અમદાવાદમાં પાસ ખરીદીને ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે પાડી રેઇડ

26 October, 2025 12:54 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૭૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયાના પાસમાં શરાબ અને શબાબની મહેફિલ ચાલતી હતી

દારૂની પાર્ટી કરતા ઝડપાયેલા વિદેશીઓ સહિતના લોકો. (તસવીરો : જનક પટેલ)

વિદેશી વિદ્યાર્થીઓ સહિત ૨૦ લોકોની ધરપકડ, જેમાં છ મહિલાનો પણ સમાવેશ : પોલીસે પાસ ખરીદીને ફાર્મહાઉસમાં જઈને તપાસ કરી તો રેવ પાર્ટી જોવા મળી : ૭૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયાના પાસમાં શરાબ અને શબાબની મહેફિલ ચાલતી હતી : ફાર્મહાઉસના માલિકની અને દારૂ સપ્લાય કરનારની પણ ધરપકડ

નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે શુક્રવારે મોડી રાતે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસ પહોંચી ગઈ હતી અને રેઇડ પાડીને વિદેશી વિદ્યાર્થીઓ સહિત ૨૦ વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં છ મહિલાનો પણ સમાવેશ થાય છે. રેઇડ પાડવા માટે પોલીસે પાસ ખરીદ્યા હતા અને ફાર્મહાઉસની અંદર જઈને તપાસ કરતાં દારૂની પાર્ટી ચાલતી હતી.  

પોલીસે પકડેલી દારૂની બૉટલો, બિઅરનાં ટિન અને હુક્કા, આ ફાર્મહાઉસમાં ચાલતી હતી પાર્ટી. તસવીરો : જનક પટેલ

અમદાવાદ ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ઓમપ્રકાશ જાટે મીડિયાને કહ્યું હતું કે ‘બોપલ પોલીસ-સ્ટેશનના સ્ટાફ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપના સ્ટાફ અને મહિલા પોલીસ-સ્ટેશનના સ્ટાફે રેઇડ પાડી હતી. દારૂની પાર્ટીની બાતમી મળતાં પોલીસ ઇવેન્ટના પાસ ખરીદીને અંદર એન્ટર થઈ હતી અને ઇવેન્ટમાં જે ચાલતું હતું એના આધારે રેઇડ પાડી હતી. આ રેઇડમાં ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં મૅજોરિટી લોકો આફ્રિકન નેશનના છે. એમાં સૌથી વધુ કેન્યાના લોકો છે. આ તમામ લોકો અહીં જુદી-જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીના છે. યુનિવર્સિટીને પણ આની જાણ કરવામાં આવશે. કુલ મળીને ૧૩ વિદેશી અને ૭ ભારતીય લોકો ઝડપાયા હતા. ફાર્મહાઉસના ઓનર મિલન પટેલ તેમ જ દારૂની સપ્લાય કરનાર અનંત કપિલ અને આશિષ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે રેઇડ પાડી હતી જે સવારે ૪ વાગ્યા સુધી ચાલી હતી. પાર્ટી આખી રાત ચાલવાની હતી. આ પાર્ટી માટે ૭૦૦ રૂપિયા, ૨૫૦૦ રૂપિયા અને ૨૫,૦૦૦ રૂપિયાના પાસ રાખવામાં આવ્યા હતા. પાસ માટે એક વૉટ્સઍપ ગ્રુપ હતું. એના ક્લોઝ ગ્રુપ દ્વારા પાસ વેચવામાં આવતા હતા. પોલીસ પાસ ખરીદીને પાર્ટીમાં પહોંચી હતી અને રેઇડ પાડી હતી.’ 

gujarat news gujarat ahmedabad Crime News Gujarat Crime gujarat government