવા માટે ૭૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.