06 October, 2025 07:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આ વર્ષે પણ દેશભરમાં ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ સાથે તહેવાર દરમિયાન બનેલી કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓની પણ ચર્ચા થઈ છે. વડોદરાના ગરબામાં એક એનઆરઆઇ કપલનો કિસ કરતો વીડિયો વાયરલ થયો હોય કે પછી પથ્થરમારાની ઘટના દરેકે વિસ્તારની શાંતિ અને ઉજવણીની પવિત્રતાને કરી ભંગ કરી છે. જોકે હવે નોરતા પછી પણ અમદાવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકોએ રસ્તાને જ ડાન્સ બાર બનાવી દીધો અને પાર્ટીમાં અશ્લીલ ડાન્સ કરતાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કેટલાક યુવકો મહિલા ડાન્સરને બોલાવી રસ્તા પર જ બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ થયો છે, જેમાં કેટલાક યુવકો અને યુવતી રસ્તા પર ડાન્સ કરવાની સાથે અશ્લીલ હરકતો પણ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈ લોકોએ આ સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે, જેને પગલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. “વીડિયોમાં જોવા મળ્યા યુવાનની શોધ ચાલી રહી છે અને આગળ જતાં તેની સામે ગુનો પણ નોંધાઈ શકે છે,” એમ પોલીસ અધિકારીએ જણાવ્યું.
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કુબેરનગર વિસ્તારના એક યુવકે પોતાનો જન્મદિવસ હોવાથી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે રસ્તા પર જ બર્થડે પાર્ટી યોજી અને તેમાં મહિલા ડાન્સરને પણ બોલાવી હતી. દરમિયાન આ આરોપી યુવક મહિલા ડાન્સર સાથે અશ્લીલ હરકતો પણ કરતા દેખાયો હતો. દરમિયાન બીજા એક યુવકે ડાન્સ કરી રહેલી યુવતી પર પૈસાનો વરસાદ પણ કર્યો. આ રીતે રસ્તાની વચ્ચે સેલિબ્રેશન અને અશ્લીલ હરકતો કરનાર યુવકની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવા માટે તપાસ પોલીસે શરૂ કરી છે.
ગરબા ગ્રાઉન્ડમાં કિસ વિવાદ
ગુજરાતમાં ગરબા ઉત્સવ દરમિયાન એક ‘અશ્લીલ’ ઘટના પણ બની હતી. વડોદરામાં ગરબા ઈવેન્ટમાં હાજરી આપનાર એક યુગલે માત્ર શિષ્ટાચારનું ઉલ્લંઘન જ નહીં, પરંતુ ખ્યાતિ મેળવવા માટે, કિસ કરતો વીડિયો પણ બનાવ્યો અને તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ગરબા ગ્રાઉન્ડ પર, છોકરાએ પહેલા છોકરીના હોઠ પર કિસ કરી અને પછી તેને હવામાં ઉછાળી અને પછી તેણે ફરીથી તેને કિસ કરી. જાહેરમાં આવું કર્યા પછી, છોકરાએ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો. આયોજકોએ આ ઘટનાને લઈને કપલ સામે બાકીના દિવસો દરમિયાન ગરબામાં સામેલ થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પોલીસનું કહેવું છે કે જો આયોજકો તરફથી કોઈ ફરિયાદ મળશે તો અશ્લીલતાને પ્રોત્સાહન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.