20 September, 2026 12:00 PM IST | Ahmedabad | Shailesh Nayak
અમદાવાદ આબોહવાકીય જોખમ
અંદાજે ૮૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં જૂનાં તળાવો ઓછાં થયાં, ગ્રીન કવર ઘટ્યું, બિલ્ડિંગો વધ્યાં, વસ્તી વધી, વાહનો વધ્યાં... એને કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે : જ્યાં ૧૦ બંગલા હતા ત્યાં આજે ૧૦ અપાર્ટમેન્ટ બની ગયા છે જેને કારણે ડેન્સિટી વધતી જાય છે : મહત્તમ કાચના ઉપયોગ સાથે બિલ્ડિંગો બની રહ્યાં છે : ઍર-કન્ડિશનરનો વધતો ઉપયોગ સહિતનાં કારણોસર હીટવેવનો ખતરો ઊભો થયો છે
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે...
આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ ક્યાંક અમદાવાદ શહેરના એ જૂના સમયની યાદ અપાવી રહી છે જ્યારે સાબરમતી નદીના કિનારે વસેલા આ શહેરમાં વસ્તી ઓછી હતી, ભીડભાડ ઓછી હતી, વાહનો ઓછાં હતાં અને પ્રદૂષણનું તો લગભગ નામનિશાન નહોતું. શહેરીજનો શાંતિથી શુદ્ધ હવામાં હરતા-ફરતા હતા. આજે સમય બદલાઈ ગયો છે અને નદીના કિનારે વસેલા આ શહેર પર આબોહવાકીય જોખમનો ખતરો મંડરાયો છે.
તાજેતરમાં જિયોસ્પેશ્યલ AI કંપની આલ્ફાલ્જિયો દ્વારા આબોહવાકીય જોખમોને લઈને વિશ્વનાં ૭૨ શહેરોમાં કરવામાં આવેલા મૂલ્યાંકનમાં ભારતનું અમદાવાદ સૌથી વધુ જોખમ ધરાવતું શહેર હોવાનું જણાઈ આવ્યું છે. જે મૂલ્યાંકન કરવામાં આવ્યું એમાં આંતરિક અને દરિયાકાંઠાનાં પૂર, ગરમી, દુષ્કાળ, જંગલની આગ, વાવાઝોડાના પવનો સહિતનાં જોખમોને તેમ જ શાસન, નીતિના પ્રતિભાવો, પૂરઅવરોધો અને ડ્રેનેજ સિસ્ટમ જેવી માળખાગત સુવિધાઓ સહિતનાં પરિબળો ધ્યાનમાં લેવાયાં હતાં. અમદાવાદ આબોહવાકીય જોખમ ધરાવતું શહેર જાહેર થતાં આ વિશે પર્યાવરણના મુદ્દે કામ કરતા શહેરીજનો તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારી પાસેથી આવું થવા પાછળનાં કારણો, શહેર પર કેવો ખતરો છે, શા માટે ખતરો છે અને એનું નિરાકરણ શું એ વિશે જાણવાનો ‘મિડ ડે’એ પ્રયાસ કર્યો છે.
પર્યાવરણ ક્ષેત્રમાં ઘણાં વર્ષોથી કામ કરી રહેલા એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર મહેશ પંડ્યા આ મુદ્દે ‘મિડ-ડે’ને કહે છે, ‘અમદાવાદમાં ૨૦૧૧ની વસ્તીગણતરી થઈ હતી એમાં શહેરની વસ્તી બાવન લાખ હતી, આજે લગભગ ૮૦ લાખની આસપાસ છે. આ ઉપરાંત શહેરની આસપાસનાં ગામડાંઓ તેમ જ નાનાં-મોટાં નગરોમાંથી અંદાજે ૧૦ લાખ લોકો અપડાઉન કરે છે. એની સામે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસો તેમ જ બસ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ની બસો ભેગી મળીને ૧૧૬૨ જેટલી બસ છે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરતી ન હોવાના કારણે ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર વધી ગયાં. બીજું એ કે શહેરમાં જ્યાં પણ BRTS ચાલે છે ત્યાં રસ્તો રોકાયો છે અને એની બાજુમાં અન્ય વાહનોને જવા માટેનો રસ્તો સર્વિસ રોડ જેવો બની ગયો છે એટલે ટ્રાફિક જૅમ થાય છે. ટ્રાફિક જૅમ હોય એટલે ધુમાડો થાય, ધૂળ ઊડે અને એનાથી ધૂળ અને ધુમાડાનું બહુ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત આડેધડ બાંધકામો થવા માંડ્યાં છે. ફ્લાયઓવર અને રોડ થતા ગયા છે, પણ અલાઇનમેન્ટ અને પાણીનું શું થશે? એનો આવરો અટકી જશે કે નહીં? એ કંઈ જોતા નથી. નગરનું આયોજન કરવું જોઈએ, પણ નગરના આયોજનનાં થીગડાં મારી રહ્યા છે. બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પણ ધૂળનું બહુ જ પ્રદૂષણ કરે છે.’
શહેરને ચોખ્ખુંચણક રાખવું હોય તો સફાઈ જરૂરી બને છે. એમાં પણ ગટરવ્યવસ્થા યોગ્ય હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ખાસ કરીને ચોમાસાના સમયમાં પાણીના નિકાલની સમસ્યા ન થાય એ જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે. આ મુદ્દે વાત કરતાં મહેશ પંડ્યા આક્ષેપ કરતાં કહે છે, ‘હું ક્લાઇમેટની વાત કરું તો હમણાં ૨૩ જુલાઈએ અમદાવાદમાં વધારે વરસાદ પડ્યો. હવે અમદાવાદની વસ્તી ૮૦ લાખ જેટલી છે અને એની સામે સિવેજ નેટવર્ક કે ગટરવ્યવસ્થાપન હોવું જોઈએ એ બાવન લાખની વસ્તીને પહોંચી વળે એવું છે. એટલે સિવેજનું જે નેટવર્ક છે એને સ્ટૉર્મ વૉટરની એટલે કે માત્ર ચોમાસામાં જ જે પાઇપમાં પાણી ફ્લો થાય એમાં જોડાણ કરી દીધું. એટલે જ્યારે બે ઇંચ વરસાદ પડે ત્યારે ગટરનું પાણી અને વરસાદનું પાણી સ્ટૉર્મ વૉટરમાં ભેગું થાય એટલે બૅક મારે છે અને શહેર જળબંબાકાર થઈ જાય છે. બીજું, શહેરમાં અસંખ્ય તળાવો હતાં એમાંનાં હવે ઓછાં તળાવો રહ્યાં છે. વસ્ત્રાપુરના તળાવમાં વરસાદનું પાણી ઓછું ભરાય છે, પણ એનાથી થોડે આગળ આવેલા ગુજરાત યુનિવર્સિટીનું મેદાન વરસાદી પાણીથી ભરાઈ જાય છે. એટલે વરસાદી પાણીથી વસ્ત્રાપુરનું તળાવ ભરાતું નથી, કારણ કે આડેધડ બાંધકામથી પાણીનો આવરો રોકી દીધો છે. એટલે પાણીનું આયોજન બરાબર નથી અને સિવેજ નેટવર્ક નથી.’
અમદાવાદમાં વૃક્ષોનો ખુડદો બોલાઈ ગયો છે એવા આરોપો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહ્યા છે અને બીજી તરફ આધુનિક જમાના પ્રમાણે બિલ્ડિંગો તૈયાર થઈ રહ્યાં છે, જેમાં ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોથી બિલ્ડિંગોમાં કાચનો ઉપયોગ વધી રહ્યો છે. બિલ્ડિંગોમાં પહેલાં ઈંટોની દીવાલ જોવા મળતી, જ્યારે આજે મોટા-મોટા ગ્લાસનો ઉપયોગ રહેણાક તેમ જ કમર્શિયલ બિલ્ડિંગોમાં થઈ રહ્યો છે. ઘણાં બિલ્ડિંગોમાં તો દીવાલમાં ઈંટને બદલે વિશાળ કાચનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વાત કરતાં મહેશ પંડ્યા દાવો અને આક્ષેપ કરતાં કહે છે, ‘વૃક્ષો રહ્યાં નથી, વિકાસના નામે અમદાવાદનું ગ્રીન કવર પાંચથી ૬ ટકા જ છે. એટલે જો વધારે ગરમી પડે તો કેવી રીતે સહન કરી શકો? એક બાજુ ઝાડ નથી અને બીજી બાજુ કાચનાં બિલ્ડિંગો બન્યાં એટલે ગરમી થવા લાગી. ગ્લોબલ વૉર્મિંગ... ગ્લોબલ વૉર્મિંગ કરીએ છીએ તે ઝાડ કાપી નાખ્યાં એનો જ પ્રતાપ છે. બાકી આ જ અમદાવાદમાં પાંચ કિલોમીટરના એરિયામાં જ્યાં વૃક્ષો વધુ છે ત્યાં અને જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાંના તાપમાનમાં ૮ ડિગ્રીનો ફરક પડેલો અમે તપાસમાં જોયો છે. એટલે તમે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ કે હીટવેવ સહન કરવા માટે સક્ષમ છો જ નહીં. એટલે આબોહવાકીય જોખમ ધરાવતા શહેર વિશે જે અભ્યાસ થયો હોય એ, પરંતુ આ હકીકત છે.’
બદલાયેલી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં હીટવેવનો ખતરો વધી રહ્યો છે એ વિશે વાત કરતાં મહેશ પંડ્યા કહે છે, ‘અમદાવાદના નાગરિકો પર હીટવેવનો મોટામાં મોટો ખતરો છે. હીટવેવ એટલા માટે કે કાચનાં બિલ્ડિંગો કરી દીધાં, વૃક્ષોનું નિકંદન કાઢ્યું. ક્યાં ગયાં વૃક્ષો? એટલે હીટવેવનો મોટો પ્રશ્ન ઊભો થવાનો, પાણીનો પ્રશ્ન ઊભો થવાનો. વરસાદ ખાબકી પડે તો તમારી પાસે પાણીને સંગ્રહવાની ક્ષમતા જ નથી. એટલે જે તળાવો છે એને સાચવો એ ઘણું છે. તળાવો ઇન્ટરલિન્ક હોવાં જોઈએ.’
કોઈ પણ વસ્તુનું નિરાકરણ હોય અને એના માટે પ્રયાસ થવો જોઈએ. આ બાબતે વાત કરતાં મહેશ પંડ્યા આક્ષેપ કરતાં કહે છે, ‘લોકોને પૂછ્યા વગર વિકાસ કરી રહ્યા છે. બાકી લોકો પાસે ઉકેલ છે. હજીયે કેમ અમદાવાદના પોળ વિસ્તારમાં વરસાદી પાણી નથી ભરાતું? કેમ પૂર નથી આવતું? રિસ્ક-ફૅક્ટર તો છે, પણ જ્યારે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ ત્યારે આ યોગ્ય નગરઆયોજન નથી. લોકોને પૂછવામાં નથી આવતું અને આડેધડ આયોજન થાય છે.’
કોઈ પણ શહેર કે ગામમાં જો અગણિત વૃક્ષો હશે કે તળાવમાં પાણી ભરેલું હશે તો ત્યાંની રોનક કંઈક અલગ જ હશે, પરંતુ જ્યાં આની તકલીફ હશે ત્યાં વાતાવરણ અલગ હશે. આ બાબતે આબાદ અમદાવાદ સંસ્થાના પ્રમુખ જતીન શેઠ આક્ષેપ કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘અમદાવાદને સૌથી વધુ જોખમ ધરાવતું શહેર દર્શાવ્યું છે એ રિપોર્ટ મેં વાંચ્યો હતો. એમાં જે મેઇન મુદ્દો ઉપાડ્યો છે એના વિશે કહું તો સિટીનું ડેવલપમેન્ટ અનપ્લાન્ડ એટલે કે આયોજન વગરનું છે. અમદાવાદનું બ્લુ કવર એટલે કે તળાવો અને ગ્રીન કવર એટલે કે વૃક્ષો આ બન્ને ખતમ કરતાં ગયા છીએ. બિલ્ડિંગના ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) વધારી દીધા છે એટલે પ્લાન્ટેશનની સ્પેસ ખતમ થઈ ગઈ. લીમડો, વડ, પીપળો જેવાં વૃક્ષો જે પોતાની સાઇઝમાં વિસ્તરતાં હતાં એના માટે હવે જગ્યા રહી નથી. એવું કહી શકાય કે જમીન પર તરાપ મારી છે. એટલે પ્રૉબ્લેમ એ થયો છે કે જે તળાવો જોઈએ, જે વૃક્ષો જોઈએ એનું નિકંદન કાઢી નાખ્યું છે. પ્લાનિંગ જેવું કંઈ છે જ નહીં. એક સમયે અમદાવાદમાં અગણિત તળાવો હતાં. આજે ગણતરીનાં તળાવો રહ્યાં છે. મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગો થાય છે એમાં ઑફિસોમાં ઍર-કન્ડિશનર ચાલે છે અને એ બહાર ગરમી ફેંકે છે. એના કારણે હીટ એટલી વધી જશે કે સહન કરવી મુશ્કેલ થશે.’
કુદરતની લાકડીનો અવાજ નથી આવતો એવું આપણા વડવાઓ કહેતા આવ્યા છે અને આવું જ કંઈક જતીન શેઠ પણ કહી રહ્યા છે. તેઓ કહે છે, ‘આવનારા સમયમાં આપણે ગરમી સહન નહીં કરી શકીએ. પાણીની શૉર્ટેજ આવશે. ગુજરાતની હાલત શું થશે? ત્યારે માત્ર એક વિકલ્પ પર નિર્ભર ન રહેવાય, નર્મદાના વિકલ્પ પર જ બેસી ન રહેવાય. જ્યારે કુદરત માર મારે છે ત્યારે ચારે બાજુથી મારે છે. પરિસ્થિતિ ક્યારે પલટાય એ ખબર નથી હોતી. અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે. એ વસ્તુ અમે કરીએ છીએ અને એટલા માટે જ આબાદ અમદાવાદ સંસ્થા શરૂ કરી છે.’
અમદાવાદમાં વધી રહેલાં આબોહવાકીય જોખમો સામે મ્યુનિસિપલ કૉર્પોરેશન નાગરિકોની હેલ્થને લઈને અને તેમની સુખાકારી માટે પગલાં ભરી રહ્યું છે. આ મુદ્દે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમદાવાદ શહેર લગભગ ૫૦૦ સ્ક્વેર કિલોમીટર એરિયામાં આવેલું છે અને એ ગીચ વસ્તી ધરાવે છે. થોડી ગીચ વસ્તી છે, અર્બનાઇઝ્ડ સિટી છે, ખૂબ જ માઇગ્રેશન થઈ રહ્યું છે ત્યારે એન્વાયર્નમેન્ટલ ઇશ્યુની બાબતે કૉર્પોરેશન દ્વારા નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ સિટીનું ગ્રીન કવર ૧૦ ટકાની આસપાસ હતું. અત્યારે દર વર્ષે ૩ મિલ્યન, ૪ મિલ્યન પ્લાન્ટેશન કરીએ છીએ. આ વર્ષે પાંચ મિલ્યન પ્લાન્ટેશન કર્યું છે. એટલે અમે પ્રયત્ન કરીએ છીએ કે મૅક્સિમમ ગ્રીન કવર થાય. અત્યારે ૧૨.૫ ટકા છે અને અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં અમે પ્લાન્ટેશન વધારીએ.’
શહેર વિસ્તરતું જાય એટલે સ્વાભાવિક રીતે એને આનુષંગિક ઘણીબધી બાબતો વધતી જાય અને એમાં પ્રદૂષણ પણ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. આ મુદ્દે ડૉ. ભાવિન સોલંકી નિખાલસતાથી વાસ્તવિકતાનું બયાન કરતાં કહે છે, ‘એન્વાયર્નમેન્ટલ પૉલ્યુશનમાં નંબર ઑફ ઍર-કન્ડિશનર (AC), નંબર ઑફ વ્હીકલ્સ, નંબર ઑફ કમર્શિયલ યુનિટ, નંબર ઑફ કન્સ્ટ્રક્શન સાઇટ - એ સરખામણીમાં અત્યારે ખૂબ જ ઊંચાં કહી શકાય. સિટીમાં જ્યાં પહેલાં ૧૦ બંગલા હતા ત્યાં હવે ૧૦ ફ્લૅટ થઈ ગયા છે એટલે ડેન્સિટી વધતી જાય છે. નંબર ઑફ વ્હીકલ્સ વધતાં જાય છે, નંબર ઑફ AC યુનિટ્સ અને ઘરો વધતાં જાય છે એ પણ એક મેજર ફૅક્ટર છે. શહેરમાં વાહનોની સંખ્યા સરખામણીમાં ઘણી વધી રહી છે. હવે તો શું ટ્રેન્ડ છે કે ધીમે-ધીમે લોકોના ઘરમાં ફોર-વ્હીલરનું પ્રમાણ પહેલાં કરતાં વધતું જાય છે. એટલે શું થાય છે કે આજે લગભગ કોઈને પણ ઘરની બહાર AC વગર ચાલતું નથી. રોડ પર જાઓ તો વાહનોમાં AC હોય છે, કમર્શિયલ યુનિટ્સમાં પણ AC હોય છે. એટલે દરેક ફૅક્ટર ગરમી પ્રોડ્યુસ કરી રહ્યું છે અને આ પણ એક કન્ટ્રિબ્યુટિંગ ફૅક્ટર છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને અમે ગ્રીન કવર વધારી રહ્યા છીએ. બીજું ફૅક્ટર કહી શકાય કે દાખલા તરીકે સુરત શહેરને લઈએ. સુરતમાં જ્વેલરી કે કપડાં સંબંધિત કામકાજ વધારે હશે, જ્યારે અમદાવાદમાં તો કેમિકલ્સ સંબંધિત ઘણીબધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. એટલે નારોલ, વટવા કે નરોડા GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં જ આવેલાં છે. એટલે આ પણ એક મેજર કન્ટ્રિબ્યુટિંગ ફૅક્ટર છે.’
શહેર પ્રદૂષણમુક્ત બને અને શહેરીજનો તાજી હવામાં શ્વાસ લઈને મુક્ત રીતે હરી-ફરી શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અલગ-અલગ રીતે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વિશે ડૉ. ભાવિન સોલંકી કહે છે, ‘અમે ગ્રીન કવર વધારી રહ્યા છીએ. આ ઉપરાંત ઍર ક્વૉલિટી સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-કાનપુર પાસે સ્ટડી કરાવી રહ્યા છીએ જેથી કયા વિસ્તારમાં પ્રદૂષણ વધારે છે એનો સ્ટડી પ્લાન-આઉટ કરી શકીએ. આ સિવાય જમીનમાં વૉટર-લેવલ જળવાઈ રહે એ માટે શહેરમાં જેટલાં તળાવો છે એને ઇન્ટરલિન્ક કરીએ છીએ, જેથી તળાવમાં પાણી આવે અને અન્ડરગ્રાઉન્ડ વૉટરનું લેવલ મેઇન્ટેઇન રહે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની જે બસો છે એમાંથી મોટા ભાગની બસો કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) કે ઇલેક્ટ્રિક (E-Bus) તરીકે ચલાવીએ છીએ તેમ જ બાકીની બસોને પણ એમાં કન્વર્ટ કરવાનું પ્લાનિંગ છે.’