અમદાવાદના ફ્લાવર-શોમાં સર્જાયા બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

03 January, 2026 09:58 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ૪૧.૧૭ મીટર લાંબા અને ૮ મીટર પહોળા ફ્લાવરને પોર્ટ્રેટનો તથા ૩૩.૬ મીટર વ્યાસવાળા ફ્લાવર મંડલાનો બન્યો વિક્રમ

ફૂલછોડથી બનેલું સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ પોર્ટ્રેટ

અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર-શો શરૂ થતાંની સાથે બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની સિદ્ધિ નોંધાઈ છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટ અને વિશાળ ફ્લાવર મંડલાનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ‘ભારત એક ગાથા’ થીમ પર સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર-શો યોજ્યો છે. આ ફ્લાવર-શોમાં ફૂલ-છોડમાંથી બનાવેલું સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર-પોર્ટ્રેટ તૈયાર કરીને મુકાયું છે. આ ફ્લાવર-પોર્ટ્રેટની લંબાઈ ૪૧.૧૭ મીટર છે જ્યારે પહોળાઈ ૮ મીટર છે. એનો કુલ વિસ્તાર ૩૨૯.૩૬૦ ચોરસ મીટર છે. આ ફ્લાવર-શોમાં ફૂલછોડમાંથી ફ્લાવર મંડલા પણ બનાવ્યું છે જેનો વ્યાસ ૩૩.૬ મીટર છે અને એનો કુલ વિસ્તાર ૮૮૬.૭૮૯ ચોરસ મીટર છે. 

કેવી રીતે બન્યાં છે આ પુષ્પ-શિલ્પ?

ફૂલછોડમાંથી બનેલું ફ્લાવર મંડલા

સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટમાં ૧૪,૦૦૦થી વધુ પર્પલ ઑર્કિડ, ૭૦૦૦ ઑરેન્જ ઑર્કિડ, ૧ લાખથી વધુ ગુલાબ, ૬૦,૦૦૦થી વધુ વેલ્વેટ ફ્લાવર, ૪ લાખથી વધુ ક્રિસન્થેમમ અને ૧૨૦૦થી વધુ કિલો યલો મૅરિગોલ્ડનાં ફૂલછોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે; જ્યારે ૪૮ પ્રકારના ફૂલછોડમાંથી ફ્લાવર મંડલા બનાવવામાં આવ્યું છે જે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

ahmedabad gujarat gujarat news guinness book of world records