શ્વાન બન્યો શેતાન : ચાર મહિનાની બાળકીને બચકાં ભરીને જીવ લઈ લીધો

14 May, 2025 09:15 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદની હૃદયદ્રાવક ઘટના : રૉટવેઇલર નસલના કૂતરાને માલિકે હુમલા પછી સંતાડી દીધો, પણ પોલીસે અને કૉર્પોરેશને બીજા વિસ્તારમાંથી ઝડપી લીધો અને પૂરી દીધો ડૉગ-શેલ્ટરમાં

બાળકો પર હુમલો કરનાર કૂતરાને મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડૉગ-શેલ્ટરમાં પૂરવામાં આવ્યો હતો, અમદાવાદમાં બાળકો પર હુમલો કરનાર કૂતરાને શોધીને પકડી લેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં સોમવારે રાતે એક પાળેલો શ્વાન શેતાન બન્યો હતો અને રાધેય રેસિડેન્સી નામના અપાર્ટમેન્ટમાં રમી રહેલાં બાળકો પર અચાનક હુમલો કરીને ચાર મહિનાની બાળકીને બચકાં ભરીને તેનો જીવ લઈ લીધો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે બાળકીનો જીવ લેનાર પેટ ડૉગના માલિકે તેના કૂતરાને ભગાડી દીધો હતો. જોકે પોલીસે અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે કૂતરાને ઝડપી લઈને ડૉગ-શેલ્ટરમાં પૂરી દીધો હતો અને એના માલિક દીપક પટેલ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા રાધેય રેસિડેન્સી અપાર્ટમેન્ટમાં રહેતા દિલીપ પટેલના ઘરનાં મહિલા સભ્ય રૉટવેઇલર નસલના કૂતરાને લઈને અપાર્ટમેન્ટમાં ફરી રહ્યાં હતાં ત્યારે ત્યાં બાળકો પણ રમી રહ્યાં હતાં. દરમ્યાન એકાએક પેટ ડૉગે આ બાળકો તરફ ધસી જઈને હુમલો કર્યો હતો, જેના કારણે બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી. કૂતરાએ ચાર મહિનાની એક દીકરીને લઈને બેસેલી તેની માસી પર પણ હુમલો કર્યો હતો જેના કારણે તેમના હાથમા રહેલી ચાર મહિનાની ભાણી નીચે પડી જતાં કૂતરો તે માસૂમને બચકાં ભરવાં માંડ્યો હતો. આ ઘટનાને કારણે હોબાળો મચી ગયો હતો. લોકોએ દોડી આવીને કૂતરાને દૂર કર્યો હતો અને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. માસીને પણ એ કૂતરો કરડતાં હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યાં હતાં.

આ ઘટનાની જાણ થતાં પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ ઍક્શનમાં આવ્યો હતો અને ગઈ કાલે રાધેય રેસિડેન્સીમાં જઈને કૂતરાની શોધખોળ કરી હતી, પરંતુ એ મળી આવ્યો નહોતો. કૂતરાના માલિક દિલીપ પટેલને પોલીસ-સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એ કૂતરાને મેમનગર વિસ્તારમાં લઈ જઈને સંતાડી દેવામાં આવ્યો હતો. આથી પોલીસ અને કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી સહિતના કર્મચારીઓએ તપાસ કરતાં મેમનગરમાંથી કૂતરો મળી આવતાં એને પકડીને મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડૉગ-શેલ્ટરમાં પૂરવામાં આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ પાલતુ કૂતરાના માલિક દિલીપ પટેલે તેમના પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી: જેથી કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે કૂતરાના માલિક દિલીપ પટેલ સામે રજિસ્ટ્રેશન નહીં કરાવવા બદલ, કૂતરો કરડવાના બનાવ બાબતે તેમ જ આ કૂતરાને કારણે અન્યને થયેલી હેરાનગતિ સહિતના મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા વિવેકાનંદ પોલીસ-સ્ટેશનમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત અપાર્ટમેન્ટના સભ્યોએ પણ કૂતરાના માલિક સામે પગલાં ભરવા માટે પોલીસમાં રજૂઆત કરી હતી.

ahmedabad gujarat news gujarat wildlife Crime News