થોડી પળ તો થયું કે મોત સામે જ છે

26 June, 2022 07:50 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં ગઈ કાલે હૉસ્પિટલ કૉમ્પ્લેક્સમાં લાગેલી આગમાં બચાવી લેવાયેલા ત્રણ વર્ષના પેશન્ટના પપ્પા જિગર સથવારા આમ કહેતાં જીવ ઊગરવાનું શ્રેય ફાયર બ્રિગેડના જવાનોને આપે છે

અમદાવાદના કૉમ્પ્લેક્સમાં લાગેલી આગમાંથી બાળદરદીઓને નીચે ઉતારીને સહીસલામત અન્ય જગ્યાએ ખસેડી રહેલા ફાયર બ્રિગેડના જવાનો.

ધુમાડો ધીમે-ધીમે ફેલાઈ રહ્યો હતો અને પછી એ વધવા લાગતાં એક સમયે તો મારા હૃદયમાં ગભરાટ થયો કે અહીંથી બહાર કેવી રીતે નીકળીશું? જોકે ત્યાં ફાયરની ટીમ આવી અને અમને બધાને સેફલી બહાર કાઢ્યા ત્યારે જીવમાં જીવ આવ્યો હતો.

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે લાગેલી આગમાં ત્રીજા માળે આવેલી ઍપલ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં પોતાના બાળકની સારવાર કરાવી રહેલા જિગર સથવારાએ ‘મિડ-ડે’ને આમ જણાવીને કહ્યું હતું કે ‘મારા ત્રણ વર્ષના દીકરાને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કર્યો છે. કૉમ્પ્લેક્સમાં આગ લાગી ત્યારે અમે રૂમમાં હતા. પેશન્ટને તકલીફ ન પડે એ માટે હૉસ્પિટલના સ્ટાફે અમને બધાને એક જગ્યાએ એકઠા કર્યા હતા. આગ કાબૂ બહાર હતી. ધુમાડો ધીમે-ધીમે ફેલાયો હતો અને વધવા લાગ્યો હતો. અમે પણ ન રહી શકીએ એવી સ્થિતિ ઊભી થઈ હતી તો બાળકોનું તો શું? કૉમ્પ્લેક્સમાં આગની લપેટો જોઈને અમને ચિંતા થઈ અને થોડી પળ માટે થયું કે મોત સામે છે. દિલમાં ગભરાટ થયો હતી કે કેવી રીતે બહાર નીકળીશું? જોકે ફાયર બ્રિગેડની ટીમ આવી અને અમને બધાને રેસ્ક્યુ કરીને અગાસી પર લઈ ગઈ હતી. અમને ટ્રૉલીમાં બેસાડીને નીચે ઉતાર્યા હતા અને સહીસલામત બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સારું કામ કર્યું અને આગને કન્ટ્રોલમાં કરી હતી. જો આગ કન્ટ્રોલમાં ન આવી હોત તો કદાચ હૉસ્પિટલ સુધી ફેલાઈ શકતી હતી, પણ અમે બધા બચી ગયા.’ 

gujarat gujarat news ahmedabad shailesh nayak