જગતના નાથ જગન્નાથજી આજે ભક્તજનોને દર્શન આપવા કરશે નગરયાત્રા

28 June, 2025 06:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દેશની સૌથી મોટી બીજી રથયાત્રા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ૧૦ છાબડી ભરીને મોકલ્યો પરંપરાગત પ્રસાદ : ભગવાન જગન્નાથજીને કરવામાં આવ્યો સોનાવેશ શણગાર : રથોની સાથે ૧૭ ગજરાજોને પણ સુવર્ણ શણગાર સાથે પૂજન કરી વધાવ્યા

સોનાવેશનાં દર્શન માટે ધાર્મિકજનો ઊમટી આવ્યા હતા.

આજે વાજતેગાજતે અને રંગેચંગે અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા યોજાશે. જગતના નાથ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે ભક્તજનોને સામે ચાલીને દર્શન આપવા અમદાવાદના રાજમાર્ગો પર નગરયાત્રા કરશે. અમદાવાદથી નીકળતી રથયાત્રા એ દેશમાં સૌથી મોટી બીજી રથયાત્રા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરમાં ભક્તિભાવપૂર્ણ રીતે પરંપરાગત પ્રસાદ મોકલીને પ્રભુ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. બીજી તરફ રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મંદિરમાં સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

મંદિરમાં વાજતેગાજતે રથ લાવવામાં આવ્યા હતા. તસવીરો : શૈલેષ નાયક

પ્રસાદની ૧૦ છાબમાં ફ્રૂટ્સની સાથોસાથ ચૉકલેટ પણ મોકલી  

નરેન્દ્ર મોદીએ ૧૦ છાબડી ભરીને મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો હતો જેમાં મગ, જાંબુ, કાકડી, દાડમ, કેરી ઉપરાંત મીઠાઈ, ડ્રાયફ્રૂટસ અને ચૉકલેટ મોકલી હતી. રથયાત્રાના દિવસે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવાય છે એમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવશે તેમ જ મગ, જાંબુ, કાકડી, દાડમ, કેરી અને ચૉકલેટનો પ્રસાદ રથયાત્રાના રૂટ પર લોકોમાં વહેંચાશે. નરેન્દ્ર મોદીએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં પ્રસાદ આપવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે.  

મહંત દિલીપદાસજી મહારાજ સહિતના સંતોએ ગજરાજોનું પૂજન કર્યું હતું.

આજે સવારે મંગળા આરતીમાં ભક્તજનો ઊમટશે 
આજે અમદાવાદમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી પૌરાણિક અને ઐતિહાસિક ૧૪૮મી રથયાત્રા પરંપરાગત રીતે જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી નીકળશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિન્દવિધિ કરીને તેમ જ રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવશે. આ પહેલાં વહેલી પરોઢે ૪ વાગ્યે મંગળા આરતી થશે અને મહાભોગ ધરાવવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રથયાત્રા પહેલાં યોજાતી મંગળા આરતીમાં સહભાગી થવા ભક્તોજનો રાતથી જ મંદિરમાં આવી ગયા હતા.

સોનાવેશમાં દર્શન કરી ધન્ય બન્યા ધાર્મિકજનો 

રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં વર્ષમાં એક વાર ભગવાનને સોનાવેશનો શણગાર કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને સોનાવેશ શણગાર કરવામાં આવ્યો હતો. સોનાના મુગટ સહિતનાં આભૂષણો ભગવાનને ધારણ કરાવ્યાં હતાં. સોનાવેશનાં દર્શન માટે મોટી સંખ્યામાં ધાર્મિકજનો ઊમટી આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોનાવેશના શણગાર બાદ મંદિરના પ્રાંગણમાં ઢોલ-નગારાં અને શરણાઈના સૂરો વચ્ચે તેમ જ નૃત્યની સાથે વાજતેગાજતે ત્રણ રથ લવાયા હતા અને એનું પૂજન કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત રથયાત્રાની આગેવાની લેતા ૧૭ ગજરાજો મંદિરમાં આવ્યા હતા. ગજરાજોને પણ સુવર્ણ શણગાર કરવામાં આવ્યા હતા. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતના સંતોએ કંકુ-ચોખા અને અબીલ-ગુલાલથી પૂજન કરીને ગજરાજોને વધાવ્યા હતા. એ ઉપરાંત શેરડી-ગોળ ખવડાવીને શુકન કરાવ્યાં હતાં. ધાર્મિકજનોએ પણ ગજરાજોનું પૂજન કર્યું હતું.

gujarat news gujarat ahmedabad Rathyatra religious places gujarat government bhupendra patel