અમદાવાદના જેલના ભજિયા હાઉસને અપાયો હેરિટેજ લુક

16 September, 2026 09:29 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જૂના ભજિયા હાઉસના સ્થાને બની રહ્યું છે ત્રણ માળનું બિલ્ડિંગઃ કેદીઓ ભજિયાંની સાથે પીરસશે ગાંધી થાળી: જેલ ભજિયા હાઉસમાં સાબરમતી જેલમાં બંધ સ્વાતંયસેનાનીઓનું મ્યુઝિયમ પણ હશે

અમદાવાદમાં આવું બનશે જેલ ભજિયા હાઉસ.

દેશ અને દુનિયામાં વિખ્યાત અમદાવાદના જેલ ભજિયા હાઉસના રૂપરંગ બદલાઈ રહ્યાં છે. સ્વાદના રસિયાઓને દાઢે વળગેલા કેદીઓના હાથે બનતાં ભજિયાં જ્યાં વેચાય છે એ જેલ ભજિયા હાઉસને હેરિટેજ લુક અપાયો છે. આ નવું બિલ્ડિંગ પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં એને સ્વાદના રસિયાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે જેલ ભજિયા હાઉસમાં હવે ભજિયાંની સાથે-સાથે કેદીઓ ગાંધી થાળી બનાવીને પીરસશે.

અમદાવાદમાં રૂપિયા અઢી કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા ત્રણ માળના જેલ ભજિયા હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર ભજિયાં અને અન્ય ફરસાણના વેચાણનું કાઉન્ટર રહેશે. અહીં બેસીને લોકો ગરમાગરમ ભજિયાં ખાઈ શકે અેવી બેઠકવ્યવસ્થા બનાવી છે. પહેલા માળે ડાઇનિંગ એરિયા બનાવ્યો છે જ્યાં કેદીઓ દ્વારા બનાવવામાં આવેલી વિશેષ ગાંધી થાળીના નામથી સા​ત્ત્વિક ભોજન પીરસવામાં આવશે. ત્રીજા માળે દેશની આઝાદીના સ્વાતંયસેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા સમયની ઝાંકી દર્શાવતું મ્યુઝિયમ બનાવ્યું છે. આઝાદીના સમયે સાબરમતી મધ્યસ્થ જેલમાં રહેલા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય ટિળક સહિતના સ્વાતંયસેનાનીઓએ જેલમાં વિતાવેલા સમય અને સ્મૃતિઓને જીવંત કરતી ફોટો-ગૅલરીનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.

gujarat news gujarat ahmedabad culture news