01 July, 2026 09:36 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસ (FPO) ખાતે કસ્ટમ્સ વિભાગ (Ahmedabad Custom) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બહુ જ મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ પાર્સલને આગળ લઈ જતાં અટકાવવામાં આવ્યું હતું. આ પાર્સલમાંથી 467.5 ગ્રામ ગાંજો હતો. અહેવાલો પ્રમાણે આ પાર્સલ થાઈલેન્ડથી `વુડન બ્લોક્સ` તરીકે મોકલવામાં આવ્યું હતું. ગઇકાલે મંગળવારે કસ્ટમ્સ અધિકારીઓએ આ અંગેની સત્તાવાર માહિતી શેર કરી હતી.
કસ્ટમ્સ વિભાગ (Ahmedabad Custom)ના જણાવ્યા અનુસાર ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવતા પાર્સલના નિયમિત ચેકિંગ દરમિયાન થાઈલેન્ડથી આવેલું એક કાર્ટન શંકાસ્પદ જણાયું હતું. જોકે ડોક્યુમેન્ટ્સમાં તો જણાવાયું હતું કે આ બ્લોક્સ લાકડાના છે. પરંતુ શંકા જતાં અધિકારીઓએ ખોલ્યું તો તેમાંથી બે પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી, જેમાં કથિત ગાંજો (કેનાબસ) સંતાડવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક પેકિંગ સાથે આ માદક પદાર્થનું કુલ વજન 467.5 ગ્રામ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓએ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ, 1985 હેઠળ માદક પદાર્થને જપ્ત કર્યો છે. થાઈલેન્ડથી આવેલ આ પાર્સલ આખરે કોને મોકલવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે, સાથે જ આ ઘટના પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક કામ કરી રહ્યું છે કે શું તે અંગે પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં થાઈલેન્ડથી ડ્રગ્સની તસ્કરી થવાનો આ કોઈ પહેલવહેલો કિસ્સો નથી. હમણાં હમણાં જ આ પ્રકારના કેસ (Ahmedabad Custom) સામે આવ્યા હતા. આ સમગ્ર મામલા પછી એ તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે ડ્રગ માફિયાઓ ગુજરાતને એન્ટ્રી પોઇન્ટ તરીકે યુઝ કરી રહ્યા છે.
રવિવારે અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક પેસેન્જરનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. તેની પાસેથી 10.911 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે રૂ. 11 કરોડ થાય છે. મે મહિનામાં પણ બેંગકોકથી જ આવેલા અન્ય એક પેસેન્જર પાસેથી કસ્ટમ્સ વિભાગે ટ્રોલી બેગમાં સંતાડીને લઈ જવામાં આવતો 6.54 કિલોગ્રામ શંકાસ્પદ હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો હતો. એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવતા એક પેસેન્જરના સામાનમાંથી વેક્યૂમ-પેક કરેલો 7.7 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 8 કરોડ હતી.
કસ્ટમ્સ (Ahmedabad Custom) અને તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર બેંગકોક અને થાઈલેન્ડથી આ રીતે સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા પરથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરો હવાઈ માર્ગ અને ફોરેન પોસ્ટલ સેવાનો ઉપયોગ કરીને ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. હાલ કસ્ટમ્સ વિભાગ બધી જ કડીઓ જોડીને વધુ તપાસ આદરી છે.