Ahmedabad Plane Crash: કેમ આ છ પરિવારે મૃતક સ્વજનના ફરીથી કરવા પડશે અંતિમ સંસ્કાર?

04 July, 2025 08:44 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Ahmedabad Plane Crash: ગઇકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અવશેષનો બીજો સેટ તેમના પરિવારને આપવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

થોડાક સિવસો પહેલાં અમદાવાદના મેઘાણીનગરમાં એઆઈ ૧૭૧ વિમાન સાથે ભયાવહ દુર્ઘટના (Ahmedabad Plane Crash) બની હતી. જેમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાસ્થળેથી જે જે મૃતકોના અવશેષો મળ્યા હતા તેની ડીએનએ તપાસ કર્યા બાદ જે તે પરિવારને સોંપવામાં આવ્યા હતા જેથી તેઓ અંતિમ સંસ્કારની વિધિ કરી શકે. પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે કેટલાંક પરિવારોએ પોતાના સ્વજનની ફરીથી એકવાર અંતિમ ક્રિયા કરવી પડે એમ છે.

ફરીથી કરવા પડશે અંતિમસંસ્કાર?

રિપોર્ટ અનુસાર ગઇકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા ઍર ઈન્ડિયા વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અવશેષનો બીજો સેટ તેમના પરિવારને આપવામાં આવ્યો હતો. હાલમાં મેઘાણીનગરમાં કે જ્યાં વિમાનનો દર્દનાક એક્સિડન્ટ થયો હતો. ત્યાં સફાઈ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન જ હજી ૧૬ જેટલાં અવશેષો મળી આવ્યાં હતાં. ત્યારબાદ તે તમામ અવશેષોની ડીએનએ તપાસ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જે તે પરિવારજનોને બોલાવીને તેમના મૃતક સ્વજનના અવશેષો સોંપવામાં આવ્યા હતા. કુલ છ પરિવારોને પોતાના મૃતક સ્વજનના અવશેષો આપવામાં આવ્યા છે એટલે હવે આ પરિવારોએ હવે તેમના પ્રિયજનોના ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડી શકે એમ છે.

તમને જણાવી દઈએ કે વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં જીવ ગુમાવનારા મુસાફરોમાં ક્રૂ, ડોકટરો, સ્થાનિક લોકો સામેલ છે. તે તમામ મૃતકોના સંબંધીઓ પાસેથી સંમતિ પત્ર આપવામાં લેવામાં આવ્યો હતો અને આ પત્રમાં પરિવારજનોએ સહમતી આપી હતી કે આગળ હવે પછી કાટમાળની વધુ સફાઈ અથવા તબીબી વિશ્લેષણ દરમિયાન જો તેમના પરિવારજનના અવશેષ મળે છે તો તેના અંતિમસંસ્કાર કરવાની પરવાનગી અમે આપીએ છીએ.

પરંતુ ગુજરાતના આણંદ, નડિયાદ અને અમદાવાદના છ પરિવારો એવા હતા કે તેઓએ હોસ્પિટલને કહ્યું હતું કે જો કાટમાળની સફાઇ દરમિયાન અમારા પરિવારજનના અવશેષ મળે છે તો તેના ડીએનએ મેચ કરાયા બાદ અમને જાણ કરવામાં આવે. 

બીજીવાર અંતિમ સંસ્કાર કરવામાં વાંધો નહીં આવે ને?

સામાન્યરીતે અંતિમ સંસ્કારની વિધિ માત્ર એક જ વખત કરવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં ડીએનએ મેચ અને અવશેષો સોંપાયાનું પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી આ છ પરિવાર પોતાના સ્વજનનો ફરીથી બીજીવાર અંતિમ સંસ્કાર કરી શકશે.

નવ પરિવારોએ સ્વજનના અવશેષોના અંતિમ સંસ્કાર માટે હોસ્પિટલને મંજૂરી આપી

છ પરિવાર ઉપરાંત બાકી રહેલા દસ મૃતકોમાંથી નવ પરિવારોએ તેમના અવશેષોના અંતિમ સંસ્કાર માટે હોસ્પિટલને સંમતિ આપી છે. રિપોર્ટ અનુસાર હવે માત્ર એક જ પરિવારનો રિપ્લાય આવવાનો બાકી છે.

અહેવાલો અનુસાર (Ahmedabad Plane Crash) કાટમાળની સફાઇ દરમિયાન જે અવશેષોનો બીજો સેટ મળી આવ્યો છે તેમાં મળેલાં અવશેષો અગાઉ સોંપવામાં આવેલા અવશેષો કરતાં કદમાં નાના છે. એટલે કે શરીરનો ચોક્કસ કોઈ એક નાનો ભાગ હોઇ શકે છે. કેટલાક કેસમાં માત્ર જે તે મૃતકના અંગના એક કે બે હાડકાં જ હોય.

gujarat news ahmedabad plane crash ahmedabad gujarat gujarat government air india